મેરાન્યૂઝ નેટવર્ક, શામળાજી: દેશની સૌપ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ પર વેણપુર નજીક ભોલેનાથ હોટલનો માલિક દિનેશ અને લકઝરી બસનો માલિક અન્ય કેટલાક મળતીયાઓ સાથે મળી સરકારી ટેક્ષની નકલી પાવતી બનાવી ચેકપોસ્ટ પરથી લકઝરી બસ પસાર કરવાના કૌભાંડનો આરટીઓ ચેકપોસ્ટના અધિકારી દેવશીભાઇ આંબલીયાની સતર્કતાથી પર્દાફાશ થતા સમગ્ર મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ૪ શખ્શો સામે ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે નકલી પાવતી કૌભાંડ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

 શામળાજી ચેકપોસ્ટ પર સરકારી ટેક્ષની નકલી પાવતી બનાવી સરકારી તિજોરીને અત્યાર સુધી કેટલા રૂપિયાનું નુકશાન પહોચાડ્યું હશે અને આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું...? આ નકલી પાવતી કૌભાંડમાં શામળાજી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગતથી તો નહિ ચલાવાતું હોય ને...? જેવી અનેક શંકા-કુશંકાઓના ઘેરામાં આવી ગયું છે. આ કૌભાંડમાં મોટા માથાઓની પણ સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દરરોજની હજારો લકઝરી શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થતી હોવાથી આ કૌભાંડનો આંકડો કરોડો રૂપિયાને આંબે તો નવાઈ નહિ. સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તે ખુબ જરૂરી બન્યું છે.

શામળાજી ચેકપોસ્ટ પર આરટીઓ ઇન્સ્પેક્ટર દેવસી ભાઈ આંબલીયા ફરજ પર હતા ત્યારે લકઝરી બસ (ગાડી.નં.RJ 30  PB  0711 ) “ઈશ્વર ટ્રાવેલ્સ”ની બસ પસાર થતા તેની પાસે રાજ્યના સરકારી ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ રજુ કરતા અધિકારીને શંકા જતા પાવતી નકલી હોવાનું માલુમ પડતા તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા લકઝરી બસનો ડ્રાઈવર સુખદેવ સીંગ મદનસિંહ રાવત ફરાર થઈ ગયો હતો. રાજેન્દ્રસિંગ મોતિસિંગ રાવત (ક્લીનર) પકડાઈ જતા નકલી પાવતી કૌભાંડ બહાર આવતા આ કૌભાંડમાં લકઝરી બસનો માલિક મીઠુંસિંહ રાજુસિંહ ચૌહાણ અને વેણપુર નજીક આવેલી ભોલેનાથ હોટલનો માલિક દિનેશની સંડોવણી બહાર આવતા ભારે ચકચાર મચી હતી. સમગ્ર કૌભાંડ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે ૪ શખ્શો સામે પોતાના આર્થિક લાભ મેળવવા હેતુસર તેમજ સરકાર સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવાના ઈરાદાની ફરિયાદ ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ અને ૧૨૦ બી મુજબ ફરિયાદ નોંધી ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.          

શામળાજી આરટીઓ ચેકપોસ્ટ નજીક આવેલા વેણપુર નજીક ભોલેનાથ નામની હોટલ ધરાવતો દિનેશ નામનો શખ્શ અન્ય મળતીયાઓ સાથે સરકારી ટેક્ષની ઓરિજીનલ જેવી પાવતીઓ બનાવી સરકારી તિજોરીને ચૂનો લગાડવાનું કૌભાંડ ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું આરટીઓ કચેરીના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.