મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ‘રેપિસ્તાન’ લખી ટ્વિટ કરનાર આઇએએસ અધિકારી શાહ ફૈસલ પર જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી નોટિસ આપવામાં આવતા તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર સરકારની આ નોટિસ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરૂદ્ધ ભરવામાં આવેલુ એક પગલુ છે. તેમણે કહ્યું કે અમે અહીં માત્ર લખીને હવામાં ઉડાવી દેનારા લોકો નથી, જેમની પાસે સામાજીક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અધિકાર જ ન હોય. અને તે પણ એટલા માટે કે અમારા વિચારોનો ખોટો અર્થ કાઢી તેને સરકારની ટીકાના રૂપમાં લેવામાં આવે. મને લાગે છે કે સરકારી કર્મચારીઓના ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એક ચર્ચાનો મુદ્દો બની ગયો છે. નવી પેઢીની વિચાસરણીને ધ્યાનમાં રાખીને નિયમોમા ફેરફાર કરવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએએસ અધિકારી શાહ ફૈસલે ગત એપ્રિલ મહિનામાં ટ્વિટ કર્યું હતું કે, Patriarchy+Population+Illiteracy+Alcohol+Porn+Technology+Anarchy = Rapistan!

વર્ષ 2010માં ઇતિહાસ રચનારા શાહ ફૈસલ જમ્મુ કાશ્મીરથી એકમાત્ર એવા અધિકારી હતા જેમણે જમ્મુ-કાશ્મીરની સિવિલ સર્વિસ પરીક્ષામાં ટૉપ કર્યું હતુ. ફૈસલ હાલ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડવર્ડ એસ મેસન મિડ કેરિયર માસ્ટર્સ પ્રોગ્રામનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ તેઓ જમ્મુ-કાશ્મીર પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. તેઓ આ પહેલા પણ વિવાદમાં રહી ચુક્યા છે.

રેપ કલ્ચરને લઇને ટ્વિટ કરનાર જમ્મુ કાશ્મીરના પ્રથમ આઇએએસ ટૉપર શાહ ફૈસલ વિરૂદ્ધ જમ્મુ કાશ્મીર સરકારે નોટિસ જારી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યપાલ એન એન વોહરાના નેતૃત્વવાળી જમ્મુ કાશ્મીર સરકારને ફૈસલ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. જ્યાર બાદ રાજ્ય સરકારે નોટિસ જારી કરી છે. નોટિસ જારી થયા બાદ ફૈસલે ટ્વિટ કરી કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં બળાત્કારની ઘટનાઓ વિરૂદ્ધ મારા વ્યંગાત્મક ટ્વિટની અવેજમાં મને મારા બોસે પ્રેમ પત્ર (નોટિસ) મોકલ્યો છે.

ફૈસલે જણાવ્યું હતું કે અધિકારી હોવાની સાથે હું કાશ્મીરમાં નાગરીક પણ છું. ત્યાની પરિસ્થિઓની અસરથી હું મારી જાતને બાકાત ન રાખી શકુ. મારો મત હું વ્યક્ત કરી શકુ છું. નોકરીમાં પગાર મળે છે તેનો અર્થ એ નથી કે મારી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અંતરાત્માના અવાજને પણ ગીરવે મુકી દીધો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ ઓમર અબ્દુલ્લા સહિતના નેતાઓ શાહ ફૈસલના સમર્થનમાં આવ્યા છે.