રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): સ્વામિનારાયણ સંપ્રદાય/ઘર્મના સ્થાપક સહજાનંદજીનો જન્મ 3 એપ્રિલ 1781 ના રોજ થયેલ. તેમણે 1826 માં શિક્ષાપત્રી લખાવી. તેમનું અવસાન 1 જૂન 1830 ના રોજ થયું. તેમના અવસાન થયાને 190 વર્ષ થયા ત્યાં તેમણે સ્થાપેલ સંપ્રદાય/ઘર્મમાં 15 થી વધુ ફાંટાઓ થઈ ગયા ! આમ થવાનું કારણ શું? સહજાનંદજીએ સનાતનઘર્મમાં સુધારા કરવાને બદલે અલગ સંપ્રદાયની સ્થાપના કેમ કરી? ઊંઝામાં ઉમિયામાતાનું ભવ્યમંદિર છે; છતાં તેને ટક્કર મારે તેવું વિશ્વનું સૌથી ઊંચું ઉમિયામાતાનું મંદિર અમદાવાદમાં ઊભું કરવાની કેમ જરુર કેમ પડી? આ બાબત સમજવા માટે રેશનાલિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલને વાંચવા પડે. તેઓ કહે છે : માનવજાત ચાર સત્યો ઉપર સંચાલિત છે; [1] સમૂહ : Group માનવી સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલો છે, અને સમૂહનો એક વડો હોય. [2] માન મોભો : States માનવી સ્ટેટસ સિકીંગ એનિમલ એટલે માન મોભો ઇચ્છતું પ્રાણી છે. [3] જીવન : Survival માનવીને કોઈ પણ ભોગે જીવવું હોય છે એટલે કે બચવું હોય છે. [4] વારસો : Sexual reproduction માનવીમાં પોતાની એક પ્રતિકૃતિ, વારસદાર પાછળ મૂકતા જવાની પ્રબળ ભાવના હોય છે. 

દરેક માનવી બીજા સાથે ઊંચા નીચની કમ્પેરિઝન કાયમ અજાણપણે પણ કરતો હોય છે. એટલે સમાજમાં વર્ગભેદ તો કાયમ રહેવાના તે આપણા DNA માં છે. વર્ગભેદ આખી દુનિયામાં છે. પણ મુખ્યત્વે તે અમીર ગરીબના રહેવાના. મંદિરના ઓટલે બેઠેલા ભિખારીને રેલ્વે પ્લેટફોર્મ પર બેઠેલો ભિખારી ગરીબ લાગે. ટૂંકમાં માનવી માનમોભો ઇચ્છતું પ્રાણી છે, તે મનોવૈજ્ઞાનિક સત્ય છે. આપણા પૂર્વજોને, એમાં ચોપગા પ્રાણીઓ આવી ગયા, પ્રથમ આવ્યા વગર ખાવાનું અને સ્ત્રી મળતી નહોતી. એના માટે બહુ માર પડતો, બહુ મહેનત પડતી. સમૂહનો વડો હોય તે પહેલો ખોરાક ખાઈ લે પછી વધ્યું ઘટ્યું ખાવા દે અને માદા પણ પહેલા તે જ ભોગવી લે. એટલે જુના જમાનાના એલ્ફા શારીરિક બળવાન રહેતા વાઘ, સિંહ જેવા પ્રાણીઓની જેમ. ભીમ, દુર્યોધન, જરાસંધ, બળરામ, કૃષ્ણ આ બધા જુઓ એક મુક્કો મારી ભોમાં ભંડારી દે તેવા. ધન, સંપત્તિની મદદ વડે એલ્ફા બનવાનું પછી આવ્યું. કોઈ વિદ્યાના જોરે પણ એલ્ફા બની શકતા. જ્ઞાન, બાહુબળ અને ધન વડે એલ્ફા બનવાનું, સમાજમાં પદ-પ્રતિષ્ઠા, માનમોભો મેળવવાનું મહત્વનું બન્યું. તમારી જોડે જ્ઞાન ન હોય તો બાહુબળ કેળવો, તે ન હોય તો ધન સંપત્તિ ભેગી કરો. પણ આ બધા માટે સખત કોમ્પીટિશન હોય. હવે આમાં જેટલી કોમ્પીટિશન ઓછી હોય તેટલું સારું; એટલે ભારતના ચાલાક પણ બેઈમાન દિમાગે કામ કરવા માંડ્યું અને શરુ થઈ વર્ણ વ્યવસ્થા ! આખી દુનિયામાં વર્ગભેદ છે પણ ભારતમાં વર્ણભેદ છે. વર્ગભેદમાં એક લવચિકતા હોય છે. એક ક્લાર્ક IASની પરીક્ષા આપી કલેકટર બની શકે છે. એક કોન્સ્ટેબલ IPSની પરીક્ષા આપી SP બની શકે છે.પરંતુ એક શૂદ્ર બ્રાહ્મણ ન બની શકે ! કોઈ સંપ્રદાય હોય કે કોઈ રાજકીય પક્ષ જ કેમ ન હોય, એના સ્થાપનાર કે વડાને એનો સમૂહ મોટો કરવો હોય છે. સમૂહ જેટલો મોટો એટલી સર્વાઈવ થવા માટે સેફ્ટી વધારે. મોટા સમૂહને નાનો સમૂહ પહોંચી ન શકે તે સ્વાભાવિક છે. હું ફલાણા પક્ષનો કાર્યકર છું કે ફલાણા સંપ્રદાય કે ધર્મનો છું, એ બહાને આઇડેન્ટિટી મળે, સાથે સાથે સલામતી પણ મળે. આ બધો એનિમલ બ્રેનનો ખેલ છે. ઉગતા સૂર્યને સહુ પૂજતાં હોય છે. કારણ એમને ખબર હોય છે કે આ સમૂહ વધુને વધુ મોટો થઈ રહ્યો છે, ત્યાં સલામતી વધુ છે, માટે છોડો નાની ટોળી અને જોડાઈ જાઓ મોટી ટોળીમાં. ત્યાં વધુ સલામતી છે ત્યાં મોટી આઇડેન્ટિટી છે. 

મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કરતા તેમાંથી બળવો કરી જુદા પડનાર BAPS-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા આજે વધુ  અનુયાયીઓ ધરાવે છે ! સહજાનંદજીએ અલગ સંપ્રદાય/ધર્મ કેમ સ્થાપ્યો; ભગવાને પોતે સ્થાપેલ સંપ્રદાય/ધર્મમાં અનેક ફાંટાઓ કેમ પડી ગયા; તે સમજવા માટે આટલી વાત સમજી લેવી પડે. વિશ્વનું સૌથી ઊંચું ઉમિયામાતાનું મંદિર અમદાવાદમાં ઊભું કરવા પાછળ ધર્મભાવના કરતા સ્ટેટસ સીકિંગની ભાવના વધુ છે. વધુ જાણકારી માટે  જ્ઞાનપિપાસુઓએ ભૂપેન્દ્રસિંહ રાઓલના બ્લોક ‘કુરુક્ષેત્ર’ની મુલાકાત લેવી પડે અથવા તેમનું પુસ્તક ‘રાસાયણિક ગીતા’ વાંચવું પડે.rs