બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): ક્રિકેટ મેચના રમત આયોજન માટે તેની ઓવરના પ્રમાણ સંદર્ભે ‘ટ્વેન્ટી ટ્વેન્ટી’ શબ્દ જાણીતો છે. આ શબ્દનો આ વર્ષે સમય-વર્ષના સંદર્ભમાં પણ મેં અને તમે એકાધિક વાર ઉપયોગ કર્યો. અંગ્રેજી કેલેન્ડર મુજબના વર્ષ 2020નો આજે છેલ્લો દિવસ છે. વિદાય લેતા આ વર્ષમાં ગુજરાતના રાજકીય ક્ષેત્રે એકથી વધુ વિક્રમોનું ખાતમુહૂર્ત થયું છે. આ વિક્રમો વ્યક્તિગત સ્તરે નોંધાયા છે. કોરોના વાઇરસે ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણનો નવો જમાનો આપણી વચ્ચે લાવી મુક્યો છે. તો પ્રસ્તુત છે ગુજરાતના ‘ટ્વેન્ટી ટ્વેન્ટી’ રાજકીય વિક્રમોનું ઇ-વાંચન લોકાર્પણ.
કક્કો – બારાખડીના ક્રમમાં નહીં પરંતુ એ સિવાયના ક્રમે રાજકીય વિક્રમો માટે સૌથી પહેલું નામ અહમદ મોહમ્મદ પટેલનું લખવું જોઇશે. 25મી નવેમ્બર 2020ની સવારે ગુરુગ્રામ-હરિયાણાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ તેઓ વિદાય પામ્યા. અહમદ પટેલ લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બન્ને ગૃહોમાં થઇને કુલ ચાલીસ વર્ષ સંસદસભ્ય પદે રહ્યા. 1977 થી 1989 સુધી તેર વર્ષ તેઓ ભરૂચ લોકસભા બેઠકના કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય હતા. એ પછી 1993 થી ગુજરાતના પ્રતિનિધિ લેખે કૉંગ્રેસ પક્ષમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવતા હતા. નવેમ્બર 2020માં અવસાન પામ્યા ત્યાં સુધી સત્તાવીસ વર્ષ રાજ્યસભામાં રહ્યા. આમ ચાલીસ વર્ષ જેવા લાંબા સમય માટે સંસદસભ્ય પદે રહેવાનો ગુજરાત ખાતેનો વિક્રમ જનાબ અહમદ પટેલના નામે લખવો જોઇશે. આ પ્રકારની આ પહેલી જમા એન્ટ્રી છે અને નજીકના ભવિષ્યમાં તેમાં ફેરફાર થાય એવી કોઈ શક્યતા હાલ જણાતી નથી.
 
 
 
 
 
એ રીતે વર્ષ 2020માં જ રાજ્યસભામાં ચૂંટાઈ આવેલા વ્યવસાયે એડવોકેટ એવા રાજકોટના અભય ભારદ્વાજે ચેન્નાઈની હોસ્પિટલમાં કોરોના સંક્રમણ પછીની વિપરીત થયેલી તબિયતની સારવાર લેતા પહેલી ડિસેમ્બર 2020ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓ ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રતિનિધિ લેખે જૂન 2020માં જ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જુલાઈ મહિનામાં તેઓએ સભ્યપદના શપથ લીધા હતા. કુદરતી ક્રમમાં અવસાનને પગલે તેઓ સૌથી ઓછી મુદતના રાજ્યસભાના સંસદસભ્ય બની રહેશે. તેઓ માત્ર પાંચ મહીના જેવા ટુંકા સમય માટે સંસદના ઉપલા ગૃહના સભ્ય રહ્યા. ગુજરાતના સાઇઠ વર્ષના રાજકીય ઇતિહાસનો આ સૌથી ઓછો સમયગાળો છે.
26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એ પછી 1952માં રચના પામેલ રાજ્યસભામાં સૌરાષ્ટ્ર-કચ્છ રાજ્યના પ્રતિનિધિ લેખે એપ્રિલ 1952માં ચૂંટાઈ આવેલા પ્રેમજી ભવાનજી ઠક્કરે માત્ર સાડા ત્રણ મહીનામાં સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાનું કારણ જાણવા મળ્યું નથી. એ સમયે અલગ ગુજરાત રાજ્યની રચના નહોતી થઈ એટલે અભય ભારદ્વાજના સમયગાળાની સરખામણીએ પ્રેમજી ઠક્કરનો ટુંકો સમયગાળો અપવાદરૂપે નોંધવો રહ્યો.
રાજકીય વિક્રમ સર્જનારા ત્રીજા વ્યક્તિનું નામ છે વજુ રૂડા વાળા – કર્ણાટકના રાજ્યપાલ. બંધારણીય પદ પર હોવાથી હાલ તેઓ રાજકીય પક્ષમાં સક્રિય નથી. પરંતુ ગુજરાતમાં ત્રીસ ઉપરાંત વર્ષ માટે સક્રિય રાજકારણમાં રહેતા તેમણે વિક્રમોની હારમાળા સર્જી છે. જેમ કે – બે વાર રાજકોટ શહેરના મેયર થવું, બે વાર ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ થવું, એકથી વધુ વખત નાણા મંત્રી થવું, નાણા મંત્રી લેખે સૌથી વધુ અઢાર વખત ગુજરાત રાજ્યનું અંદાજપત્ર – બજેટ વિધાનસભાના ફ્લોર પર રજૂ કરવું વિગેરે.
વજુ વાળાની યાદી હજી પુરી નથી થતી. લાંબા ગાળાના નાણા મંત્રી પદ પછી તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર થયા. જાન્યુઆરી 2013 થી ઑગસ્ટ 2014 સુધી સ્પીકર પદે રહેતા વીસ મહીનામાં તેમણે કુલ સત્તર ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા હતા. એ પણ એક વિક્રમ બની ગયો. અઢારમું રાજીનામું એમણે પોતે આપ્યું હતું. આ રાજીનામાઓમાં વડાપ્રધાન બનવા જઈ રહેલા અમદાવાદની મણિનગર બેઠકના ધારાસભ્ય – મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો. જો કે તેમનો આ વિક્રમ હાલના વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી જૂનો કરી ચુક્યા છે. ચૌદમી વિધાનસભાના સ્પીકર પદે રહેતા તેઓ ફેબ્રુઆરી 2018 થી 2020ના અંતે પાંત્રીસ મહીનામાં ઓગણીસ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી ચૂક્યા છે. એટલે મિત્રો – કાર્યકરો અને વકીલ આલમમાં રાજુ વકીલ તરીકે સંબોધાતા રાજેન્દ્ર ત્રિવેદી પણ વિક્રમોની હારમાળામાં સમાવેશ પામ્યા છે.
 
 
 
 
 
વજુ વાળાની વાત હજી પુરી નથી થઈ. ભારતીય જનતા પક્ષના પૂર્વ સભ્ય લેખે ગવર્નર પદ પામેલા તેઓ પક્ષના પહેલા એવા વ્યક્તિ છે જેઓ છ વર્ષ ઉપરાંતના સમયથી આ હોદ્દા પર છે અને કાર્યરત છે. તેઓ સપ્ટેમ્બર 2014થી કર્ણાટક રાજ્યના ગવર્નર છે. ભાજપના કેટલાક જૂના જોગીઓ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં રાજ્યપાલ પદ પામ્યા હતા પરંતુ તેમનો સમયગાળો જે તે સમયે પાંચ વર્ષની નિશ્ચિત મુદતથી આગળ વધી શક્યો નહોતો. ગુજરાતના ધારાસભ્ય, મંત્રી અને છેલ્લે મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબહેન પટેલ એકથી વધુ રાજ્યના ગવર્નર થવાનો વિક્રમ આ 2020માં જ બનાવી ચુક્યા છે – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ રાજ્યનો કાર્યકારી હવાલો, ઉત્તર પ્રદેશ રાજ્યના ગવર્નર અને એ પદ પર રહેતા પુનઃ મધ્ય પ્રદેશના ગવર્નર પદનો હંગામી હવાલો.
ગુજરાતના રાજકીય વિક્રમોના ક્રમમાં 2020માં રાજ્યસભા ચૂંટણીના કારણે જ જે નામ ઉમેરાયું છે તે વ્યક્તિ છે પરિમલ નથવાણી. પરિમલ ધીરજલાલ નથવાણી– રિલાયન્સ ઉદ્યોગ સમૂહના ગુજરાતની બાબતો સંભાળતા કોર્પોરેટ અફેર્સ પ્રેસિડેન્ટની જાહેર ઓળખ ધરાવતા તેઓ 2008 થી 2020 સુધી બાર વર્ષ રાજ્યસભામાં ઝારખંડ રાજ્યનું બે મુદતમાં અપક્ષ પ્રતિનિધિત્વ કરી ચુક્યા. એ પછી જૂન 2020માં તેઓ આંધ્ર પ્રદેશ રાજ્યમાંથી વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ લેખે ત્રીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. તેઓ બે અલગ અલગ રાજ્યોમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હોય એવા પહેલા પ્રતિનિધિ કે ગુજરાતી તો નથી. અગાઉ વીરેન શાહ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. રેલવે મંત્રી રહી ચૂકેલા દિનેશ ત્રિવેદી ગુજરાત અને પશ્ચિમ બંગાળ એમ બે રાજ્યોમાંથી રાજ્યસભાના સભ્ય હતા. વીરેન જીવણલાલ શાહ એક મુદત માટે જૂનાગઢ લોકસભા બેઠકના પ્રતિનિધિ રહ્યા હતા તેમજ સમય જતા અટલજીની સરકાર સમયે 1999 થી 2004ની મુદત – પાંચ વર્ષ માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહ્યા હતા.
પરિમલ નથવાણીના સભ્યપદની વિશેષતા એ છે કે ત્રણ મુદત માટે જ્યાંથી ચૂંટાઈ આવ્યા એ બન્ને રાજ્યો ઝારખંડ અને આંધ્ર પ્રદેશ રાજ્ય સાથે માત્ર વ્યવસાયિક નાતો ધરાવે છે અને એ કારણે જ ચૂંટાઈ આવ્યા. જ્યારે આગળ જેમનો ઉલ્લેખ કર્યો છે તે વીરેન શાહ મહારાષ્ટ્રથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા ત્યારે મુંબઈમાં રહેતા હતા અને વ્યવસાય રૂપે કંપનીનું ચેરમેન પદ ધરાવતા હતા. દિનેશ ત્રિવેદીના રાજકીય મૂળિયા પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા હતા. તેઓ રાજ્યસભાના પ્રતિનિધિત્વ ઉપરાંત રાજ્યની બરાકપોર લોકસભા બેઠક પરથી પંદરમી અને સોળમી લોકસભાના સભ્ય લેખે બે મુદત માટે ચૂંટાઈ આવ્યા હતા. નવા વર્ષે 2021માં જેઓરોજિંદા સમાચારનો હિસ્સો બનવાના છે એવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજકીય પક્ષ ઑલ ઇન્ડિયા ત્રિણમૂલ કૉંગ્રેસમાં તેઓ સક્રિય હતા.
ગુજરાતના ‘ટ્વેન્ટી ટ્વેન્ટી’ રાજકીય વિક્રમોમાં છેલ્લું નામ ઉમેરાય છે પ્રફુલ્લ ખોડા પટેલનું. તેઓ બારમી વિધાનસભામાં હિંમતનગર બેઠકના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રીના હોદ્દા પર હતા. માત્ર એક જ મુદત માટે ધારાસભ્ય પદે રહેલા પ્રફુલ્લ પટેલ ગૃહ રાજ્યમંત્રીના હોદ્દા પર 2010માં અમિત શાહના અનુગામી બન્યા હતા. અમિત શાહ કેન્દ્રિય ગૃહ મંત્રી થયા એ પછી પ્રફુલ્લ ખોડા પટેલ એક નવા જ પ્રકારના વિક્રમના નિમિત્ત બન્યા છે.
 
 
 
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ ઑગસ્ટ 2016માં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ – દમણના પ્રશાસક થયા હતા. ડિસેમ્બર 2016માં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના પ્રશાસક થયા. 26 જાન્યુઆરી 2020ના રોજ દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશોનું એકીકરણ થતા પ્રફુલ પટેલને આ નવી બનેલી યુનિયન ટેરીટરી નામે ‘યુ.ટી એડમિનિસ્ટ્રેશન ઑફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ’ના પ્રશાસક / Administrator બનાવવામાં આવ્યા હતા. તેઓ આ નવી યુનિયન ટેરીટરીના પ્રથમ પ્રશાસક બની રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકના હોદ્દા પર હંમેશા સનદી એટલે કે આઈ.એ.એસ અધિકારીઓની નિમણુક કરવાનો શિરસ્તો અગાઉ હતો. નરેન્દ્ર મોદીની સરકારે તેના પહેલા કાર્યકાળમાં જ એ શિરસ્તો બદલીને રાજકીય નિમણુકોને પ્રાધાન્ય આપ્યું. એ ક્રમમાં પ્રફુલ પટેલ પ્રશાસકનો ઉપરોક્ત હોદ્દો પામ્યા હતા. એ પછી કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપના પ્રશાસક દિનેશ્વર શર્માનું હોદ્દા પર રહેતા 4 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું. પ્રફુલ પટેલને 10 ડિસેમ્બર 2020ના રોજ લક્ષદ્વિપના પ્રશાસકનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આમ તેઓ પહેલા એવા ગુજરાતી વ્યક્તિ કે એડમિનિસ્ટ્રેટરના હોદ્દા પર રહેલા વ્યક્તિ બન્યા જેઓએ ચાર – ચાર યુનિયન ટેરીટરી માટે ઉપરોક્ત હોદ્દો સંભાળ્યો હોય. બે કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકના હોદ્દા પર હાલ તેઓ કાર્યરત છે.
માત્ર ગુજરાતના નહીં પણ દેશના રાજકીય વિક્રમોની રૂએ જેમનો ઉલ્લેખ કરવો જ પડે તેમનું નામ છે – નરેન્દ્ર દામોદરદાસ મોદી. વડાપ્રધાન. ભારતના બીનકૉંગ્રેસી વડાપ્રધાનોના ક્રમમાં 15મી ઑગસ્ટ 2020ના રોજ તેઓ બે વિક્રમોના હિસ્સો થયા. સૌથી વધુ સાત વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવાનો તેમજ સૌથી વધુ લાંબી મુદત માટે પદ પર રહેવાનો વિક્રમ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન થતા અગાઉ તેઓ સાડા બાર વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ચાર વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. લોકસભાના સભ્ય લેખે તેમજ વડાપ્રધાન પદે હાલ તેમની બીજી મુદત ચાલી રહી છે.
ગુડ બાય 2020. નવા વર્ષે નવા રાજકીય આયામો, ઘટનાક્રમોની પ્રતિક્ષામાં ફરી મળીશું.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. –બિનીત મોદી)