પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત થયો, તેમાં અનેક લોકોના જીવ પણ ગયા, આ મામલે રાજ્ય સરકાર અને સંબંધીત વિભાગે પોતાની કામગીરી શરૂ કરી હતી. આ મામલાને હું પોતે વ્યકિતગત રીતે નજીકથી જોઈ રહ્યો હતો. જેના કારણે મને ખબર હતી કે સંબંધીત વિભાગો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. બીજી તરફ જેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, તેમની મદદે કેટલાંક કર્મશીલો પણ આવ્યા. કર્મશીલોનો ઈરાદો અસરગ્રસ્તોને મદદ કરવાનો જ હતો. આ મામલે રાજ્ય સરકારે નિયમ પ્રમાણે મદદ પણ કરી, આમ સરકાર અને કર્મશીલ એક દિશામાં પ્રવાસ કરી રહ્યા હતા, આમ છતાં કર્મશીલ કાયમ માને છે તેમ આ ઘટનાના પ્રથમ દિવસથી માની લીધુ કે સરકાર ખોટું કરી રહી છે, સરકાર ખોટું બોલી રહી છે, સરકારી અધિકારીઓ યોગ્ય કામ કરતા નથી, આમ બધું જ બરાબર થઈ રહ્યું હોવા છતાં કર્મશીલ અને સરકારી અધિકારીઓ સામ-સામે આવી ગયા હતા.

સરકારો અને સરકારી અધિકારીઓ ખોટું કરતા નથી તેવું નથી, ખોટું પુષ્કળ થાય છે, પણ દરેક વખતે એક જ ફુટપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તે યોગ્ય નથી. જેઓ સરકારમાં બેઠા છે અને જેઓ સરકારી અધિકારીઓ છે તેઓ બધા જ ભ્રષ્ટ છે અને તેમના ઈરાદાઓમાં ખોટ છે. તેવું અંતિમવાદી માનવુ પણ યોગ્ય નથી. સરકારમાં અને સરકારી અધિકારીઓ આપણામાંથી જતાં હોવાને કારણે જેવા આપણે છીએ, તેવી આપણી સરકાર અને સરકારી અધિકારીઓ તેવા જ રહેવાના છે. આમ છતાં સરકારમાં અને સરકારી અધિકારીઓમાં સારા માણસો છે, તેમના ઈરાદા પણ સારા છે અને તેઓ પોતાના પદ ઉપર રહી સામાન્ય માણસના જીવનમાં કઈ રીતે સારૂ થાય પ્રયાસો પણ કરે છે. છતાં તેમની કામગીરી પણ શંકાથી પર રહી શકતી નથી. તેનું કારણ આપણી પાસે રહેલી એક જ ફુટપટ્ટી કારણભુત છે.


 

 

 

 

 

કર્મશીલોએ પોતાને પણ તપાસવાની જરૂર છે, સતત સંઘર્ષ અને સતત ઈચ્છીત પરિણામ નહીં મળવાને કારણે એક પ્રકારની નિરાશા અને નકારાત્મકતા તેમને ઘેરી વળે છે અને ક્રમશઃ આ નિરાશા અને નકારાત્મકતા વચ્ચે તેઓ એવા પીસાઈ જાય છે કે, તેમને સરકારના તમામ નિર્ણય ખોટા લાગે છે અને તમામ અધિકારીઓ ભ્રષ્ટ લાગે છે. તેઓ પોતાના પ્રશ્નને આઉટ ઓફ બોકસ વિચારી શકતા નથી. તેઓ માનવા જ તૈયાર નથી કે સરકાર કોઈ પણ સ્વાર્થ વગર સારૂં કરી શકે અથવા કોઈ સરકારી અધિકારી હિંમતપૂર્વક પ્રમાણિકપણે કામ કરી શકે છે. તેઓ સરકાર અને અધિકારીઓને સતત શંકાની નજરે જુવે છે, જેના પરિણામે કર્મશીલો લોકોને મદદ કરવાના ઈરાદે નિકળ્યા છે તેમનો મોટા ભાગનો સમય સરકાર અને અધિકારીઓ સાથે સંધર્ષ કરવામાં પસાર થઈ જાય છે. સંઘર્ષ પણ જરૂરી છે પણ સંઘર્ષ કયારેય કાયમી ઉકેલ હોઈ શકે નહીં.

સંઘર્ષમાં સંવાદનો પણ અવકાશ હોવો જોઈએ, પણ સંવાદ માટે મનની મોકળાશ હોવી જરૂરી છે, પણ કર્મશીલ સંવાદમાં શંકાના ભાવ સાથે બેસે છે જેના કારણે સંવાદ બહુ ફળદાઈ સાબીત થતાં નથી, કર્મશીલ લડવાનું જાણે છે, પણ લડાઈમાં કયારે અટકી જવું તેની તેમને ખબર પડતી નથી. લડાઈમાં વ્યૂહ રચના હોવી જરૂરી છે. લડાઈ શરૂ કરતી વખતે જ નક્કી કરી લેવાનું હોય છે કે લડાઈ કયાં અને કેવી રીતે અટકાવવાની છે. કર્મશીલ માને છે લોકોના પ્રશ્નનો ઉત્તર માત્ર લડાઈ દ્વારા જ મળે પણ દરેક વખતે આ ફોર્મ્યુલા કારગાર સાબીત થતી નથી, મનમાં કડવાશ વગરની લડાઈ હોવી જોઈએ સરકાર અનેકર્મશીલ બંન્નેનો ઈરાદો જો લોકોના જીવનમાં સારૂ કરવાનો છે, તો દરેક વખતે લડવુ જરૂરી પણ હોતું નથી. કર્મશીલ એવી લડાઈમાં જોતરાઈ જાય છે કેઓ તેઓ યુર્ટન થઈ શકે તેવો અવકાશ રાખતા જ નથી.

જેઓ સરકારમાં છે અને જેઓ સરકારી અધિકારીઓ છે તેમને પણ પોતાનું સ્વમાન હોય છે. કર્મશીલ કાયમ તેમની ઉપર શંકા કરી અને આરોપ મુકી તેમના સ્વમાનને ઠેસ પહોંચાડતા હોય છે, જેના કારણે સરકાર અને કર્મશીલ એક મંચ ઉપર આવી શકે તે એક કલ્પના સમાન જ લાગે છે, પણ તેવું નથી આપણા દેશમાં અને ગુજરાતમાં એવા અનેક કર્મશીલો છે, જેમણે લોકો માટે લડાઈઓ પણ કરી અને સરકાર સાથે સંવાદ પણ કર્યો, જેના પરિણામ સ્વરૂપ સરકાર અને સરકારી અધિકારીઓ પણ આ કર્મશીલ ઉપર ભરોસો કરતા થયા અને તેમના કામની કદર પણ કરી જેનો સીધો ફાયદો કર્મશીલ જેમના માટે લડતા હતા તેવા તેવા લોકો, સમુદાય અને વંચિતોને થયો.


 

 

 

 

 

સરકાર અને સરકારી અધિકારીઓ જ્યારે પણ સારૂ કરે ત્યારે તેમની પણ  કદર થવી જોઈએ, પણ તેવું થતું નથી કર્મશીલ માને છે કે સરકારની પ્રસંશા ક્યારેય થઈ શકે નહીં કારણ જો આપણે સરકાર સાથે સંવાદ કરીશું અથવા સરકારના કામની પ્રસંશા કરીશું તો લોક નજરમાં આપણી ઉપર શંકા થવા લાગશે, પોતાની પ્રમાણિકતાની છાપ અકબંધ રાખવા માટે તેઓ જાતે સતત લડાઈના રસ્તા ઉપર ધકેલી દે છે, પણ વિચરતી જાતિના લોકો માટે કામ કરતી મિત્તલ પટેલ અને દાતાના ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા હસમુખ પટેલ પણ કર્મશીલ છે તેઓ સરકાર સાથે લડે પણ છે અને સરકાર સાથે વાત પણ કરે છે. એટલુ નહીં વખત આવે સરકારી અધિકારીના કાન પકડી તેમની પાસે લોકો માટે સારૂ કામ પણ કરાવે છે છતાં અધિકારીઓના મનમાં મિત્તલ પટેલ અને હસમુખ પટેલ માટે કડવાશ નથી કારણ આ અધિકારીઓને એવા કર્મશીલ મળ્યા છે જેઓ લડાઈ અને સંવાદ બંન્નેની ભાષા સમજે છે.