રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં સરકારી તંત્ર ભલે ગોકળગાયની ગતિએ ચાલતું હોય; આરોગ્યતંત્ર માંદલું હોય; શિક્ષણતંત્ર અંધશ્રદ્ધાળું હોય; સુરક્ષાતંત્ર રક્ષા કરતું ન હોય; પરંતુ ખેડૂતો એકદમ જાગૃત હોવા જોઈએ; એમ સૌ ઈચ્છે છે.  23 એપ્રિલ, 2020 ના રોજ ‘ગુજરાત સમાચાર’માં બોટાદ માર્કેટયાર્ડની જાહેરખબર છે. તેમાં કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે શરતો છે : [1] બોટાદ APMCની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરવી. પ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું. [2] મેસેજથી જાણ કરવામાં આવે તે ખેડૂતે જ કપાસ લઈને આવવું. સાથે આધારકાર્ડની બે નકલ; બેન્ક પાસબૂકની બે નકલ; અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવો.[3] ખેડૂતનો કપાસ વિઘા દીઠ 15 મણ જ લેવામાં આવશે. એક દિવસનો 200 મણથી વધુ કપાસ હશે તો બિલ નહીં બને. [4] કપાસની ગુણવત્તા લંબાઈ 28 +; માઈક -3.8 હોવી જોઈએ. ભેજનું પ્રમાણ 8 થી 12 ની વચ્ચે હોવું જોઈએ. [5] કપાસનું પેમેન્ટ લોકડાઉનના કારણે મોડું પણ આવે; જેથી કોઈ ખેડૂતે ઓફિસ પર આવવું નહી. પેમેન્ટની જાણ કરવામાં આવશે.

આવી નિયમાવલિ દરેક APMC-ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની હશે. આપણો ખેડૂત સ્માર્ટફોન જેવો સ્માર્ટ નથી. એપ્લીકેશન શેમાં ડાઉનલોડ કરે? સાદા ફોનમાં એ સુવિધા ન હોય; અને સુવિધાવાળા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સૂઝ ન હોય. કનેક્ટિવિટીના ઠેકાણા નથી; ત્યાં ખેડૂતોને સ્માર્ટ બનાવવાનો અર્થ ખરો? એ તો શ્રમજીવી છે. રજિસ્ટ્રેશન કરાવી લે પછી પણ વિધા દીઠ 15 મણ જ કપાસ લેવામાં આવે; તે કેવું ? કપાસની ગુણવત્તા ખેડૂતના હાથમાં નથી; કુદરતના હાથમાં હોય છે; આટલી સમજ પણ માર્કેટયાર્ડને નહીં હોય? કપાસનું પેમેન્ટ તરત જ કરી શકાય એટલી સુવિધા માર્કેટયાર્ડમાં ન હોય તો માર્કેટયાર્ડની રચના કરવાની જરુર શું હતી?

ગુજરાતના માર્કેટયાર્ડની સ્થિતિ જૂઓ. મોટાભાગે તેના કર્મચારીઓ ચોક્કસ જ્ઞાતિના જ હોય છે. દલિતોનો પ્રવેશ બિલકુલ ઓછો છે. વંચિતો/ગરીબો માટે માર્કેટયાર્ડ નથી. માર્કેટયાર્ડ તો જ્ઞાતિવાદી રાજકીય રોટલા શેકવાની ફળદ્રુપ જગ્યા છે. એને ગરીબ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા નથી. માર્કેટયાર્ડ હોય કે બીજું કોઈ તંત્ર; આખરે તેમાં સ્થાપિતહિતો બળૂકા બની શોષણ કરવા લાગે છે. પ્રત્યેક ઓક્ટ્રોયનાકા ગુંડાઉછેર કેન્દ્ર બની ગયા હતા; એટલે તેની નાબૂદી આવકારદાયક હતી. માર્કેટયાર્ડની યોજના પુન:વિચાર માંગે છે. એટલું ચોક્કસ કહી શકાય કે ખેડૂતની સ્થિતિ માર્કેટયાર્ડને સમજાતી નથી ! માર્કેટયાર્ડને ખેડૂતલક્ષી તો બનાવો !