મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 1984ના સિખ રમખાણોને લઈને મોટું નિવેદન આપ્યું છ. તેમણે કહ્યું કે જો તત્કાલીન ગૃહમંત્રી પીવી નરસિમ્હા રાવએ ઈંદ્ર કુમાર ગુજરાલની સલાહ માની લીધી હોત તો દિલ્હમાં સિખ રમખાણોથી નરસંહાર ન થતો. બુધવારે દિલ્હીમાં પૂર્વ પ્રધાનમંત્રી ગુજરાલની 100મી જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં મનમોહન સિંહે આ વાત કહી હતી.

તેમણે કહ્યું કે, દિલ્હીમાં જ્યારે 84ના સિખ રમખાણો થઈ રહ્યા હતા ત્યારે ગુજરાલ તે સમયે ગૃહમંત્રી નરસિમ્હા રાવ પાસે ગયા હતા. તેમણે રાવને કહ્યું કે સ્થિતિ ગંભીર છે, સરકાર માટે જલ્દી સેના બોલાવવી જરૂરી છે. જો રાવ ગુજરાલની વાત માનીને તુરંત જરૂરી કાર્યવાહી કરતાં તો કદાચ 1984ના નરસંહારથી બચી શકાયું હોત.

ઉલ્લેખનીય છે કે 1984માં સિખ સુરક્ષાકર્મીઓના હાથે તત્કાલીન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં સિખ વિરોધી રમખાણો ભડકી ઉઠ્યા હતા. જેમાં અંદાજે 3,000 સિખોના જીવ ગયા હતા. દિલ્હીમાં રમખાણોની અસર સૌથી વધુ હતી. કહેવાય છે કે 3000માંથી 2700 સિખની હત્યા દિલ્હીમાં થઈ હતી. સ્વતંત્ર સ્ત્રોતથી અનુમાન છે કે મોતની સંખ્યા લગભગ 8000થી 17000 જેટલી હતી.

ઈંદ્ર કુમાર ગુજરાલ 21 એપ્રિલ 1997થી માંડીને 19 માર્ચ 1988 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. 30 નવેમ્બર 2012માં 92 વર્ષની ઉંમરે ગુજરાલનું નિધન થઈ ગયું હતું. ગુજરાલની જયંતી પર આયોજીત કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વિદેશમંત્રી એસ જયશંકર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કર્ણ સિંહે પણ તેમને યાદ કર્યા હતા.