પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણા દેશમાં હવે જ્યારે બીજા રાજ્યની વાત નીકળે અને બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદુ જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારેય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વિકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વ્યાજબી નથી.

આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ કરીએ તો તેને અર્થ એવો જ છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે પણ ગુજરાત મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પીઓકે સાથે સરખાવ્યું એટલે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા કહેવાતા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભીમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભય રહીત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે. જો ભય રહીત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મુકીને પુછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કોલ કરવાને બદલે કોને કેટલી વખત વોટ્સએપ કોલ કર્યો. દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ્સ આંતરવામાં આવે છે.


 

 

 

 

 

થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દિકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા અગાઉના મારા જુના મિત્ર છે. સ્વાભાવીક રીતે મંત્રીએ પોતાના દિકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા પરંતુ મને મંત્રીની ઓફીસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મોડલ છે.

આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ્સની સંખ્યા વધતી જાય. આજે જે પાલકો પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પુરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય છતાં તેને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ. ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોના કાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઉતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે, તો આ પણ આપણું ગુજરાત મોડલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વિકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજા રાજ્યની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું ત્યારે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું લાગે છે.