મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: લોકસભાની ચૂંટણી પૂર્વે રાઘવજી પટેલની ઘર વાપસીને લઈને અફવાઓનું બજાર ફરી ગરમ થયું છે. રાઘવજી પટેલની ભાજપમાં સતત અવગણના જગ જાહેર છે ત્યારે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ રાઘવજી પટેલે આ અટકળોને રાજકીય હીત સત્રુઓની ચાલ ગણાવી પોતાની છે.પોતે ભાજપમાં જ છે અને રહેશે એમ સ્પષ્ટ કહ્યું છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્રીય પાર્ટીઓએ ભંગાણ અને એકજુટની રાજનીતી શરુ થઇ છે. તમામ પક્ષોએ લોકસભામાં છબી સુધારવા અને વધુ બેઠકો કબજે કરવા કવાયત આદરી દીધી છે. તાજેતરમાં એહમદ પટેલ દ્વારા સંબોધવામાં આવેલ કારોબારી બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણની વાત સામે આવી રહી છે. કોંગ્રેસ દ્વારા લોકસભા પૂર્વે ભાજપમાં ગયેલા પક્ષના નેતાઓ સાથે સંપર્ક વધારી દેવાયા હોવાનો વાત વહેતી થઇ છે. જેમાં પ્રથમ રાઘવજી પટેલનું નામ સામે આવ્યું છે. વાત રાઘવજી પટેલની કરવામાં આવે તો જામનગર જીલ્લાના રાજકારણમાં તેઓ દિગ્ગજ કહી શકાય, વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં ભળેલ પટેલ જામનગર ગ્રામ્ય બેઠક નવા નિશાળિયા ગણાતા કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા, જો કે પટેલની હાર પાછળના કારણમાં  રાઘવજીભાઈના ચહેરા અને છાપને બદલે ભાજપની નેતાગીરીમાં રહેલો છૂપો અસંતોષ હોવાનું સમીકરણ રાજકીય પંડિતોએ આપ્યું હતું. વિધાનસભા હાર્યા બાદ ભાજપના વિરોધીઓએ રાઘવજી પટેલને ભાજપમાં પાડી દેવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તે પડદા પાછળના હતા. પક્ષમાં પટેલનો અસંતોષ ત્યારે સ્પષ્ટ થયો જયારે ધ્રોલ અને જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થઇ હતી.


ખેડૂત કલ્યાણ માટેની આ સહકારી સંસ્થાઓ પર રાઘવજી પટેલ વર્ષોથી પ્રભુત્વ ધરાવે છે. પરંતુ આ વખતે ભાજપાના જ નેતાઓ પટેલની સામે ખુલ્લે આમ આવ્યા અને ભાજપ તરફે નવી પેનલ બનાવી પટેલ સામે ચૂંટણી લડ્યા, આ ચૂંટણીમાં ભાજપા-ભાજપા વચ્ચે જંગ છેડતા મુદ્દો રાજ્યવ્યાપી બન્યો હતો. પરંતુ રાઘવજી પટેલે પોતાની તાકાતનો પરચો બતાવી બંને યાર્ડ તોતિંગ બહુમતી સાથે કબજે કરી હતી અને ભાજપના દિગ્ગજ નેતાઓને પછડાટ આપી હતી. આ ચૂંટણી પૂર્વે ખુદ પટેલે પ્રસાર માધ્યમોમાં એવું કહ્યું હતું કે મારી રજુઆતો ધ્યાને નથી લેવાતી અને હું સત્તા માટે ભાજપમાં આવ્યો પણ ઘર ભેગો થયો, પટેલના આ કથન બાદ ભાજપમાં તેઓની અવગણના સ્પસ્ટ થઇ હતી. બીજી તરફ કોંગ્રેસની કારોબારી બાદ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ રાઘવજીભાઈના સતત સંપર્કમાં હોવાનું સુત્રો કહી રહ્યા છે...અને લોકસભા પૂર્વે ઘર વાપસી કરાવવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે એમ સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે પટેલને લઈને શરુ થયેલ અટકળો અંગે પટેલે છેદ ઉડાવ્યો છે....ભાજપમાં જ પોતાના હિત શત્રુઓની આ ચાલ હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.