મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લામાં મેઘરાજાએ રીસામણા લીધા હોય તેમ મેઘમહેર થી જીલ્લો વંચિત રહ્યો છે જીલ્લામાં વરસાદ ખેંચાતાં મગફળી- કપાસ, સોયાબીન સહિત લાખ્ખો હેકટરના વાવેતર સામે ખતરો ઉભો થયો છે. સારા ઉત્પાદનની આશાએ દવા-બિયારણ- ખાતર પાછળ લાખોનો ખર્ચો વેઠનાર ખેડૂતોની આશા ઠગારી નિવડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જગતનો તાત વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યો છે. જો આગામી દિવસોમાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડશે. મોડાસા તાલુકામાં આજ દિન સુધીમાં માત્ર ૧૧ જેટલો ઇંચ વરસાદ નોંધાયો છે.

બુધવારે  બપોરે મોડાસા પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા ખેતીને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો મેઘરાજાના વિરામથી અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકોરી ઉઠ્યા હતા ત્યારે વરસાદી ઝાપટા થી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી  મોડાસા પંથકમાં વરસાદનું આગમન થતા ખેડૂતો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટા થી જીલ્લામાં વરસાદી માહોલ જામવાના અણસાર જોવા મળતાં ભૂમિપુત્રો આશાવાદી બન્યા છે.

અરવલ્લી જીલ્લા સહીત મોડાસા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદના આગમન સાથે જ સારા ચોમાસાની આશાએ ખેડૂતોએ મોટાપાયે મગફળી, કપા, સોયાબીન, તુવેર, મકાઇ તથા કેટલાક વિસ્તારોમાં દિવેલા જેવા પાકોનું વાવેતર કરી દીધું છે. આ વાવેતર માટે દવા-બિયારણ તથા ખાતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે. જો કે તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ભૂમિપુત્રોએ  વાવેતર કરાયેલો મગફળીના પાકને હાલમાં પાણીની તાતી જરૂરીયાત છે. વાવેતર બાદ હાલ મગફળીના પાકમાં દાઢા ફુટવાનો સમય થયો છે, ત્યારે જો આ પાકને પાણી નહીં મળે તો ઉત્પાદન પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે ઉપરાંત અન્ય બીજા ચોમાસુ પાકોને પણ હાલમાં પાણીની જરૂરીયાત છે.

પરંતુ જરૂરીયાતના સમયે જ વરસાદ હાથતાળી આપી જતાં ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. તેવામાં જો હજુ પણ આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો ઉત્પાદન ક્ષેત્રે સહિત અનેક બાબતોમાં ખેડૂતોએ મોટુ આર્થિક નુકશાન સહન કરવું પડશે. ચાલુ વર્ષે ચોમાસાનો ધોરી મહિનો ચાલી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર સરેરાશ જીલ્લામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.