મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ :અમદાવાદમાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ પંદર દિવસ સુધી એક ડોક્ટર પાસેથી ઘરે જ સારવાર લીધા બાદ પણ સાજા ન થતાં તપાસ કરતાં ખબર પડી કે તેની સારવાર કરનાર ડોક્ટર બોગસ છે અને તે ડોક્ટર નહીં પણ એક ખાનગી હોસ્પિટલનો કંમ્પાઉન્ડર છે. જ્યારે તેની સાથે આવતી એક યુવતી પણ નર્સ હતી અને અન્ય એક વ્યક્તિ આવતો તેની પાસે પણ ડોક્ટરની ડિગ્રી નથી. 

શહેરના અમરાઇવાડના ખોખરા વિસ્તારમાં રહેતા વિશાલભાઇનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમણે ઘરે જ સારવાર કરવાનો નિર્ણય લીધો હતો. જેથી તેમણે પડોશી મારફતે ડોક્ટર નરેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો હતો. જો કે પંદર દિવસની સારવાર દરમિયાન પણ તબિયતમાં ફેર ન પડતા તેમણે ડોક્ટર અંગે તપાસ કરી હતી. તો જાણાવ મળ્યું કે નરેન્દ્ર પંડ્યા ડોક્ટર નથી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં કંમ્પાઉન્ડર છે. ડોક્ટરની સાથે આવતી રિના નામની યુવતી નર્સ છે. જ્યારે તેમની સાથે સોહિલ શેખ નામનો ડોક્ટર આવતો હતો તેની પાસે પણ તબીબી હોવાની ડિગ્રી ન હતી. જેથી વિશાલભાઇના પત્ની મેઘા બહેને અમરાઇવાડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ત્રણેયની ધરપકડ કરી અન્ય કેટલા લોકોની આ બોગસ તબીબ ટોળકી આવી આવી રીતે સારવાર કરતી હતી તેની તપાસ હાથ ધરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ ડોક્ટર નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે વિઝિટમાં આવતો અને તેની સાથે સોહિલ પર રહેતો. જ્યારે નર્સ રિના કોરોના પોઝિટિવ વિશાલભાઇને રોજ આવીને બાટલા ચડાવતી હતી અને દવાઓ આપતી હતી. તેમણે રોજની વિઝિટિના દસ હજાર રૂપિયા ચાર્જ લેવાનું નક્કી કર્યું હતું. આમ કોરોના પોઝિટિવે દોઢ લાખ રૂપિયા એક બોગસ તબીબ પાછળ ગુમાવ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યુ હતું.