મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બાવળા તાલુકાનાં ભાયલા ગામમાં આવેલા નવાપુરામાં પિતા-પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

બનાવની પ્રાપ્તા વિગતો અનુસાર બાવળા તાલુકાનાં ભાયલા ગામમાં આવેલા નવાપુરામાં રહેતાં મહેન્દ્રભાઇ ઉર્ફે રામેશ્વર અંબારામભાઇ ચૌહાણે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે 22 તારીખની રાત્રે સાડા નવ વાગે અમે ઘરનાં સભ્યો ઘરે હાજર હતાં ત્યારે ઘરની બહાર ફળીયામાં મારા પિતા અંબારામભાઇ મથુરભાઇ ચૌહાણ (કોળી પટેલ,55 વર્ષ) અને મારા મોટાભાઇ લલીતભાઇ અંબારામભાઇ ચૌહાણ (કોળી પટેલ,30 વર્ષ) ઉલટી કરવા લાગ્યા હતાં. જેથી મેં તેઓને પૂછયું કે શું થયું તો બંનેએ જણાવ્યું કે અમે ઘઉંમાં નાખવાની દવા સેલફોસની ગોળી ખાધી છે. જેથી તેઓને દવા પીવાનું કારણ પૂછતાં તેમણે કાંઇ જણાવ્યું નહીં.જેથી મેં તરત જ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં તરત 108 આવી ગઈ હતી.અને બંનેને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતાં.

પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ સોલા સીવીલ હોસ્પીટલમાં લઈ જતાં ત્યાં આઈસીયુંમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર દરમ્યાન રાત્રે 1-05 વાગે લલીતભાઈનું મોત થવા પામ્યું હતું.અને રાત્રે 1-25 વાગે અંબારામભાઇનું મોત થવા પામ્યું હતું.જેથી કેરાળા જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલ એચ. એમ.ડોડીયાએ એ.ડી. ગુનો દાખલ કરીને લાશોનું પી.એમ.કરાવી ક્યાં કારણસર દવા પીધી તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.