રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ફેબ્રુઆરી 2020માં, દિલ્હીના મુખ્યમંત્રીએ, ‘જયશ્રી રામ’ની સામે ‘જય બજરંગબલી’નું સૂત્ર પ્રચલિત કરી ચૂંટણીમાં જોરદાર જીત મેળવી. મને લાગ્યું હતું કે હનુમાનજીની વાત કરનાર આ નેતાજી; હનુમાનજીએ રામની સેવા કરેલ તે મુજબ લોકોની સેવા કરશે ! પણ આ નેતાજીએ ઉલટું કર્યું ! કનૈયાકુમારની સામે દેશદ્રોહના આરોપ માટે મંજૂરી આપી દીધી ! આવું પગલું એક ભણેલ ગણેલ નેતા ભરે ત્યારે આંચકો જરુર લાગે. આ નેતાજીએ કનૈયાકુમાર સામે દેશદ્રોહનો આરોપ પોલીસે મૂકેલ તે અંગે એક કમિટીની રચના કરેલ. કમિટીની તપાસમાં જણાયેલ કે કનૈયાકુમાર સામેના આરોપ ખોટા છે; જે સીડી છે તેમાં ચેડા કરેલા છે. છતાં સાત મહિના પછી એકાએક આવી મંજૂરી કેમ આપી હશે? આ નેતાજીને કનૈયાકુમાર દેશભક્ત લાગતા હતા; હવે કનૈયાકુમાર એકાએક દેશદ્રોહી કઈ રીતે થઈ ગયા?

ખરેખર દેશદ્રોહ છે શું? દેશદ્રોહ કોને કહેવાય તેની સમજ આ નેતાજીમાં નહીં હોય? દેશના ટોચના બંધારણીય નિષ્ણાંત સોલી સોરાબજીએ કનૈયાકુમારના સંદર્ભમાં કહ્યું હતું : “નારા ગમે તેટલા સરકાર વિરોઘી હોય; તે દેશદ્રોહી ન બની શકે !” ફલી નરીમાને કહ્યું હતું : “રાષ્ટ્રદ્રોહ/દેશદ્રોહ ત્યારે જ બને જ્યારે હિંસાની આશંકા હોય !” નારા લગાવવા માત્રથી કોઈ દેશદ્રોહી થઈ જતું નથી. કનૈયાકુમારે જે નારા લગાવ્યા તેમાં કોઈ હિંસાની વાત નહતી. ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છતાં તે નારાઓને કારણે કોઈ હિંસા થઈ નથી. સુપ્રિમકોર્ટે બલવંતસિંઘ વિરુધ્ધ પંજાબ સ્ટેટ કેસમાં ઠરાવ્યું છે કે “માત્ર ‘ખાલિસ્તાન જિન્દાબાદ’ના નારા લગાવવા તે દેશદ્રોહ નથી.” 2003 માં સુપ્રિમકોર્ટે નઝીરખાન વિરુધ્ધ દિલ્હી સ્ટેટના કેસમાં ઠરાવ્યું કે “પોતાના વિચાારોના પ્રતિપાદનનો દરેકને અધિકાર છે; જ્યાં સુધી હિંસા/બળનો ઉપયોગ ન કરે.” કનૈયાકુમારે ‘ભારત તેરે ટુકડે હોંગે, ટુકડે હોંગે’ જેવા નારા લગાવ્યા ન હતા.  જે વીડિયો હતો તેમાં એડિટિંગ કરેલું હતું; એવું FSLની તપાસમાં બહાર આવ્યું હતું. મૂડીવાદી ગોદી મીડિયાએ ‘ટુકડે ટુકડે ગેંગ’ એવું નામ આપી કનૈયાકુમારનું ‘કેરેકટર એસેસિનેશન-ચરિત્ર હનન’ કરવાનું ચાલુ રાખ્યું છે.

ગોદી મીડિયાને, એક PhD થયેલ સામાજિક નિસબતવાળો નેતા દેશદ્રોહી લાગે અને ત્રણ વર્ષ જેલમાં રહેલ નેતા દેશભક્ત લાગે છે ! ગોદી મીડિયાને/ IT Cellની ઝેરીલી પોસ્ટથી અંધ બનેલ ભક્તોને; સામાજિક/રાજકીય અને કચડાયેલ વર્ગોની જાગૃતિ માટે લડનાર દેશદ્રોહી લાગે છે અને ભડકાઉ ભાષણના કારણે 50 થી વધુ લોકોના જીવ લેનાર નેતા દેશભક્ત લાગે છે ! લોકો ગોદી મીડિયાની/ભક્તોની ચિંતા ન કરે, રોટલાની ચિંતા કરે તે સમજી શકાય; પરંતુ ‘જય બજરંગબલી’ના નારા બોલનાર પ્રબુદ્ધ નેતાના દિલમાં રામ વસતો નહીં હોય?rs