મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્લીમાં ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી કહીને સંબોધિત કર્યા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મીનાક્ષી લેખીની નિંદા કરવામાં આવી હતી અને આ અંગે દરેક જિલ્લાના કલકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી જાહેરમાં ખેડૂતોની માફી માંગે નહીં તો સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે રહીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરશે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ગુરુવારે ત્રણ વિવાદાસ્પદ ખેત કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠોનોના પ્રતિનિધિઓ તેમના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી કથિત હિંસાની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યા બાદ "મવાલી" તરીકે વખોડી કાઢ્યા હતા. એક પત્રકારે જંતર મંતર પર પોતાનો વિરોધ પ્રદર્શન કવર કરતી વખતે કેમેરા પર હુમલો કરતા "ખેડૂતો" નો ઉલ્લેખ કર્યા પછી, તેણીએ કહ્યું, "તમારે તેમને ખેડૂતો કહેવાનું બંધ કરવું જોઈએ કારણ કે તેઓ ખેડૂતો નથી. તેઓ કેટલાક કાવતરાખોરોના હાથમાં રમી રહ્યા છે.

આ અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ બંને નેતાઓએ મીનાક્ષી લેખીના આ નિવેદનની નિંદા કરી છે અને મીનાક્ષી લેખી અને ગુજરાત ભાજપના સ્થાનિક નેતાઓ ખેડૂતોની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે.

સુરત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, " ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતના વિરૃદ્ધમાં જે નિવેદન આપ્યું છે અને તેમને મવાલી કહીને સંબોધ્યા છે તે અંગે તાત્કાલિક જગતના તાત એવા ખેડૂતોની માફી માંગે. આ અગાઉ પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વાર ખેડૂત વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. આ જે ત્રણ કૃષિ કાયદા માત્ર મુઠ્ઠીભર ઉધોગપતિના ફાયદા માટે જ ઘડવામાં આવ્યા છે. જેથી મીનાક્ષી લેખી જાહેરમાં દેશના ખેડુતોની માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામુ આપે નહીં તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે જેની જવાબદારી માત્ર ભારતીય જનતા પાર્ટીની રહેશે."