પ્રિય આકાશ

આજે તું પચ્ચીસીનો થઈ રહ્યો છે, પણ તને હું આ પહેલો પત્ર લખી રહ્યો છું, હું અને મારા પિતા એક જ ઘરમાં રહેતા હોવા છતાં અનેક  વખત પત્ર લખી વાત કરતા હતા. જો કે પત્ર તો હાથો હાથ આપતા હતા, તને લાગશે કે એક જ ઘરમાં રહેનારી બે વ્યકિત પત્ર લખીને કેમ વાત કરતી હશે, પણ કદાચ મારૂ શિક્ષણ જ તેવી  રીતે થયું હતું. મારા પિતા મારા કરતા એકદમ વિરોધાભાસી હતા, પણ બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. કદાચ એટલે જ મને એકબીજાની સાથે સંમત્ત નથી તેવી અથવા બોલવા અને સાંભળવામાં કડવી લાગે તેવી વાત લખીને કહેતા હતા. આમ તો મારા પિતાના શબ્દોમાં કડવાશ ભાગ્યે જ દેખાતી હતી, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કોઈને ઘણું બધુુ કહેવાનું હોય છે, પણ તે વ્યકિત સામે આવે ત્યારે બંન્ને તરફના શબ્દો ખલાસ થઈ જતા હોય છે. તેવું જ  કંઈક અમારી વચ્ચે થતુ હશે, પત્ર દ્વારા વાત કરવાનો ફાયદો એવો હતો કે પત્રો કયારેય વિવાદ કરતા નથી, પત્ર હ્રદયને વિચારવાનો અને શાંત રહેવાનો સમય આપે છે.

ખેર તારા જન્મ બાદ ક્રમશઃ માણસોએ એકબીજાને પત્ર લખવાનું જ બંધ કરી દીધું,, એટલે તારી પેઢીના યુવાનોને પોસ્ટકાર્ડ અને આંતરદેશી પત્ર કોને કહેવાય તેની પણ વધુ ખબર નથી..તેમા તારો વાંક પણ નથી,એટલે પત્ર દ્વારા પણ સંવાદ થાય તેની તને ખબર નથી. પત્ર હ્રદયની વાત કરે છે, એટલે આજે તને પત્ર લખી રહ્યો છું, કે તું મને પ્રિય છે, કારણ તું મારૂ સર્જન છે, તું માત્ર મારૂ સર્જન જ નહીં પણ મારો શ્વાસ છે, આજે તારો પચ્ચીસમો જન્મ દિવસ છે, તું નાનો હતો ત્યારે તું તારા દરેક જન્મદિવસે મારી રાહ જોતો. જેમ દરેક બાળક જન્મદિવસના દિવસે પિતા પાસે ભેટની અપેક્ષા રાખે તેવી જ રીતે તું પણ રાખતો, નાનપણમાં તારી માગણીઓ પણ નાની હતી, પણ તારી નાની માગણી સામે મારો પગાર પણ તારા કરતા ટુંકો હતો. છતાં હું મારી હેસીયત પ્રમાણે તને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હતો, પણ મને ખબર છે તને ખુશ કરવાની અને ખુશ જોવાની પરિક્ષામાં હું અનેક વખત નાપાસ થયો છું. મને તેનો વર્ષો સુધી રંજ પણ રહ્યો હતો.


 

 

 

 

 

પણ આજે પાછળ ફરીને તે દિવસો તરફ જોઉં તો લાગે છે, તારા અભાવમાં જે દિવસો પસાર થયા કદાચ તે સારા માટે જ હતા. અભાવમાં દિવસોમાં તું અને હું બંન્ને દુઃખી હતા, પણ આજે સમજાય છે કે અભાવે તને સારો માણસ થવાના પ્રયત્નમાં ઘણી મદદ કરી છે. મેં હમણાં સુધી તને શું આપ્યું તેવો વિચાર કરૂ છું, ત્યારે મને લાગે છે મારા પ્રારબ્ધમાં જે અભાવ હતો, જે તારા લેખે પણ આવ્યો તેમાંથી તું સારો માણસ થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં તને કયારે બીજા તરફ અનુકંપા રાખજે તેવું શબ્દો દ્વારા શીખવાડયું નથી.પણ તે મને બીજા સાથે વ્યવહાર કરતો જોયો અને તને નડેલા અભાવમાંથી તું અભાવમાં જીવતા લોકો તરફ માયાળુ થયો. તું જયારે આપણા કરતા સામાજીક અને આર્થિક રીતે ઉતરતા લોકો સાથે માયાળુ વ્યવહાર કરે અને તેમની સંભાળ લેવાનો પ્રયત્ન કરે ત્યારે સારૂ લાગે છે, તારો  વ્યવહાર મને સારો લાગ્યો. મેં તને બહુ ઓછી વખત કહ્યું છે, પણ તું જયારે બીજા સાથે સારો વ્યવહાર કરે છે ત્યારે મને બહુ લાડકો લાગે છે.

મને ત્યારે સારુ લાગે છે, જયારે આપણી આસપાસ જાતિ-ધર્મ અને જ્ઞાતિના નામે એકબીજામાં કડવાશ રેડવામાં આવી રહી છે, ત્યારે આ કડવાશ તને સ્પર્શી નથી. તારી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા ઓછી હોય તો પણ તું તારી આસપાસના માણસમાં ભરોસો કરે છે. જે ઈશ્વરને આપણે જોયો નથી તેની ઉપર ભરોસો કરીએ છીએ પણ જે માણસને આપણે રોજ મળીએ છીએ તેના માટે આપણી અંદર અવિશ્વાસ, ધૃણા અને તીરસ્કાર હોય છે. તું આ બધાથી પોતાની જાતનને દુર રાખી શકયો તેનો મને આનંદ છે. તારી અંદર એક પ્રકારની મોકળાશ છે. તે તારી  જાતને ખુલ્લી રાખી છે, મારી ઈશ્વરને પ્રાર્થના છે કે આજે જેવો તું છે તેવો કાયમ રહેજે અને દસે દિશામાંથી તારી તરફ આવતી હકારત્મક્તા તારી અંદર કાયમ રહે. તારી અંદર રહેલું માણસ તરીકેનું સારાપણું તે સાચવી રાખ્યું છે. તેનો મને આનંદ છે, આપણી પાસે પૈસા અને સંપત્તી ઓછી હશે તો કદાચ ચાલી જશે પણ આપણી અંદર રહેલો માણસ સૈદવ જીવંત રહેવો જોઈએ.


 

 

 

 

 

એક ચોક્કસ ઉંમરનો દિકરો થાય ત્યારે દરેક પિતા અજાણપણે એવી અપેક્ષા રાખવા લાગે છે કે તેનો પુત્ર તેના કરતા મોટો થાય, આ બહુ સ્વભાવીક માનસીક પ્રક્રિયા છે, પણ  મેં મારી જાતને સવાલ પુછયો કે આકાશ મારા કરતા મોટો થાય એટલે શું.આ સવાલ મેં મને પુછયો અને લાંબો વખત હું શાંત થઈ ગયો, કારણ દરેકની સુખની કલ્પના જુદી જુદી હોય છે, મેં મને સવાલ પુછયો કે મોટો માણસ થાય એટલે શું?  મેં મારી જાતને સવાલ પુછયો અને હું પોતે જ નીરઉત્તર થઈ ગયો. એક પિતા તરીકે મારામાં રહેલા માણસે કહ્યું તું જેવો અભાવમાં જીવ્યો તેવો તેવો અભાવ તેને તેના કુટુંબને કયારેય નડે નહીં, મને લાગ્યું કે માત્ર આકાશ જ નહીં વિશ્વનો કોઈ માણસ અભાવમાં જીવવો જોઈએ નહીં, પણ ખરેખર આકાશ મોટો માણસ થાય એટલે શું... તો આ વિષય ઉપર ખુબ વિચાર કર્યા પછી મને  લાગ્યું કે શ્રીમંત થવુ તે ગુનો નથી.

આકાશ મને લાગે છે તારે મોટું થવું જરૂરી છે, કારણ કોઈના જીવનમાં સારુ કરવા માટે આપણા ખીસ્સામાં તેની વ્યવસ્થા હોવી જોઈએ. કારણ જયારે આપણને આપણા ઘરની ચિંતા હોય ત્યારે ત્યારે આપણે બીજાના ઘરની ચિંતા કરી શકતા નથી. તે પણ એટલી વાસ્તવીકતા છે, એટલે તારા ઘરની વ્યવસ્થા સદૈવ ઉત્તમ રહે તેવી ઈચ્છા અને પ્રાર્થના છે, છતાં આપણી પાછળના પગથીયે કોઈક ઊભું છે તેની તરફ આપણું ધ્યાન રહે તેવી મારી વિનંતી છે. તું મોટો માણસ થાય તેવી ઈચ્છા છે પણ મોટો થયા પછી તારૂ મોટા થવું તારા કુટુુંબ અને તારા આસપાસના લોકોના જીવનમાં કલ્યાણકારી બને તેવી મારી ઈચ્છા અને માગણી છે. આકાશ તારા આ જ્ન્મદિવસે હું તારી પાસે મારી ગીફટ માંગી રહ્યો છું, મને મારા અનુભવમાંથી સમજાયું કે આપણી જરૂરિયાત માટે પૈસા ખુબ જરૂરી, છતાં સુખી મેળવનાર નહીં વહેંચનાર જ હોય છે, તો તું સુખ વહેંચનાર થાય તેવી મારી મનોકામના છે, સુખનો રસ્તો દરેકનો અલગ હોય છે, તારે સુખી થવા માટે લેનાર થવું છે કે આપનાર તારે નક્કી કરવાનું, મારી ઈચ્છા તારા માટે કયારેય આદેશાત્મક રહી નથી તેની તને ખબર જ હશે.

તને પ્રેમ કરનાર

તારા પપ્પા 

પ્રશાંત દયાળ