મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ જાવા માટે ભારતમાંથી દરરોજ ૩,૫૦૦ દેશવાસીઓ યુકેના વિઝા માટે અરજી કરી રહ્યાં છે. ૩૦ મેંથી શરૂ થઈ રહેલાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ જોવા માટે અંદાજે ૮૦ હજાર જેટલાં ભારતીયો ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે.

ભારતમાં એપ્રિલથી જુલાઈની પીક ટ્રાવેલ સિઝન દરમ્યાન વિઝા માટેની માગ નવેમ્બરથી જાન્યુઆરીની પીક ઓફ વિન્ટર સિઝન કરતાં સામાન્યપણે ૧૦૦-૧૫૦ ટકા વધારે હોય છે. ગ્લોબલ ટુરિઝમ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મૂજબ સામાન્યપણે દરરોજ યુકે માટે ૧૦૦૦ વિઝાની અરજી થતી હોય છે. જેમાં પીક સમરની સીઝન ધ્યાનમાં લઈએ તો ૨,૫૦૦ જેટલી અરજીઓ થતી હોય છે. પરંતુ સુપરસ્ટાર મહેન્દ્રસિંગ ધોની હવે અંતિમવાર રમવાનો હોવા સાથે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતવા માટે હોટ ફેવરીટ હોવાથી આ વિઝાની માગ દૈનિક ધોરણે ૧,૦૦૦ થી ૧,૫૦૦ જેટલી વધી ગઈ છે.

બ્રિટીશ હાઈ કમિશનની ધારણા છે કે, ૩૦ મેથી શરુ થઈ રહેલાં વર્લ્ડ કપમાં ૮૦,૦૦૦ જેટલાં ભારતીયો મુસાફરી કરશે. જે દર વર્ષે ઈંગ્લેન્ડ જતાં મુસાફરો કરતાં પણ વધુ છે. ઉનાળામાં સામાન્ય મુસાફરીના વધારાને કારણે તેમને મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. જેમાં આ વર્ષે ક્રિકેટને કારણે આ પ્રમાણમાં ધરખમ વધારો જોવા મળી રહયો છે. આ વર્લ્ડકપ જોવા માટે સમગ્ર વિશ્વમાંથી કેટલી સંખ્યામાં લોકો ઈંગ્લેન્ડ આવશે તેની ચોક્કસ સંખ્યાની ખબર નથી. પરંતુ ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની ઘેલછા તેમજ અન્ય પૂર્વીય અહેવાલો જાતાં સૌથી વધુ માત્રામાં ભારતીયો જ હશે તેવી ધારણા પણ રાખવામાં આવી રહી છે. 

યુકેની વિઝા સર્વિસ પાર્ટનર વીએફએસ ગ્લોબલે જાન્યુઆરીથી એપ્રિલ દરમ્યાન ૨,૦૦,૦૦૦ જેટલી વિઝાની પ્રક્રિયા કરી છે. વિઝા સર્વિસની ડોર સ્ટેપ ડિલિવરી માટેની માગ ૨૦૧૮માં ૧૪૪ ટકા જેટલી વધી છે અને આ ટ્રેન્ડ હજી ચાલી રહ્યો છે.