જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): હાઈ પ્રોફાઇલ જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં એક જ નામધારી એવા જયંતિ ઠક્કર ડુમરાવાળાની ધરપકડ થયા પછી હત્યાકાંડ સાથે નલિયા કાંડનાં છેડા ક્યાંક ને કયાંક જોડાયા હોવાની ચર્ચા ફરી એક વાર શરૂ થયી છે. કારણ કે નલિયા કાંડનાં મુખ્ય આરોપી વિનોદ ઠક્કર ઉર્ફે બબા શેઠ જયંતિ ઠક્કરના અરસ-પરસ વેવાઈ થાય છે. માત્ર એટલું જ નહીં પરંતું નલિયા કાંડના સીડી પ્રકરણ વખતે પણ જયંતિ ભાનુશાલીનું નામ સીધી કે આડકતરી રીતે સાંભળવા મળતું હતું.

જયંતિ ડુમરાને નામે ઓળખાતા કચ્છ જીલ્લાનાં અબડાસા તાલુકાનાં રાજકારણમાં હંમેશા કેન્દ્ર બિંદુમાં રહીને કિંગ મેકર જેવી ભૂમિકા ભજવા માટે જાણીતા  ઠક્કરનું નામ ત્યારે વધુ ચર્ચામાં આવ્યું હતું જ્યારે નલિયા કાંડમાં નવ આરોપીઓમાં ડુમરાના વેવાઈ વિનોદ ઠક્કર ઉર્ફે બબા શેઠ તથા તેના દિકરાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત જયંતિ ભાનુશાલી સહિતના જે નેતા, અધિકારીઓની સીડી બનાવવામાં આવી છે તેમાં જયંતિ ડુમરાનાં ભુજ પાસે આવેલા રેલડીનાં ફાર્મ હાઉસનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ છબિલ પટેલનું ફાર્મ હાઉસ પણ રેલડીમાં જ આવેલું છે જ્યાં જયંતિ ભાનુશાલીના હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

ભાનુશાલી હત્યાકાંડમાં જયંતિ ડુમરાની સંડોવણી આમ તો મર્ડરના થોડા સમયમાં જ બહાર આવી ગઈ હતી. કારણ કે, મુંબઇથી ભુજની જે ફ્લાઇટમાં મનીષા સહિતના આરોપીઓ આવ્યા હતા તેમાં જયંતિ ડુમરા પણ હતો. સીઆઇડી ક્રાઇમની એસઆઈટીને આ વાતની ખબર પડી ગઇ હતી પરંતું તે વખતે જયંતિ ડુમરાનું માત્ર નિવેદન લઇને જવા દેવાનો પોલીસે ડોળ કર્યો હતો. હકીકતમાં પોલીસ સમગ્ર હત્યાકાંડમાં ડુમરાની ભૂમિકા તથા ઠોસ પુરાવા એકત્રિત કરવામાં માંગતી હતી. કારણ કે જયંતિ ડુમરાનું રાજકીય કનેશન પણ નજર અંદાજ કરવા જેવું ના હતું. 

ભાજપનાં જીલ્લા તથા રાજ્ય કક્ષાનાં નેતાઓથી માંડીને સરકારી અધિકારીઓને શરાબ અને શબાબની પાર્ટી આપીને અબડાસામાં આવેલી વાડીઓ તથા રેલડીના ફાર્મ હાઉસમાં તેમની અંગત પળોની સીડી તૈયાર કરવામાં આવતી હતી. નલિયા કાંડ વખતે પીડિત દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં પણ આ પ્રકારે જ કામલીલાની સીડીઓ તૈયાર કરવામાં આવી હતી. જયંતિ ડુમરાની બહેનનાં લગ્ન નલિયા કાંડના આરોપી એવા બબા શેઠના દિકરા પરેશ ઠક્કર સાથે તથા બબા શેઠની દીકરીના લગ્ન ડુમરાના ભાઈ ભાવેશ સાથે થયેલા હોવાને કારણે પોતાના વેવાઈ તેમજ તેના દિકરાને બચાવવા માટે ડુમરાએ જયંતિ ભાનુશાલી ઉપરાંત છબિલ પટેલની રાજકીય વગનો પણ ઉપયોગ કર્યો હતો.

દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજીવાર જયંતિ ભાનુશાલીની ટિકિટ કપાઈને છબિલને ભાજપે તેના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરતા હંમેશા સત્તાની નજીક રહેવામાં માનતા ડુમરાએ ભાનુશાલીને બદલે છબિલનો છેડો પકડી લીધો હતો. વિધાનસભાની અબડાસાની બેઠક ઉપર છબિલની હાર થઈ, તેમાં જયંતિ ભાનુશાલીની ભૂમિકા હોવાની વાત પણ છબિલના કાનમાં સતત નાખવામાં ડુમરાની ભૂમિકા હતી. છેવટે પોતાની ઉપર કરવામાં આવતા સતત કેસ તથા ચૂંટણીમા હારથી ખિન્ન થયેલા છબિલને જ્યારે ડુમરા તરફથી મોરલ સપોર્ટ ઉપરાંત આર્થિક સહાય મળી ત્યારે છબિલે ભાનુશાલીનો કાંટો કાઢી નાખવાનું નક્કી કરીને મનીષા તથા અન્ય કોન્ટ્રાક્ટ કીલર સાથે મળી ભાનુશાલીને ચાલુ ટ્રેનમાં મારી નાખવાના કાવતરાને અંજામ આપ્યો હતો.

છબિલે ધરપકડ પછી સીઆઇડી સમક્ષ ડુમરા દ્વારા કરાવામાં આવેલી મદદ અંગે વટાણા વેરી દીધા હતા અને જ્યારે પોલીસ પાસે ભાનુશાલીની હત્યા કરવા માટેનાં આર્થિક મદદના પુરાવા મળી   આવતા જ જયંતિ ડુમરાને પકડી લેવામાં આવ્યો હતો. આમ હવે જ્યારે જયંતિ ડુમરા પોલીસની પકડમાં આવી ગયો છે ત્યારે ન માત્ર ભાનુશાલી મર્ડર કેસમાં, પરંતું સાથે સાથે નલિયા કાંડમાં પણ કોઈ સ્ફોટક ખુલાસા થાય તેવું અબડાસાનાં રાજકારણને નજીકથી જોનારા માની રહ્યા છે.