તુષાર બસિયા (મેરા ન્યૂઝ.રાજકોટ) : રાજકોટ દેશભરમાં 3 કૃષી સંબંધિત કાયદાઓને લઈ ખેડૂતો રાષે ભરાયેલા છે. મહિનાઓથી ખેડૂતો આંદોલન કરી કેન્દ્ર સરકારને કાયદાઓ પરત ખેંચવા કહી રહ્યાં છે. જેમાં ગુજરાતના ખેડૂતોની પાંખી હાજરી કે છૂટોછવાયો વિરોધ જોવા મળતો હતો. પરંતુ ગુજરાતના ખેડૂત આગેવાનોએ મળી કિસાન સંઘર્ષ સમિતિ બનાવી મોટાભાગના સંગઠનોને સાથે લઈ આ હિલચાલને ગતી આપવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ સમિતિ મોટાભાગે સફળ રહી તેમ કહી શકાય છે. કારણ કે 22 જાન્યુઆરીના રોજ ખેડૂત આગેવાનો દ્વારા રાજકોટની ભાગોળે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરી રહ્યાં છે. આ આયોજન પહેલા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત આગેવાનો દ્વારા ગુપ્ત બેઠકોનું પણ આયોજન કર્યું હતું.
છેલ્લા એક મહિનાથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન પાલ આંબલિયા, ડાયાભાઈ ગજેરા સહિતના સૌરાષ્ટ્ર પ્રાંતના આગેવાનો ગામડે ગામડે જઈ ખેડૂતો સાથે સંપર્ક કરી રહ્યાં હતા. તેમજ કેટલીક ખાનગી બેઠકો પણ યોજી આગામી સમયમાં ગુજરાતમાં આંદોલનને વેગ આપવાની ગતીવિધી કરી રહ્યાં હતા. 22 જાન્યુઆરીના દિવસે રાજકોટમાં આ સમિતિ દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વાત આયોજનની જાહેરાત બાદ જણાય છે કે તેઓ હવે બેઠકો અને મીટીંગો બાદ ક્યાંકને ક્યાંક તેઓ હવે જાહેર મેદાને આવી રહ્યાં છે.
અગાઉ પણ અમારા માધ્યમ પર અહેવાલ લખી આ સમિતિ ખેડૂત આંદોલનને વેગ આપવાની હિલચાલ કરી રહી છે તેવું જણાવાયું હતું. અને આ અહેવાલના થોડા દિવસો બાદ જ સમિતિ એ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે 22 જાન્યુઆરીના રોજ તેઓ દ્વારા વિશાળ ખેડૂત સભા રાજકોટમાં કરી રહ્યાં છે. આ સભામાં સૌરાષ્ટ્રના ગામડાંમાંથી ખેડૂતો જોડાશે અને આગળના આંદોલનને પણ વેગ આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. સાથે જ આજા આ સમિતિના આગેવાનો દ્વારા ખેડૂતોને ફેસબુકના માધ્યમથી સભામાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું હતું અને આ આહવાનને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દિવસોથી આ આયોજનને સફળ બનાવી ગુજરાતમાં મોટાપાયે લડત આપવા માટે મહેનત કરી રહી હતી અને ગામડે-ગામડે ફરી રહી હતી. આ વાત પણ અમારા માધ્યમે સૌથી પહેલા જ પ્રકાશિત કરી હતી. સાથે જ અહેવાલમાં જણાવ્યું હતું કે, ખાનગી બેઠકો કરી સૌરાષ્ટ્રના નાના-મોટા તમામ આગેવોને પણ સાથે લઈ લેવામાં આવશે અને તેમ જ થયું છે.
હાલતો સૌ કોઈની નજર આ ખેડૂત સભા પર છે કે તેનું પરિણામ શું આવશે. પરંતુ અમારા સુત્રો જણાવે છે કે આ સભા સમયે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ આગળના આયોજનની પણ જાહેરાત કરી શકે છે. ઉપરાંત આશ્ચર્ય જનક કાર્યક્રમો કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે.