રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં ડિસમિસ થયેલા અને પોતાની પ્રામાણિકતા તથા અડગ નિર્ણય માટે જાણીતા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવે પોતાની મામલતદાર તરીકેની કારકિર્દી દરમ્યાન થયેલા અનુભવો વિષે એક પુસ્તક લખ્યું છે. 'તેજોવધ'. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માત્ર બે સપ્તાહમાં પુરી થઇ ગઈ છે. અહીં દર્શાવાયેલો અહેવાલ તેમના આ પુસ્તકમાંથી છે.

“ખંભાળિયામાં પગ મૂકું તે પહેલાં ખંભાળિયા મામલતદાર તરીકે ફરજ બજાવી ગયેલ પાંચ બેચમેટે મને ચેતવ્યો હતો કે ‘ખૂબ ખરાબ અને અઘરી જગ્યા છે. રાજકીય નેતાઓનું પ્રેશર ઘણું આવશે.અમુક સ્ટાફ પણ ધ્યાન રાખવા જેવો છે. ભૂતકાળમાં ઘણા કૌભાંડો થયેલાં છે, રેકર્ડમાં ઠેકાણું નથી એટલે ધ્યાન રાખજે !’ હું ખંભાળિયા મામલતદાર તરીકે હાજર થયો તે દિવસે ધનતેરસ હતી. સૌથી પહેલા ફટાકડા એસોસિએશનના સભ્યો, એક રાજકીય ફોલ્ડરિયાને લઈને મારી પાસે આવ્યા. મેં વિચાર્યું કે મારી પહેલાના મામલતદાર કેવા હશે કે જેમણે ફટાકડા લાઇસન્સ આઠ મહિના થવા છતાં, દિવાળી આવી ગઈ તે છતાં, કોઈ નિર્ણય લીધો નહીં ! મને લાગ્યું કે નવી જગ્યાએ હાજર થતાં તરત જ કોઈની સાથે પંગો લેવો વાજબી નથી. પ્રમોશન પણ નજીક છે. હમણાં થોડો સમય શાંતિ જાળવી જવી ! ફટાકડાના વેપારીઓની દિવાળી ન બગડે તેથી મેં લાયસન્સ એક વર્ષ માટે રીન્યૂ કરી આપ્યા !” આ શબ્દો છે તત્કાલીન મામલતદાર ચિંતન વૈષ્ણવના.

ખંભાળિયાની હાલત ખરાબ હતી, લગભગ રસ્તા તૂટેલા, ખૂબ ધૂળ ઊડે, અમુક જ્ઞાતિઓમાં જ્ઞાતિવાદ  પણ  ચરમસીમા પર; કેટલાંક ખાસ પહોંચેલા લોકોનું જ ચાલે. કચેરીના સ્ટાફ વચ્ચે સંકલનનો અભાવ, કચેરીમાં તીવ્ર દુર્ગંધ, કામગીરીની વહેંચણની નહીં, મરજી પડે ત્યારે નોકરી કરવા આવે અને મરજી પડે ત્યારે રજા ! આ રીતે ટેવાયેલો સ્ટાફ. આ બધું તેમણે વ્યવસ્થિત કર્યું. કોઈ ‘લાંચ માંગે તો મામલતદારને રુબરુ મળવું’ તેવા બોર્ડ મૂકાવ્યા. ઈ-ધરા કેન્દ્રની કામગીરીમાં ફેરફાર કર્યો.કોઈપણ સંજોગોમાં 60 દિવસથી વધારે હક્કપત્રકની નોંધ ન જાય તે મુજબ પ્લાન તૈયાર કર્યો; નોંધ દાખલ કરતા સમયે જ તમામ અરજદારોને  ફરજિયાત એક વખત હાજર રાખવામાં આવતા. એ સમયે નોંધ દાખલ કરી 135-Dની નોટિસ જનરેટ કરી, તરત જ તમામ અરજદારોની સહી નાયબ મામલતદારની રુબરુ લેવામાં આવતી. આ રીતે દર મહિને 50 હજારથી વધુનો પોસ્ટ ટિકિટનો ખર્ચ બચાવ્યો અને કામગીરી ઝડપી બનાવી ! તેમણે ‘વિલેજ વિઝિટ’નો કાર્યક્રમ શરુ કર્યો. ચેમ્બરની બહાર નીકળી ડોર ટુ ડોર જવાથી ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો. તેમણે એક બીજો વિચાર અમલમાં મૂક્યો; આખા મહિના દરમિયાન આવેલ અરજીઓ, જેવી કે વિધવા વૃધ્ધ સહાય/સંકટમોચન સહાય/BPL કાર્ડ/અંત્યોદય કાર્ડ/સુધારા હુકમો/એકત્રિકરણ/કૂવા-પાઈપલાઈન/ખેડૂત ખાતેદાર/ઉજ્જવલા ગેસ વગેરે કામગીરી અગ્રતાના ધોરણે પૂરી કરવી. તે અંગેના હુકમો એક જ દિવસે, તમામ અરજદારોને બોલાવી રુબરુમાં જ આપવામાં આવે તો વચેટિયા નેસ્તનાબૂદ થઈ જાય. લોકો સાથે સીધો સંપર્ક સધાય; તેમની મુશ્કેલીઓ આપણા સુધી સીધી જ આવે. આ હેતુથી તેમણે ‘લાભાર્થી કલ્યાણ મેળા’નો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. 

તેઓ લખે છે : “1983 થી 1993 વચ્ચે ખંભાળિયામાંથી ચાર વાડી વિસ્તારો-હર્ષદપુર/ધર્મપુત્ર/શક્તિનગર/રામનગર અલગ પડેલા ત્યારે તેમના હક્કપત્રક રજિસ્ટરો અલગ લખવામાં આવેલ. તે સમયના હોંશિયાર તલાટીઓ/વકીલો/રેવન્યૂ કર્મચારીઓ નાણાકીય લાભ મેળવી ઘણા બિનખેડૂતોને ખેડૂતનો દરજ્જો આપી દીધેલ હતો. બ્લેકમનીથી બિનખેડૂતોએ ખેતીની જમીન ખરીદેલ તેવા ઘણાં કિસ્સાઓ મારા ધ્યાનમાં આવ્યા. મારી ચેમ્બરમાં રહેલા કોમ્પ્યુટર પર સર્ચ કરીને, જૂના રજિસ્ટરોની મદદથી આવા કૌભાંડીઓને પકડવા લાગ્યો. મહેસૂલી કાયદા મુજબ જો કોઈ બિનખેડૂત ખોટી રીતે ખેડૂત બનેલ હોય તો અને સીધો જ વેચાણથી જમીન ધારણ કરતો હોય તો તેની તમામ જમીનો સરકાર હસ્તક જપ્ત કરવાની રહે છે; ઉપરાંત જમીનની કિંમતનો ત્રણ ગણો દંડ વસૂલ કરવાનો રહે છે. મેં સોળ મહિનામાં 300 કરોડ રુપિયાના કૌભાંડોની તપાસ કરી પગલા ભરવા કલેક્ટરને અહેવાલ પાઠવ્યો. એક કિસ્સામાં કલેક્ટરે બિનખેડૂતને નામે જમીન રાખવાનો હુકમ કરેલ ! આ ખોટા હુકમને કારણે જુદા જુદા જિલ્લાઓમાં 100 કરોડની કિંમતની જમીનો હતી, તે કૌભાંડ પણ પકડ્યું. અહીંના એક માથાભારે માણસનું એક પ્રકરણ મેં હાથ ઉપર લીધેલ. તેણે ખોટો વારસાઈ આંબો બનાવી ખેતીની જમીન ખરીદેલ હતી. પછી તેણે ગરીબ અને નબળા ખેડૂતોને છેતરીને; વ્યાજે પૈસા આપીને જમીનો હડપ કરી જવાનો રીતસરનો ધંધો જ શરુ કર્યો હતો. તેની સામે કેસ દાખલ કર્યો અને તેનું હીયરિંગ શરુ થયું ત્યારે મારી બદલી થઈ ગઈ ! હું ત્યાં રહ્યો હોત તો તેને મોટું નુકશાન થયું હોત. સરકારી અધિકારી તરીકે આવા ભૂમાફિયાઓને ખુલ્લા પાડવા તે અમારી મુખ્ય ફરજ છે; પરંતુ લગભગ કોઈ અધિકારી આવું જોખમી પગલું ભરતા નથી. મને તો આવું કામ કરી બતાવવાથી શેર લોહી ચડતું ! અને આ કારણસર મેં ક્યારેય કોઇ અસામાજિક તત્વોને કે રાજકીય નેતાઓને સલામ કરી નથી !”

પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરવા માટે અહીં ક્લિક કરો