મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: કૃષિ કાયદા સંદર્ભે ખેડુતોનું આંદોલન ચાલુ છે. સરકારે હાલમાં તેમને દિલ્હી-હરિયાણાને જોડતી સિંઘુ બોર્ડર પર રોકી દીધા છે. આ સાથે જ શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જે રીતે ખેડૂતો સાથે વર્તણૂક કરવામાં આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે તે આતંકવાદી છે. તેમને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યા છે, આ ખેડૂતોનું અપમાન છે.

રાઉતે કહ્યું કે, જે રીતે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે, તેવું લાગી રહ્યું છે કે તેઓ આ દેશના છે જ નહિ . તેમની સાથે આતંકવાદીઓની જેમ વ્યવહાર થઈ રહ્યો છે. તેઓ શિખ છે અને પંજાબ અને હરિયાણાથી આવ્યા હોવાથી તેઓને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યા છે. આ ખેડૂતોનું અપમાન છે.

નોંધપાત્ર વાત એ છે કે કૃષિ કાયદાને લઈને સતત ત્રણ દિવસથી આંદોલન કરી રહેલા આંદોલનકારી ખેડુતો રવિવારે પણ પોતાનું આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. ખેડૂતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર નથી કે જો તેઓ પહેલા બુરાનીના નિરંકારી મેદાનમાં શાંતિથી સ્થળાંતર કરશે, તો સરકાર બીજા દિવસે તેમની સાથે વાત કરશે.

શનિવારે આખી રાત દિલ્હી-હરિયાણાને જોડતી સિંધુ બોર્ડર પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખેડુતોએ ગઈકાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ અહીંથી ક્યાંય નહીં જાય. આજે સિંઘુ બોર્ડર પર ફરી એકવાર ખેડુતોની બેઠક મળશે, જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

તે જ સમયે, સિંઘુ અને દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરની સાથે, ટીકર બોર્ડર પર પણ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. બુરારીના નિરંકારી સમાગમ મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળ્યા પછી પણ ખેડૂતો બોર્ડર પર અડગ છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડર પર પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.