મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કૃષિ ખરડાઓના વિરોધમાં ૨૫મી સપ્ટેમ્બરે બે ડઝન કરતાં વધુ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં ઓલ ઇન્ડિયા ફાર્મર્સ યુનિયન, ભારતીય કિસાન યુનિયન, ઓલ ઇન્ડિયા કિસાન મહાસંઘ અને ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી દ્વારા શુક્રવારના રોજ દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે. તે ઉપરાંત ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, નેશનલ ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસ, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ, હિંદ મજદૂર સભા, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર સહિતના ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું. ત્યારે અરવલ્લી કિસાન સભાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૃષી ખરડાને પરત ખેંચવાની અને ત્રણ જેટલા વટહુકમ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા પહેલા પોલીસને વિરોધ પ્રદર્શનની ગંધ આવી જતા કિસનસભાના અગ્રણી ડાહ્યાભાઈ જાદવની અટકાયત કરી લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કિસાનસભા અરવલ્લી જીલ્લા સમિતિના ઉપપ્રમુખ ડી આર જાદવ અને તેમની ટીમ કૃષિ ખરડાનો વિરોધ કરે તે પહેલા જ  મોડાસા ટાઉન પોલીસે અટકયાત કરી લેતા ડાહ્યા ભાઈ જાદવે આક્રોશ સાથે મોદી સરકાર ધીરે ધીરે અઘોષિત ઇમર્જન્સી જાહેર કરી રહી હોવાનો અને લોકશાહીના અધિકારો પર તરાપ મારી રહી હોવાનું જણાવ્યું હતું.

કૃષિ ખરડાના વિરોધમાં ભારત બંધના સમર્થનમાં મોડાસા તાલુકાના અખિલ ભારતીય કિસાન સંઘના આગેવાનો કેન્દ્ર સરકારના ત્રણ વટહુકમો પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ કરવાના હતા જો કે વિરોધ પહેલા જ કિસાન સભાના આગેવાનોની અટક કરી લેવાઇ. અખિલ ભારતીય કિસાન સભા અરવલ્લી જિલ્લા સમિતિ કેન્દ્ર સરકારના ત્રણ વટહુકમ જેવા કે, આવશ્યક ચીજોનો કાયદા સંશોધન 2020, એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ 2020 અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની કરાર આધારિત ખેતી હુકમ 2020 નો વિરોધ કરવાના હતા. પણ કિસાન સભાના આગેવાનો વિરોધ કરે તે પહેલાં તેઓની અટક કરી લેવામાં આવતા વિરોધ પ્રદર્શન ભાંગી પડ્યું હતું.