મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જયંતિ કવાડિયા પર ખેડૂતોએ ભારે આક્ષેપો કર્યા છે. જયંતિ કવાડિયા દ્વારા હળવદ તાલુકાનાટ માનગઢ ગામની 375 વીઘા જમીન પચાવી પાડવામાં આવી હોવાના સણસણતા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. ખેડૂતોએ આ મામલે ઉપવાસ શરૂ કર્યા છે.

માનગઢના ખેડૂતોનું કહેવું છે કે, જમીનના ખોટા સોગંધનામા કરીને કવાડિયાના પુત્ર અમૃત કવાડિયા, હળવદ તાલુકા તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજની શંકર સંઘાણીના પત્ની હિના રામજી સંઘાણી,પુત્ર પ્રયાગ રજની સંઘાણી, અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ મોહનભાઈ ગોહિલના પુત્રવધુ અસ્મિતા યુવરાજ ગોહિલ, મજનુભાઈ ઉસ્માન ભાઈ ઘાંચીના નામે ખોટી રીતે વારસદારો ઉભા કરવામાં આવ્યા અને પછી જયંતિ કવાડિયાના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી દીધી છે.

ખેડૂતો વસ્તાર પુર્વક જણાવે છે કે, વર્ષ 1947માં દેશના ભાગલા બાદ માનગઢના ખાતેદાર આદમ કાળા ઘાંચી અને અન્ય મુસ્લિમ ખેડૂત ખાતેદાર માનગઢ છોડી પાકિસ્તાન સ્થાયી થયા હતા. ઘાંચી આદમ કાળા અને અન્ય મુસ્લિમોની આશરે 375 વીઘા જમીન માનગઢના રેવન્યૂ રેકર્ડમાં હતી. તેમના પાકિસ્તાન ગયા પછી આ જમીનના કોઈ વારસદાર ન્હોતા. આ જમીનને ગામના પટેલ, ક્ષત્રીય, બ્રાહ્મણ, વગેરે ખેડૂતો ખેડતા હતા અને વિઘોટી પણ ભરપાઈ કરતા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ અમુક કિસ્સામાં ઝાલાવાડના કલેક્ટર દ્વારા વર્ષ 1955માં જમીન સોંપણીના હુકમો પણ થયા હતા. ખેડૂતોના આક્ષેપ મુજબ તેમણે આ જમીન પોતાના નામે કરવા માટે વર્ષ 2012માં જયંતિ કવાડિયાને રજૂઆત કરી હતી. કવાડિયા ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન હતા. તે વખતે જયંતી કવાડિયાએ ફાઇલોનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે, જમીન ખેડી ખાવ. બાદમાં પોતાના પરિવાર અને મળતિયાઓના નામે સોગંધનામા કરી ખોટા વારસદારો ઊભા કરી જમીન પચાવી પાડી હતી.

જોકે આ સંદર્ભે જયંતી કવાડિયાનું કહેવું છે કે, હું માનગઢનો ભાણેજ છું. મેં કોઈ જમીન પચાવી પાડી નથી. આ જમીન કોની છે તેનો પણ મને ખ્યાન નથી. મારા દિકરાએ જમીન લીધી હશે તો તે અંગે હું જાણતો નથી. કલેક્ટરે એન્ટ્રી જ રદ્દ કરી દેવી જોઈએ. કલેક્ટર કાયદેસરની કાર્યવાહી કરે. જે ખેડૂતો આક્ષેપ કરે છે તેમની હું મદદ કરવા તૈયાર છું.