મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધ સહિતના મુદ્દાઓ લઈને ખેડૂતો સરકાર સામે રજૂઆત કરવા બહુ લાંબા સમયથી પ્રયત્નોમાં હતા. જોકે આખરે ખેડૂતોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો અને તેઓ દિલ્હી જવા નિકળ્યા, પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી કૂચ કરી રહ્યા હતા તેમના રસ્તામાં શું શું થયું તે આપ જાણો છો. પરંતુ હવે ખેડૂતોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરવાનગી મળી ગઈ છે. દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલએ કહ્યું કે ખેડૂત નેતાઓ સાથે વાતચિત બાદ દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીનના નિરંકારી ગ્રાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની પરવાનગી આપી દીધી છે. સાથે જ તેમણે તમામ ખેડૂતોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પરવાનગી મળ્યા બાદ હવે ખેડૂતો બુરાડીમાં પોતાના ટ્રેક્ટર અને ગાડીઓ લઈને જઈ રહ્યા છે. ખેડૂતોને કહેવાયું છે કે દિલ્હી આવી શકે છે જે પછી પણ ખેડૂતો પર ટીયર ગેસ ચલાવાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

દિલ્હી પોલીસ દ્વારા દિલ્હી હરિદ્વાર હાઈવે ખોલી દેવાયો છે. ખેડૂતોના ચક્કાજામ ખત્મ થઈ ગયો છે, શનિવારે સવારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલના ખેડૂતો દિલ્હીના માટે રવાના થશે. આજ રાત્રે ખેડૂતો મેરઠમાં રોકાશે. અગાઉ દિલ્હી પોલીસે કહ્યું કે આંદોલનકારી ખેડૂત નેતાઓ સાથે પોલીસના અધિકારીઓની વાતચિત ચાલી રહી હોવાનું પોલીસે કહ્યું હતું જે વાતમાં બુરાડી વિસ્તારમાં ખાલી ગ્રાઉન્ડ પર આંદોલન કારી ખેડૂતોને શિફ્ટ કરવાને લઈને હતી. ખેડૂતો સાથે વાતચિત બાદ આગળની રણનીતિ નક્કી થશે. ખેડૂતો ટ્રેક્ટર વગેરે વાહનોમાં પોતાના ભોજન અને અન્ય જરૂરી સામાન લઈને ચાલી રહ્યા છે.