મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: માં ભોમની રક્ષા કરતા દેશના વીર જવાનો નિવૃત્તિ પછી લાભ મેળવવા સરકાર સામે ઝઝૂમી રહ્યા છે જીવનનો અમૂલ્ય સમય દેશ સેવા માટે સમર્પિત કરનારા માજી સૈનિકોને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે ખેતી માટેની જમીન આપવા સહિત વિવિધ પ્રશ્નોને લઈને અરવલ્લી જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અરવલ્લી જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રાજ્યના માજી સૈનિકો અને વીર નારીઓને લગતા ૧૪ મુદ્દાઓના નિરાકરણ કરવા ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા વારંવાર પત્રો તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે ગત ૨૬ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ ત્યારે ગુજરાત સરકાર દ્વારા મૌખિક આશ્વાસન મળ્યું હતું કે માજી સૈનિકોના તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવીશું સરકાર તરફથી મળેલ આશ્વાસનને એક વર્ષ નો સમય વીતી ગયો હોવા છતાં પણ સરકાર દ્વારા નિરાકરણ આવેલ નથી જેથી ન છૂટકે વધુ એકવાર આવેદનપત્રનો માર્ગ અપનાવવો પડ્યો છે.

આવેદપત્રમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ૧૪ મુદ્દાઓમાં શહીદ સૈનિકોના પરિવારને આર્થિક સહાય તેમજ પેન્શન આપવામાં આવે, માજી સૈનિકો માટે આરામગૃહની વ્યવસ્થા, ગુજરાત રાજ્ય સરકારમાં વર્ગ ૧ થી ૪ ની નિમણૂક વખતે અનામતનો ચૂસ્તપણે અમલ થાય માજી સૈનિકોને જમીન અને પ્લોટ આપવામાં આવે ,ગુજરાત માં દારૂની પરમીટ નશાબંધી કચેરી થી લેવી પડે છે તે રદ થાય, માજી સૈનિકોને મીલીટરી સેવા દરમિયાન લીધેલ હથિયાર લાયસન્સ રીન્યુ કરવા અને નવા હથિયાર ના લાયસન્સની પરવાનગી આપવામાં આવે,માજી સૈનિકોને  ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે, વગેરે જેવા 14 મુદ્દાઓના  નિરાકરણ લાવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.