મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કમોસમી વરસાદ બાદ અરવલ્લી જિલ્લામાં થયેલી મગફળીના પાકને નુકશાન બાદ બચેલો પાક ટેકાના ભાવે વેચવામાં મુશ્કેલી પડતા ખેડૂતો ઓછા ભાવે માર્કેટયાર્ડમાં વેપારીઓને મગફળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. એક બાજુ રવિ સીઝનની વાવણી માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા મજબુર બનતા માર્કેટયાર્ડના વેપારીઓ પણ ખેડૂતોની મજબુરીનો લાભ ઉઠાવી મણે ૨૫૦ થી ૩૦૦ રૂપિયા ઓછા આપી રહ્યા છે. ખેડૂતો પાસેથી ૭૫૦ થી ૮૫૦ સુધી મણે ખરીદી કરતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

ચાલુ વર્ષે જિલ્લા માં ખેડૂતો એ મગફળી નું મબલખ વાવેતર કર્યું હતું સારો વરસાદ થતાં સારી ઉપજ મળવા ની ખેડૂતો ને આશા હતી પરંતુ કમોસમી વરસાદ થતાં મહામુલો પાક પલડી ગયો જેના કારણે ખેડૂતો ને જે સારી ઉપજ મળવાની આશા હતી એ આશા પર પાણી ફરી વળ્યાં. જિલ્લામાં 14 હજારથી વધુ હેકટર જમીનમાં મગફળી સંપૂર્ણ નિષ્ફળ જવા પામી છે. માંડ 20 ટકા મગફળીનો પાક બચ્યો છે. સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે ત્યારે ખેડૂતો જ્યારે ટેકાના ભાવે વેચવા માટે ખરીદ કેન્દ્રમાં જાય છે ત્યારે મગફળીના છેડે ડાંડી છે, હવા વધુ છે કોઈને કોઈ બહાને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ટેકના ભાવે મગફળી વેચવા નડતી કનડગતને કારણે ખેડૂતો ઓછા ભાવે માર્કેટમાં વેપારીઓને મગફળી વેચવા મજબૂર બન્યા છે. આજે મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓને ટેકા વગર મગફળી વેચવા માટે લાંબી લાંબી લાઈનો લાગી છે. લગભગ વહેલી સવારથી 300 થી વધુ ટ્રેક્ટર મગફળી લઈને ખેડૂતો મોડાસા માર્કેટયાર્ડ પહોંચ્યા છે અને ટેકના ભાવે નડતી મુશ્કેલીઓ અને લગ્ન સિઝન, બાળકોના અભ્યાસ વગેરે બાબતે નાણાંની જરૂરિયાતને કારણે મણે 250 થી 300 રૂપિયા ખોટ વેઠીને પણ મગફળી વેપારીઓને વેચવા વહેલી સવારથી મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ખડકલો જોવા મળ્યો હતો.