તુષાર બસિયા (મેરાન્યૂઝ.રાજકોટ): કોંગ્રેસના કિસાન મોર્ચાના ગુજરાત પ્રમુખ પાલ આંબલિયા દ્વારા રાજકોટમાં પી.એમ. કેર ફંડમાં ખેડૂતોનો પાક દાનમાં આપી ખેડૂતોના પાકના ભાવ પુરતા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ માટે પાલ આંબલિયા દ્વારા રાજકોટ કલેકટર પાસે જઈ પાક દાનમાં આપવા જવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન રાજકોટ કલેકટર કચેરી ખાતેથી તેમની પોલીસે અટક કરી લીધી હતી. અટક કરી તેમને રાજકોટના પ્રદ્યુમનનગર નગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને જામીન પર છોડી મુકી કથીત રીતે ફરી પ્રદ્યુમનનગર નગર ખાતેથી બોલાવ્યા અને તેમને રાજકોટ કમિશ્નર કચેરી ખાતે લઈ જવાયા અને પોલીસે માર મારવાની ઘટના બની હતી. જે મામલે હાઈકોર્ટે  ડી.સી.પી. કક્ષાના અધિકારીને તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

આ બાબતે પાલભાઈ આંબલિયા એ તે સમયે જ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે “પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પાલ આંબલીયા તેમના વકીલ તેમજ અન્યોની કલમ ૧૫૧ માં અટક થઇ ત્યારબાદ સાંજે સાડા છ ના સમય દરમ્યાન એસ.ઓ.જી. માંથી સાદા વેશમાં પ્રાઇવેટ કાર લઇ પોલીસ આવી અને પોલીસ સ્ટેશનમાંથી આંબલીયા એકલાને ઉપાડીને લઇ ગઇ. આને અપહરણ કહેવાય અને તે પોલીસે કર્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરીમાં મને લઇ જવામાં આવ્યા. કમિશનર કચેરીના આંગણામાં એક ઝાડ સાથે ઝાડની ઉપર બે હાથ રાખીન પાલાને ઉભો રાખવામાં આવ્યો. રાજકોટ શહેરના એ.સી.પી. જયદીપસિંહ સરવૈયા તેમજ પોલીસ ઇન્સપેકટર હિતેશભાઇ ગઢવીએ મને માં-બેન પર અનેક ગાળો આપી અને બે પોલીસ કોન્સ્ટબલને ઝાડ પર પાલાને બે હાથ જમાવી રાખવાના આદેશ સાથે મારા આંબલીયાને શરીરના પાછળના અને નીચેના ભાગે લાકડીઓ વતી આ બન્ને પોલીસ ઓફીસરીએ બેરહેમીથી માર્યો.”

આ મામલે ખેડૂત નેતા પાલ આંબલીયાએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા તા.૨૨/૯/ર૦૨૦ સુધીમાં ડી.સી.પી. કક્ષાના પોલીસ ઓફીસરને આ અંગે તપાસ કરી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પાલ આંબલિયાની ફરિયાદ અંગે અને સમગ્ર પ્રસંગ અને રિપોર્ટ સબમીટ કરવા આદેશ કરવામાં આવેલ છે. ડી.સી.પી.ને એ પણ આદેશ કરવામાં આવેલ છે કે, જરુરી માહીતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનરની કચેરીમાંથી મેળવી લેવી. નામદાર ગુજરાત હાઇકોર્ટ પોતાના આદેશમાં એવુ કહ્યું છે કે આ રિપોર્ટ આવ્યા બાદ કન્ટેમ્પટ પીટીશનમાં એ.સી.પી. સરવૈયા અને પી.આઇ. ગઢવી સામે શું પગલા લેવા તે નકકી કરવામાં આવશે. તેવું હાઈકોર્ટના ઘારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિકે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે.