પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે આપણા બાળકને કેટલી સ્વતંત્રતા આપી છીએ, તેવો પ્રશ્ન આપણે કોઈ પાલકને પુછીએ તો તરત પાલક કહેશે, અરે અમે તો તેમને પુરી સ્વતંત્રતા આપી છે, અમારા સંતાનો તો તેમના નિર્ણય પોતાની રીતે કરવાની છુટ આપી છે. સાંભળવામાં આ બહુ સારૂ લાગે, પણ સંતાનોને આપેલી સ્વતંત્રતા બહુ ભ્રામક છે. આપણે સંતાનોને બહુ સીલેકટીવ સ્વંતત્રતા આપી છીએ. સંતાન જ્યાં સુધી આપણી માન્યતાઓ, કુંટુબની પ્રણાલીકા અને આપણા અણગમાને તેઓ પડાકરતા નથી ત્યાં સુધી જ સ્વંતત્રતા આપી છે, ખરેખર આપણી જે કંઈ માન્યતાઓ અથવા મત છે. તે મોટા ભાગે આપણે હોતો જ નથી, ઘર, સ્કૂલ, કોલેજ અને સોસાયટીમાં સાંભળેલી વાતો ક્રમશઃ આપણી માન્યતા અને આપણો મત કયારેય થઈ તેની આપણે ખબર જ પડતી નથી, એટલુ જ નહીં આપણી માન્યતાઓ અને મત આપણા સંતાનોને વારસામાં આપી છીએ. વાત ત્યાં અટકતી નથી આપણી માન્યતા અને મત તેમણે માનવો જોઈએ અને તે પ્રમાણે જીંદગી જીવવી જોઈએ તેવો આગ્રહ રાખીએ છીએ.

આપણુ સંતાન શ્રેષ્ઠ સ્કૂલમાં અભ્યાસ કરે, આપણું સંતાન પોતાની ગમતી પ્રવૃત્તીમાં હિસ્સો લે, તે રમત, નાટક અને અભ્યાસમાં અવ્વલ આવે તેવા તેના પ્રયાસને આપણને મન-ધનથી મદદ કરીએ છીએ, સંતાન મોટું થાય ત્યારે ઉચ્ચ અભ્યાસમાં તેને પસંદનો અભ્યાસમાં કરવાની તક અને અવકાશ આપી છીએ. તેના માટે જરૂર પડે એજયુકેશન લોન પણ લઈએ છીએ. આપણે પાલક તરીકે જે કઈ કરીએ છીએ તેમાં આપણો ઈરાદો તેને સુખી કરવાનો છે, પણ જ્યાં સંતાન અભ્યાસ પુરો કરે અને નોકરી ધંધો કરવા લાગે, ત્યાર બાદ પાલક હવે પોતાની છેલ્લી જવાબદારી પાર પાડવાની ઉતાવળમાં હોય છે. તેઓ ઉતાવળીયા થાય છે કે તેમનું સંતાન હવે પોતાની આગળની સફરનો સાથી નક્કી કરી લે, આ સંતાન માટે જીંદગીનો એક મહત્વનો નિર્ણય હોય છે, કારણ હવે તે જીંદગીની એક નવી સફર શરૂ કરવાનો છે.


 

 

 

 

 

હવે જે પાલક અમે બાળકને સ્વંતત્રતા આપીએ છીએ તેવો દાવો કરે છે તેમની પરિક્ષાનો સમય શરૂ થાય છે. સંતાનમાં જો દિકરો હોય તો તેના માટેની સ્વંતત્રતાનો માપદંડ બદલાઈ જાય છે અને દીકરી હોય તો તેને કેટલી સ્વતંત્રતા આપવી તેની ગણતરીઓ શરૂ થાય છે. મોટા ભાગના પાલકોની ઈચ્છા હોય છે તેમનો દિકરો પોતાની જ જ્ઞાતીની યુવતીને પસંદ કરે, પણ તેવું થતુ નથી ત્યારે પાલક દુઃખી જરૂર થાય છે છત્તાં દિકરાને કમને પણ જ્ઞાતિનો વાડો તોડી અન્ય જ્ઞાતીની યુવતી સાથે લગ્ન કરવાની મંજુરી મળે છે, પણ સામે પક્ષે જે દીકરીના પાલક છે તેમના માટે દીકરીએ જાણે ઘોર અપરાધ કર્યો અને તેના કારણે તેમની આબરૂનું લીલામું થયું તેવા ભાવનો જન્મ થાય છે. દીકરીના પાલકો મોટા ભાગે તેવું માનતા હોય છે કે અન્ય જ્ઞાતી અથવા ધર્મમાં તે પોતાનો જીવનસાથી પસંદ કરશે તો દુઃખી થશે.

મેં સંતાનોને સ્વતંત્રતા આપી છે તેવો દાવો કરતા અને પોતાની ગણના સુધારાવાદી લોકોમાં કરાવતા પાલકોને જોયા છે જ્યારે તેમનું સંતાન પોતાનો જીવન સાથી અન્ય જ્ઞાતિ-ધર્મમાંથી પસંદ કરે છે, ત્યારે તેમની સ્વતંત્રતા અને સુધારાવાદી હોવાના દાવાનું સુરસુરીયુ થઈ જાય છે. જે સંતાન કપડાં અને બુટ ખરીદવા જાય ત્યારે આપણે તેને સ્વતંત્રતા આપી છે કે તને પસંદ પડે તે બ્રાન્ડની વસ્તુ ખરીદજે, પણ તે સંતાન પોતાનો સાથી પસંદ કરવાનો નિર્ણય કરે છે ત્યારે આપણે તેની સ્વંતત્રતા પાછી ખેંચી લઈએ છીએ. દીકરી હોય કે દિકરો તેઓ જ્યારે પોતાનો જીવનસાથી જ્ઞાતિમાંથી અને જ્ઞાતિ બહારથી પસંદ કરે ત્યારે આપણે કે સંતાનોને ખબર હોતી નથી કે તેઓ પોતાના જીવનસાથી સાથે સુખી રહેશે કે નહીં, દરેક પાલક પોતાની છાતી ઉપર હાથ મુકીને પુછે કે ખરેખર તેઓ પોતે પણ સુખી છે કે નહીં ?

દરેકનું સુખ અલગ હોય છે, દીકરીને પોતે પસંદ કરેલા સાથી સાથે રહેવામાં જ સુખ મળશે તેવું તે માને છે. પાલક દીકરીનું સુખ તેમણે પસંદ કરેલા યુવકના ગ્રીનકાર્ડ, તેની સંપત્તી અને તેની મિલ્કતમાં છે તેવું માને છે. દીકરી નાની હતી ત્યારે દીકરીને કઈ ઠીગ્ગલી રમવામાં સુખ મળતું હતું તેની ચિંતા કરતા હતા. હવે જ્યારે દીકરી પોતાનું જીવનભરનું સુખ જાતે શોધી રહી છે, ત્યારે તે આપણા જ્ઞાતિ-ધર્મનો નથી તેવા મુદ્દા ઉપર તેના સુખને તેની પાસેથી છીનવી લેવાનો નિર્ણય કરીએ છીએ. આપણે જે દીકરીનો જીવનસાથી તરીકે પસંદ કરીએ છીએ, તે આપણી દીકરીને પ્રેમ કરે છે કે નહીં તે પણ જાણવાની આપણે દરકાર કરતા નથી, જે દીકરીને આપણા જીવ કરતા વધુ પ્રેમ કરી ઉછેરી તે દીકરી તેનો પતિ સન્માન આપશે કે નહીં તેની જાણકારી પણ આપણે મેળવતા નથી.


 

 

 

 

 

જે સંતાનોને આપણે પચ્ચીસ વર્ષ સુધી સ્વંતત્રતા આપી તે સંતાનની જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છીનવી લેનાર આપણે કોણ છીએ ? આપણે તો સંતાનના ટ્રસ્ટી છીએ, બની શકે આગળના જતા આપણને અને સંતાનને ખબર પડે કે સંતાનો દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખોટો હતો. તો કંઈ નહીં આપણી પોતાની જીંદગીના અનેક નિર્ણયો પણ ખોટા પડયા છે, સંતાન તેમના નિર્ણયમાં ખોટો પડે તો તે દોષિત નથી, પણ તેને તેનો નિર્ણય લેવા દો, કારણ આપણે પસંદ કરેલા તેના જીવનસાથી સાથે તે સુખી રહેશે તેવી ખાતરી પણ આપણી પાસે નથી.