મેરાન્યૂઝ નેટવર્ક.સિહોર: સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષેં ચોમાસાની સિઝનમાં પડેલ વરસાદને પગલે ખેડૂતોને મોટાપાયે નુકશાની પહોંચી છે ત્યારે સિહોર તાલુકામાં પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકોને નુકશાની થતાં હાલત કફોડી બની છે. ત્યારે સિહોરના વાવડી ગામના ખેડૂતના તલ સહિતના પાકને નુકશાની જતાં ખેડૂતે જાતે જ ખેતરમાં પાકને દીવાસળી ચાંપી પાકને બાળી સરકાર પાસે વળતરની માંગ કરી હતી. ખાસ કરીને સિહોર અને તાલુકો ખેતિ આધારીત તાલુકો છે અને ખેડૂતો પોતાની સુઝબૂઝ મુજબ બારે મહિના અલગ-અલગ પાકોનું વાવેતર કરે છે. જેમાં મોટાભાગે ખેડૂતો ખેતિ અને સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે ત્યારે ચાલુ વર્ષે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તલ - કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકશાની પહોંચી છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સિહોર તાલુકામાં પણ અતિવૃષ્ટિના કારણે અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના મહા મહેનતે કરેલ પાકોનું ધોવાણ થઈ જતાં ખેડૂતોને નુકશાન પહોંચ્યું છે. 

વાવડી ગામના ખેડૂતે અંદાજે ૨૦ વિઘા જમીનમાં કરેલ તલનો પાક અતિવૃષ્ટિના કારણે સંપૂર્ણ નિષ્ફળ જતાં ખેડૂતે કંટાળી માનસિક રીતે થાકી નિષ્ફળ ગયેલ તલના પાકને જાતે જ ખેતરમાં બાળી નાખ્યો હતો અને સરકાર દ્વારા તાત્કાલીક નુકશાની અંગે સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે તાલુકાભરના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે મોટાપાયે નુકશાન પહોંચ્યું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક નુકશાની અંગે સર્વે હાથ ધરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. બનાવને લઈ ખેડુત આગેવાન ઘનશ્યામ મોરી સહિત ખેડૂત આગેવાનો વાવડી ગામે દોડી ગયા હતા.