કિંજલ જોષી (મેરાન્યૂઝ.નવી દિલ્હી): બાબા દી લાડલીયા ફૌજ ના નામથી જાણીતા નિહંગ શીખો પોતાના ધર્મ માટે સમર્પિત સમુદાય છે. નિહંગ કે અકાલી કહેવાતા આ શીખો તેમના દસ ગુરુઓના પ્રખર અનુયાયીઓ હોય છે.જેઓ પોતાના ધર્મ અને ગુરુગ્રંથ સાહેબની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપવા પણ ખચકાતા નથી અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડીને ધર્મનું રક્ષણ કરે છે. નિહંગોને અન્ય કૌશલ્યની સાથે યુદ્ધ કૌશલ્યની શિક્ષા પણ આપવામાં આવે છે જેથી તેઓ સમય આવે પોતાની વીરતા અને યુદ્ધ પરંગતતાનું દર્શન પણ કરાવી શકે. કહેવાય છે કે શીખ ધર્મના છઠ્ઠા ધર્મગુરુ ગુરુ હરગોવિંદ સિંહજી એ ધર્મરક્ષા માટે નિહંગો સાથે મળીને એક હથિયારબંધ ફૌજ બનાવી હતી. હાલ ઘણા નિહંગ ગુરુઓ પંજાબમાં ગુરુદ્વારાનું પણ સંચાલન કરે છે.
સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં પણ નિહંગ સમુદાયની સક્રિય ભાગીદારી જોવા મળી. લગભગ 50 થી 60 ઘોડા, ગાય, બાજ, માંકડા સાથે હજારો નિહંગો આ આંદોલનમાં સંમિલિત થયા છે. સિંઘુ બોર્ડર પર ક્યાંક આ સમુદાય લંગરની સેવા આપી રહ્યું છે તો ક્યાંક સિક્યુરિટી બંદોબસ્તમાં છે, કોઈ પરિવાર સાથે છે તો કોઈ નિહંગ યુગલ ટેન્ટ સીટીમાં સેવા આપી રહ્યા છે.
 
 
 
 
 
ખેડૂત આંદોલન માટે અકાલી અરવા-ખરવા દળના જથેદાર નિહંગ ગુરુ ચર્તસિંહ જણાવે છે કે, ધર્મ અને પોતાના લોકોનું રક્ષણ કરવું એ જ અમારા પંથનો સિદ્ધાંત છે. આ આંદોલન ખેડૂતોના હક માટેનું છે અને જ્યાં સુધી સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી અમે ખેડૂતોની સાથે અહીં આંદોલન પર જ રહીશું. અમે શાંતિપ્રિય છીએ પણ જો વાત લોકહિતની આવે ત્યારે અમે અમારો જીવ આપી દઈશું.
ખેડૂત આંદોલનમાં જોડાયા છે હજારો નિહંગ શીખ,સેવા સાથે કરી રહ્યા છે આંદોલનની સુરક્ષા!#SinghuBorder #FarmersProtest #nihang #Humanity #lifineofthenation pic.twitter.com/2xvc6edkRl
— Kinjal Joshi (@KinjalJ82495685) February 13, 2021
સિક્યુરિટી બંદોબસ્ત સંભાળતા ચંદીગઢના બાબા લખબીરસિંહએ જણાવ્યું હતું કે, અમારી ફરજ આંદોલનમાં કોઈ અણછાજતો બનાવ ન બને એ જોવાની છે. આંદોલન ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. જો કોઈ બહારના તત્વો આવી આ આંદોલનની શાંતિ ડહોળે તો આખા આંદોલનની બદનામી થાય એટલે કંઈ પણ અપ્રિય ન બને તેની અમે તકેદારી રાખી રહ્યા છીએ.
આંદોલનમાં નિહંગો દ્વારા બે ગુરુદ્વારા પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં દિવસ-રાત ગુરુબાની ચાલે છે. 26 જાન્યુઆરીએ પોલીસ અને આંદોલનકારીઓના ઘર્ષણમાં એક યુવક અને બે ઘોડા શહીદ થયેલા તેના માટે આ ગુરુદ્વારામાં અખંડ પાઠ રાખવામાં આવ્યા હતા. વીરતા અને શૌર્ય ભરેલા હથિયારબંધ નિહંગોના આવા ઋજુ સ્વરૂપના દર્શન પણ આ આંદોલનની એક દેન જ છે!