પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં પોલીસના શરણે આવેલા છબીલ પટેલની પોલીસ સત્તાવાર રીતે ધરપકડ કરી હવે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પ્રાથિમક પુછપરછમાં કેટલીક મહત્વની જાણકારી હાથ લાગી છે, જેમાં જયંતિની હત્યા પાછળ છબીલ પટેલના જ કેટલાંક નજીકના હતા જેમનો જયંતિની હત્યા થાય અને છબીલ પટેલ જેલમાં જાય તો ફાયદો થવાનો હતો. આ વ્યકિતઓ જયંતિની હત્યા માટે છબીલને ઉશ્કેરવાનું કામ કરવા સહિત જયંતિની હત્યા માટે ભાડૂતી મારાઓને ચુકવવાની રકમમાં પોતાનો હિસ્સો પણ આપ્યો હતો.

જયંતિ ભાનુશાળી દ્વારા છબીલ પટેલ સામે કહેવાતા  દુષ્કર્મની ફરિયાદ બાદ 60 લાખનો ખર્ચ કરી આગોતરા જામીન મેળવી છબીલ પટેલ બહાર આવ્યા બાદ છબીલ પટેલને જાણકારી મળી હતી કે જયંતિ હવે તેની સામે વધુ દુષ્કર્મની ફરિયાદ કરાવી રહ્યો છે. તે માટે તેણે ફરીદાબાદ, મુંબઈ અને કચ્છની છોકરીઓને પૈસા આપી તૈયાર કરી છે. આમ દુષ્કર્મની ફરિયાદને કારણે પોતે અને પોતાના પરિવારજનો અપમાનીત સ્થિતિમાં આવી રહ્યા છે તેનો છબીલ પટેલનો ગુસ્સો આવી રહ્યો હતો. આ વખતે છબીલ પટેલે પોતાની કેટલીક નજીકની વ્યકિતઓ સામે ઉશ્કેરાટમાં કહ્યું કે જયંતિને પતાવી દેવો પડશે... આ નાજુક સમયમાં છબીલ પટેલ દ્વારા બોલવામાં આવેલા નિવેદન ઉપર છબીલના નજીકના લોકોએ પેટ્રોલ છાંટવાનું કામ કર્યું હતું.

જયંતિની હત્યા થાય અને છબીલ પટેલ જેલમાં જાય તો છબીલની નજીકને વ્યકિતઓને ધંધામાં અને રાજકારણમાં ફાયદો થાય તેમ હતો. જેના કારણે તેમણે છબીલને હત્યા કરતા રોકવાને બદલે જયંતિને પતાવી જ દેવો પડે તેમ સમજાવ્યા હતા. એટલુ જ નહીં જયંતિની હત્યા કરવા માટે ભાડૂતી મારાઓને ચુકવવાની રકમમાં પણ તે વ્યકિતએ કેટલો હિસ્સો આપ્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા છબીલ પટેલ અને સિધ્ધાર્થ પોલીસ સામે હાજર થાય નહીં તેવા પ્રયત્ન પણ આ વ્યકિત દ્વારા કરવામાં આવ્યા હતા. છબીલ અને સિધ્ધાર્થ સતત ભાગતા રહે તેમાં જ તે વ્યકિતને ફાયદો થતો હતો, જેના કારણે આટલા દિવસ સુધી છબીલે પોલીસ સામે હાજર થવા વિલંબ કર્યો હતો. હવે પોલીસને છબીલની આ વ્યકિતની ભૂમિકા મળી ગઈ છે, પણ તે સંબંધમાં તેઓ પુરાવા એકત્રીત કરી ગમે ત્યારે આ વ્યકિતને પણ આરોપી બનાવે તેવી સંભાવના હોવાનું સુત્રોએ જણાવ્યું છે.