જય અમિન (મેરાન્યૂઝ.અરવલ્લી): લોકસભા-૨૦૧૯ માં સાબરકાંઠા લોકસભા બેઠક પર ૨૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૧૦ રાજકીય પાર્ટીના ચિન્હ નીચે અને ૧૦ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે  ૧૦ અપક્ષ ઉમેદવાર ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે જંગમાં ઝંપલાવનાર નિવૃત્ત નાયબ સુબેદાર મગનભાઈ લાખાભાઇ સોલંકીની ૨.૫ ફૂટ લાંબી મૂછો મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મતદારો તેમને જોઈને “મૂછે હોતો મગનલાલ કે જૈસી વરના ના હો” ની બૂમો પાડી ઉઠે છે. 

સાબરકાંઠા લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મગનભાઈ લાખાભાઇ સોલંકી કારગીલ યુદ્ધ લડી ચુક્યા છે. શ્રીલંકામાં પણ ફરજ બજાવવાની સાથે તેમને ફરજ દરમિયાન ૬ મેડલ મળી ચુક્યા છે ખેડૂતોને દેવા માફી, બેરોજગારીમાં વધારો અને ખેડૂતોને પાક નિષ્ફળના વીમા મળતા ન હોવાથી અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની હાલત કફોડી બનતા પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા અપક્ષ તરીકે ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું. નિવૃત ફોજીના પ્રચાર માટે તેમની ૨.૫ ફૂટની મૂછો જ સ્ટાર પ્રચારક બની રહે છે, જીલ્લાના શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર માટે જાય છે ત્યારે મતદારો મોટી સંખ્યામાં તેમની મૂછ જોવા ઉમટી પડે છે. તેમની ૨.૫ ફૂટ લાંબી મૂછ મત મેળવવા માટે અસરકારક રહે છે કે નહીં એ તો પરિણામના દિવસે જ ખબર પડશે પરંતુ હાલ તો તેમની મૂછોના લીધે ભારે લોકપ્રિય બન્યા છે. ખાસ કરીને યુવાનો તેમના ચૂંટણી મુદ્દા કરતા મૂછો વિષે જાણવામાં વધુ રસ દાખવે છે.

લોકસભા ઉમેદવાર મગનભાઈ લાખાભાઇ હિંમતનગરના હાજીપુર ગામના છે. મોડાસામાં પ્રચાર માટે આવ્યા ત્યારે તેમની ૨.૫ ફૂટ લાંબી મૂછના રાજ અંગે પુછાતા તેમને જણાવ્યું હતું કે, મૂછ લશ્કરના જવાનની શાન છે. આર્મીમાં ભરતી થયો તે દિવસથી મૂછ રાખવાનું શરુ કર્યું હતું અને અનોખો શોખ હોવાના પગલે આજે ૩૩ વર્ષે ૨.૫ ફૂટ લંબાઈ પ્રાપ્ત કરી છે. મૂછની વિશેષ માવજત કરાવી પડતી હોય છે. દરરોજ એક કલાક મૂછની માવજત કરવામાં જતો હોવાનું જણાવ્યું હતું.