મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં બનતી ક્રાઇમની ઘટનાની વાત કરીએ તો અહીં ગુનાની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. કેટલાક કિસ્સામાં તો અમદાવાદ કરતા પણ વધુ ગુના સુરતમાં બનતા હોવાનું ફલિત થયું છે. તેવા સંજોગોમાં જ્યારથી લોકડાઉનનો અમલ શરૂ થયો છે ત્યારથી ગંભીર પ્રકારની કહી શકાય તેવા ગુના બનતા જ નથી. ગુનેગારો પણ અંતે તો માણસ જ છેને જેથી ઘરમાં રહેવાનું નક્કી કર્યું હોય તેમ ચોરી, લૂંટ, હત્યા, હત્યાની કોશીશ, બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગણી શકાય તેવા ગુના બન્યા જ નથી.

સુરત પોલીસ કમિશનરેટ એરિયાની વાત કરીએ તો લગભગ 65 લાખની વસતિ 25 પોલીસ મથક હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં સામાન્ય સંજોગોમાં પ્રતિદિન સરેરાશ 18થી 20 ગુના ગંભીર પ્રકારની બને છે. સુરત પોલીસ લોકડાઉનના અમલમાં વ્યસ્ત છે તો બીજી બાજુ એક પણ ગંભીર પ્રકારનો ગુનો ન નોંધાતા પોલીસ માટે રાહત પણ છે. કારણ કે જો કોઇ અનઇચ્છનીય ઘટના બને તો સ્વાભાવિક છે કે પોલીસે તુરંત ત્યાં પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાને પ્રાથમિકતા આપવી પડે.

ગુના ન નોંધાતા હોવાનાં કેટલાંક કારણો અને તારણો છે તે જોઇએ તો ગુનેગારો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. બીજું લોકો ઘરમાં જ રહેતા હોવાથી ગુનેગારને ગુનો કરવાની તક મળતી નથી. ત્રીજું લોકોની અવરજવર જ બંધ હોવાથી ચેઇન સ્નેચિંગ-મોબાઇલ સ્નેચિંગની ઘટના તો સદંતર બંધ જ થઈ જાય એ સ્વાભાવિક છે. વળી, રસ્તા સૂમસામ હોવાથી જો કોઇ ગુનેગાર ગુનો કરવા નીકળે તો પણ પકડાઈ જવાની શક્યતા વધી જાય છે. પરિણામે ગુનેગારો ગુનો કરવા નીકળે નહીં એ પણ સહજ છે. કારણ જે હોય તે પણ હકીકત એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગંભીર પ્રકારનો કહી શકાય તેવો ગુનો નોંધાયો નથી.

લોકડાઉનના કારણે નિર્દોષ લોકોના જીવ પણ બચ્યા છે. આ વાંચીને તમને નવાઈ લાગશે પણ હા, જીવ બચ્યા છે. કારણ કે સુરતમાં વાહન અકસ્માતમાં સરેરાશ મહિને 25 લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. જ્યારથી લોકડાઉનનો પ્રારંભ થયો છે ત્યારથી એક પણ જીવલેણ અકસ્માત બન્યો નથી. એટલે કે આ દસ દિવસમાં 8  લોકોના જીવ બચી ગયા છે. અકસ્માતની વિગત જોઇએ તો 2018ના વર્ષમાં 948 અકસ્માત થયા હતા. જેમાં 631 પુરુષ, 182 મહિલા ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાંથી 282 પુરુષ અને 36 મહિલાનાં મોત થયાં હતાં. જ્યારે 2019ના વર્ષમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2019ના વર્ષમાં કુલ 870 ઘટના બની હતી. જેમાં 561 પુરુષ, 158 મહિલા ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાંથી 258 પુરુષ અને 36 મહિલાનાં મોત થયાં હતા.  આ રીતે જોઇએ તો લોકડાઉનના દસ દિવસમાં વાહનની અવરજવર ન હોવાના કારણે અકસ્માતનો એક પણ બનાવ બન્યો નથી. જેના કારણે 8 લોકોના જીવ બચી ગયા છે.