મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદરાના જેતલપુર રોડ પર આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક અને તેમના પુત્રએ મંગળવારે સાંજે ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. આર્થિક ભીંસમાં આવતી જતાં તેમણે આપઘાત કર્યો હોવાની ચર્ચા છે. સામૂહિક આપઘાતનું સાચુ કારણ પોલીસ તપાસમાં બહાર આવશે. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના જેતલપુર રોડ ચીકુવાડી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા અને રણોલી બસ સ્ટેશન પાસે હાઇટેક પ્લસ નામની પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવતા 70 વર્ષિય દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષના પુત્ર રસેસ દલાલે મારેઠા ફાટક પાસે ભાવનગર-કોચીવલી એક્સપ્રેસ નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પિતા અને પુત્રના માથા ટ્રેન નીચે આવી જતાં કપાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement


 

 

 

 

 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે પુત્ર રસેસ માનસિક બીમાર હોવાથી તેને કારેલીબાગ ખાતેની શાળામાં મુકવામાં આવ્યો હતો. જ્યાં પિતા દિલિપભાઇ વર્ષોથી ઓળખિતા રિક્ષાચાલકને લઇને પુત્ર રસેશને લેવા માટે પહોંચ્યા હતાં. જ્યાર બાદ ટિકિટ બુક કરાવવી છે તેમ કહી તેઓ મરેઠા ફાટક પહોંચ્યા હતાં અને ટ્રેન નીચે ઝંપલાવી બંનેએ આપઘાત કરી લીધો હતો. મરેઠા પાસે બે લોકોએ આપઘાત કર્યાનું જાણતા ઓળખીતો રિક્ષા ચાલક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.