જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): ગુજરાત ભાજપમાં નેતૃત્વ પરિવર્તનની અસર ધીમે ધીમે જોવા મળી રહી છે. અત્યાર સુધી જેમની સામે પોલીસ કે તંત્ર જોવાની પણ હિંમત કરતું ન હતું તેમની સામે પોલીસ  ફરિયાદ નોંધાવા લાગી છે. જેની પાછળ પાટીલ પાવર હોવાનું ઠેર ઠેર માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જેમના ઉપર ચાર હાથ છે તેવા કચ્છમાં આવેલા માંડવી વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં સૌથી નાના ત્રીજા નંબરનાં પુત્ર સામે નામ જોગ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં તેની સામે પવનચક્કી (વીંડફાર્મ)ની ડેવલોપર્સ કંપની સિમેન્સ ગામેશા રીન્યુએબલ એનર્જીન પ્રાઇવેટ લિમિટેડે ભુજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

છેલ્લા ઘણા સમયથી કચ્છમાં કામ કરતી વિવિધ પવનચક્કીની કંપનીમાં માંડવીના ધારાસભ્ય પોતે અથવા તો તેમના માણસો દ્વારા સીધી કે આડકતરી રીતે દબાણ લાવીને કામ કરાવતા હોવાની વાતો બહાર આવતી હતી. પરંતુ સત્તાપક્ષના એમએલએ હોવા ઉપરાંત સીધા સીએમ રૂપાણી સાથે સંબંધ હોવાને કારણે કચ્છનું વહીવટી તંત્ર હોય કે પોલીસ, તેમની સામે કાર્યવાહી કરતા ખચકાતું હતું, તે સાથે એવી પણ ચર્ચા છે કે, ગુજરાત ભાજપનાં અધ્યક્ષ તરીકે ચંદ્રકાન્ત પાટીલ ઉર્ફે સી.આર.પાટીલ ભાઉની વરણી થતા જ રૂપાણી સમર્થકો માટે જાણે કે ખરાબ સમય શરૂ થયો હોય તેમ એક પછી એક બધા ખોટા કામો કરતા વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જેમાં કચ્છની વાત કરીએ તો તેમાં સૌથી પહેલો નંબર માંડવીના ધારાસભ્યનો લાગ્યો છે. જે કંપની સાથે તેમનો ઘરોબો હતો અને જયાં તેમનું કામ ચાલતું હતું તેવી કંપની સાથે પેમેન્ટ મામલે વાંધો પડતા પવનચક્કી સાથે સંકળાયેલી કંપની સીમકૉર્પ તેની ડેવલોપર્સ કંપની ગામેશાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. જેમાં ભુજ અને નખત્રાણા એમ બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. 

સૌથી પહેલા સિમેન્સ ગામેશા રીન્યુએબલ એનર્જીન પ્રાઇવેટ લિમિટેડની ભુજમાં ભાનુશાળી નગરમાં આવેલી ઓફિસમાં તાળા મારી દીધા હતા. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલી નોંધ પ્રમાણે આ કૃત્ય પ્રહલાદ નામના માણસે આશાપુરા ગ્રીન પાવર નામની કંપનીનાં હરદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાનાં કહેવા પ્રમાણે કર્યું હતું. જેને પગલે હરદીપસિંહ જાડેજા પાસે ચાવી માંગતા તેણે ચાવી આપી ન હતી. આ હરદીપસિંહ એટલે બીજું કોઈ નહીં પરંતુ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું ત્રીજું સૌથી નાનું સંતાન છે. જે પવનચક્કી કંપનીઓને લગતો કારભાર સંભાળે છે. 

વાત આટલેથી અટકી ન હતી. ભુજમાં પવનચક્કીની ઓફિસનું તાળું માર્યા બાદ મામલો જયાં પવનચક્કી થકી ઉર્જા ઉત્પન્ન થાય છે તેવા નખત્રાણા તાલુકામાં આવેલા પાવર સ્ટેશન સુધી પહોંચ્યો હતો. નખત્રાણા તાલુકાનાં ગંગોણ ગામ ખાતે આવેલા સેમ્બકૉર્પ ગ્રીન ઇન્ફ્રા લિમિટેડના વીજ સબ સ્ટેશનને બંધ કરાવી દીધું હતું. આ અંગે નખત્રાણા પોલીસ મથકમાં ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ પણ કરવામાં આવી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ થતા જ ભુજની ઘટના અંગે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલામાં જોઈએ એટલી સરળતા ન હતી. કારણ આ મામલો ધારાસભ્ય અને તેના પુત્ર સાથે સંકળાયેલો હતો. જેમાં પવનચક્કીની જનરેશનવાળી કંપની તથા તેની ડેવલોપર્સ કંપનીએ ભાજપનાં શીર્ષ નેતૃત્વ એવા ભાઉ પાટીલનું ધ્યાન દોરતા તેમણે આ મામલે રાજ્યકક્ષાનાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને ફરિયાદ કરવા સૂચના આપી હોવાનો દાવો ખુદ ભાજપનાં સૂત્રોએ કર્યો હતો. જેને તેથી જ કચ્છ પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે ધારાસભ્ય પુત્ર સામે નામજોગ ફરિયાદ પણ કરી હતી.