રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં ડિસમિસ થયેલા અને પોતાની પ્રામાણિકતા તથા અડગ નિર્ણય માટે જાણીતા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવે પોતાની મામલતદાર તરીકેની કારકિર્દી દરમ્યાન થયેલા અનુભવો વિષે એક પુસ્તક લખ્યું છે. 'તેજોવધ'. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ માત્ર બે સપ્તાહમાં પુરી થઇ ગઈ છે. અહીં દર્શાવાયેલો અહેવાલ તેમના આ પુસ્તકમાંથી છે. આ અધિકારી ચિંતન વૈષ્ણવ અંગે આપ જાણતા જ હશો, પરંતુ નથી જાણતા તો માત્ર એકાદ બે લીટીમાં કહીએ તો તેઓ પોતાની પ્રામાણીક છબીને કારણે ઘણા પરેશાન થયા કે કરવામાં આવ્યા, અહીં સુધી કે ગુજરાત સરકારે તેમને નોકરીમાંથી હાંકી કાઢ્યા. જોકે ગમે તેટલા કાંટાઓ વાગ્યા પણ તેઓ પોતાના પ્રામાણિક રસ્તા પર ચાલતા રહ્યા છે. અહીં તેમના વિષય પરની વાત છે.

“ખંભાળિયાની બાજુમાં વિરમદડ ગામની સીમમાં એક માથાભારે માણસ ડામર પ્લાન્ટ ચલાવતો હોવાની ફરિયાદ બાજુના ખેતર માલિકે મને કરી. હું સ્થળ તપાસ કરવા ગયો. ડામર પ્લાન્ટની આજુબાજુ 200 મીટરમાં શ્વાસ લઈ શકાય તેમ ન હતું. પ્રદૂષણ ટોચ પર હતું. આજુબાજુના ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું હતું. પ્લાન્ટના માલિકે જમીન બિનખેતી કરાવેલ નહીં. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી NOC મેળવેલ નહીં. મેં કલેક્ટરની સૂચના મુજબ પ્લાન્ટ  સીલ કર્યો. રાજકીય દબાણ આવતા કલેક્ટરે પ્લાન્ટ સીલ કરવાનો મારો હુકમ રદ કરી દીધો અને પ્લાન્ટ ફરી શરું થઈ ગયો! મામલતદારને પ્લાન્ટ સીલ કરવાની સત્તા ન હોય તો શામાટે કલેક્ટરે મને કાર્યવાહી કરવાની મૌખિક સૂચના આપી હશે? રાજકીય નેતાઓને સંતોષવા આવા હુકમો ઉપરી અધિકારીઓ કરતા હોય છે ! આટલું પ્રદૂષણ હોવા છતાં આજુબાજુના ખેડૂતોને ફરિયાદ કરવાનું સૂઝતું ન્હોતું. લોકોની સહનશક્તિને દાદ દેવી પડે. કોઈ પત્રકારને આ પ્રદૂષણ દેખાતું ન હતું. તે દિવસે મેં લાચારી અનુભવી કે હું ખૂબ નાનો અધિકારી છું જેથી આ ખોટા માણસોને નાથી શકતો નથી. જો લોકો જાગૃત નહીં થાય; લોકો પ્રશ્નો નહીં પૂછે, સારા અઘિકારીઓને સપોર્ટ નહીં કરે, તો આવનારો સમય ખૂબ ખરાબ હશે. આ રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે દેશ / સમાજને પતનની દિશામાં લઈ જશે.” આ વેદના છે પૂર્વ મામલતદાર ચિંતન વૈશ્નવની.

તેઓ લખે છે : “એક દિવસ કલેક્ટર સાહેબે મને ફોન કરીને કહ્યું કે મોટા નેતાજી આપણને સર્કિટહઉસ ખાતે બોલાવે છે. તમે આવો એટલે સાથે નીકળીએ. મેં કહ્યું કે એમને કામ હોય તો આપણી ઓફિસમાં આવે; આપણે શા માટે જવું જોઈએ? તેમણે કહ્યું કે જતા આવીએ એટલે એક પ્રશ્ન પતે ! હું સર્કિટ હાઉસ પહોંચ્યો. 200 જેટલા કાર્યકર્તાઓ, સરપંચો, ફટાકડાના વેપારીઓ, જમીન કૌભાંડીઓ હાજર હતા. કલેક્ટર સાહેબે મને કહ્યું કે હું અંદર જાઉં છું તમે અહીં ડાઈનિંગ ટેબલ પર બેસો, હું બોલાવું એટલે આવજો. મારી આજુબાજુ માણસો ગોઠવાયા, તેમણે મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કર્યું. ટોળામાંથી એક જણે મને પૂછ્યું કે ‘તું મામલતદાર છો? તું કેમ બધાને હેરાન કરે છે?’ હું સમજી ગયો કે આ ટ્રેપ છે, જો હું ગરમી પકડું તો મારો વીડિયો વાઈરલ થાય ! કેટલાંકે મારા બંને બાવડા પકડીને કહ્યું કે આને બહાર લઈ લો, ઘણાને ફરિયાદ છે. મેં જોરથી બૂમ પાડી કે હાથચાલાકી યોગ્ય નથી. મારી બૂમ સાંભળી કલેક્ટરના કમાન્ડોએ તરત જ રુમમાં જઈ કલેક્ટરને જાણ કરતા તે બહાર આવ્યા. કમાન્ડોની મદદથી મને ટોળામાંથી બહાર કાઢ્યો. અહીં રેવન્યૂ / પોલીસના અધિકારીઓ જો સુરક્ષિત ન હોય તો બીજા વિભાગના અધિકારીઓ શું કરે? કોઈ સારો અધિકારી; લોકલક્ષી કામ કરનાર, રાજકીય અંગૂઠાછાપ નેતાઓથી દબાયા વિના કામ કરનાર અધિકારી હવે ગુજરાતમાં ક્યારેય પેદા નહીં થાય. મને એવું હતું કે આ વખતે તો કલેક્ટર સાહેબ પણ મારી સાથે છે. લોકહિતમાં મેં નિર્ણય લીધા છે, એટલે આ વખતે મારી બદલી નહીં થાય. પણ હું ખોટો પડ્યો. મને અને મારા પરિવારને સજા કરવા મને ખૂબ દૂર, બિલકુલ નિષ્ક્રિય કરવા માટે ડિઝાસ્ટર મામલતદાર દાહોદ તરીકે મારી બદલી કરી નાંખી !”

તેમની બદલી થયા બાદ બધું હતું તેમ પાછું થઈ ગયું. પુછપરછ કેન્દ્ર બંધ થઈ ગયું. મફત અરજી લખવાનું બંધ થઈ ગયું. પોતાની મરજી પ્રમાણે સ્ટાફ કચેરીમાં આવતો / જતો થઈ ગયો. વિલેજ વિઝિટ અને લાભાર્થી કલ્યાણ મેળાઓ બંધ થઈ ગયા. કેબીનોના દબાણો દૂર કરેલ તે પરત આવી ગયાં. જમીન કૌભાંડીઓના તમામ પ્રકરણો બંધ થઈ ગયા. નદીમાંથી રેતીચોરી શરું થઈ ગઈ. વચેટિયા અને લેભાગુતત્વો ખુશ થઈ ગયાં. તેઓ લખે છે : “આવું એટલા માટે થાય છે કે આપણે સહનશીલ પ્રજા છીએ; જાગૃત નાગરિક નથી. ખોટું થાય તો આપણે અવાજ ઊઠાવતા નથી, આપણે પ્રશ્નો પૂછતા નથી, આપણો વિરોધ ફેસબૂક પૂરતો મર્યાદિત છે. આવા લુખ્ખાતત્વો આપણી ઉપર રાજ કરે છે, આપણને દબાવીને રાખે છે. આપણી સાક્ષરતા માત્ર કાગળ ઉપર છે; હકીકતમાં આપણે સાક્ષર નથી.

પુસ્તક ઓનલાઈન ઓર્ડર કરવા માટે અહીં ક્લિક કરો