તુષાર બસિયા (મેરા ન્યૂઝ.રાજકોટ) દિલ્હીના ખેડૂત આંદોલન બાદ તેની હવા ગુજરાતમાં પણ ફેલાઈ ગઈ છે. રાજકોટમાં પણ આવતી કાલે વિશાળ ખેડૂત સભાનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ આ પહેલા જ પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના આગેવાનોને નજર બંધ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાના આરોપ સમિતિ દ્વારા લગાવવામાં આવ્યા છે. હજૂ આ બાબતે સમિતિ રજૂઆત કરે તે પહેલા જ રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને ખેડૂત આગેવાન પાલ આંબલિયા સહિતના આગેવાને પોલીસે અટકમાં લઈ લીધા છે.

આવતી કાલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા રાજકોટની ભાગોળે ખેડૂત સભાનું આયોજન થવાનું છે. આ આયોજનની જાહેરાત કરતા ખેડૂત આગેવાનોએ આશંકા વ્યક્ત કરી હતી કે સરકાર પોલીસનો ઉપયોગ કરી આયોજનમાં ખેડૂતોને આવતા અટકવવાનો પ્રયત્ન કરશે. એવામાં આજે જ ખેડૂત આગેવાનો પાસે માહિતી આવવા લાગી હતી કે પોલીસ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોને નજરબંધ કરવા લાગી છે.

આ બાબતે સમિતિના આગેવાનો રજૂઆત કરે તે પહેલા જ રાજકોટમાંથી પોલીસ દ્વારા સમિતિના મુખ્ય આગેવાનો સહિતના લોકોને અટક કરી લેવામા આવ્યા છે. અટક થયેલા આગેવાનોમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરૂ અને ખેડૂત નેતા પાલ આંબલીયા, ડાયાભાઈ ગજેરા, ગીરધર વાઘેલા, વશરામ સાગઠિયા તેમજ હેમંત વિરડા સહિતના આગેવાનો સામેલ છે. હાલ અટક કરેલા આગેવાનોને રાજકોટના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે.


 

 

 

 

 

ખેડૂત આગેવાન પાલ આંબલીયા જણાવે છે કે, પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના 35-40 જેટલા આગેવાનોને નજરબંધ કરવામાં આવ્યા છે. તેમજ તેમને આવતી કાલની ખેડૂત સભાનું આયોજન કરતા પહેલા પોલીસ પાસે 20 જાન્યુઆરી માટે મંજૂરી માંગી હતી પરંતુ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે 20 તારીખે મુખ્યમંત્રી રાજકોટમાં છે માટે 22 તારીખ માટે સંમતી હોય તો મંજૂરી આપી શકાય. આ બાબતે સમિતિ એ 22 તારીખ માટે સહમતી દર્શાવી હતી પરંતુ હજૂ સુધી આવતીકાલ માટેના કાર્યક્રમની મંજૂરી આપવામાં નથી આવી. સાથે જ આજથી જ ખેડૂત આગેવાનોને પોલીસે નજરબંધ કરવાનું ચાલુ કરી દિધું હતું.

હેમંત વિરડા જણાવે છે કે નજરબંધ કરવાના મામલે ગ્રામ્ય પોલીસના એસ.પી. પાસે તેઓ રજૂઆત કરવા જઈ રહ્યાં હતાં. આ રજૂઆત કરવા જતા આગેવાનોને પણ પોલીસે અટકમાં લઈ લીધા છે તેમજ જેતપુર જસદણ વિંછીયા ધોરાજી અને સુરેન્દ્રનગર સહિતના આગેવાનોને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

જાણકારોનો મત છે કે સત્તા પક્ષ માટે ગુજરાતના ખેડૂતોની નારાજગી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે પડે તેમ છે. ઉપરાંત ગુજરાતમાં ખેડૂતો જો બહાર આવવા લાગે તો 3 કૃષી કાયદા બાબતે સરકાર પર ભીંસ વધવા લાગે માટે ક્યાંકને ક્યાંક આ પ્રદર્શનોને ડામવા સરકાર કાર્ય કરી રહી છે.

હાલ તો રાજકોટમાં ખેડૂત સભાના મુખ્ય આયોજકો સહિતના આગેવાનો અટકમાં લેવામાં આવ્યા છે માટે આવતીકાલે ખેડૂત સભા થઈ શકે છે કે કેમ તેના પર સૌની નજર છે. પરંતુ આ ઘટના પરથી સરકારની વિરોધ ડામી દેવાની નિતી પર પણ સવાલ પેદા થઈ રહ્યો છે.