મેરાન્યૂઝ નેટવર્ક. મેઘરજ: મેઘરજમાં મગફળીના ખરીદ સેન્ટર ઉપર ખેડૂતો પાસેથી મજૂરીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. જેના પગલે તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ સેન્ટર ઉપર બોરી દીઠ ખેડૂતો પાસેથી મજૂરીના રૂપિયા વસૂલ કરવામાં આવે છે. એક બોરીએ ખેડૂત પાસેથી ત્રણ રૂપિયા લેખે મજૂરી વસૂલવામાં આવતી હોય ખેડૂત આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકારે દરેક ખરીદ કેન્દ્ર ઉપર કોન્ટ્રાક્ટ આપી મજૂરો મુક્યા છે અને નાણાં પણ ચુકવવામાં આવી રહ્યા છે તેમ છતાંય આ વિસ્તારની ભોળી જનતા પાસેથી મજૂરીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોય ખેડૂતો સાથે થઈ રહેલી લૂંટ બદલ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. આ સેન્ટર ઉપર ખેડૂતો પાસેથી બોરી દીઠ ૩૦૦થી ૪૦૦ ગ્રામ વધારાની મગફળી પણ લેવામાં આવતી હોવાની ફરિયાદો થઈ છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે તપાસ હાથ ધરી કસુરવારો સામે પગલાં ભરવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. 

ખેડૂતોને જાણે દંડાવાનું જ લખ્યું હોય તેમ બિયારણ વાવવાથી માંડીને પાક તૈયાર થઈને વેચાણમાં જાય ત્યાં સુધી માત્રને માત્ર લૂંટાતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. પ્રથમ તો મોંઘાદાટ બિયારણો, દવાઓ ખરીદીને ખેડૂત વાવણી કરે છે. બાદમાં મહા મહેનતે રાત દિવસ એક કરીને પાક તૈયાર કરે છે. સાથે કુદરત પણ રૂઠે તો પાકમાં નુકશાની પણ જાય છે. ત્યારે પાક તૈયાર થઈને બજારમાં વેચાવા જાય ત્યાં પણ લૂંટાતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. મેઘરજ એપીએમસી ખાતે શરૂ કરવામાં આવેલ મગફળી ખરીદ કેન્દ્ર ઉપર છેલ્લા એકાદ અઠવાડીયાથી સરકાર દ્વારા થઇ રહેલ ખરીદીમાં ખેડૂતો પાસેથી મજૂરીના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ૩૦ કિલોની એક બોરી દીઠ ખેડૂત પાસેથી ત્રણ રૂપિયા લેખે મજૂરી લેવામાં આવે છે. બીજી તરફ લાચાર ખેડૂતો મગફળી વેચાય તે માટે રૂપિયા ચુકવી પણ રહ્યા છે. 

મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર સરકારે મજૂરીના કોન્ટ્રાક્ટ આપેલા છે. માલ તોલવાથી માંડીને બોરીઓ ભરવી સુધીની કામગીરી માટે સરકાર મજૂરી ચુકવે છે તેમ છતાંય મેઘરજના ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે જેના કારણે તાલુકાભરના ખેડૂતોમાં રોષ ઉભો થયો છે. આ અંગે ખેડૂતોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે એક તરફ મજૂરીના પૈસા વસૂલવામાં આવે છે બીજી બાજુ આ ખરીદ કેન્દ્ર ઉપર બોરી દીઠ ૩૦૦થી ૪૦૦ ગ્રામ વધારાની મગફળી પણ લેવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો બધી બાજુથી લૂંટાઈ રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી ખેડૂતોને લૂંટતા બચાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.