મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ટેલિકોમ ઇક્વિપમેન્ટ બનાવનારી સ્વીડિશ કંપરી એરિક્શન (Ericsson)એ રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની આદેશનું અપમાન કરવા સંબંધિત એક અપીલ દાખલ કરી છે. એરિક્શનએ આ અપીલ નિર્ધારિત ડેડલાઇન સુધીમાં 550 કરોડ રૂપિયા લેણું નહીં ચુકવવા માટે કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટે અનિલ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ કમ્યુનિકેશનને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં એરિક્શનના બાકી લેણામાંથી 550 કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ રિલાયન્સની દેવાળીયા થવાની પ્રક્રિયા શરુ કરવા પર સ્ટે આપ્યો હતો. પરંતુ રિલાયન્સે ડેડલાઇન વીતી ગયા બાદ પણ આ ચુકવણી કરી નથી. જ્યાર બાદ એરિક્શને કોર્ટના અપમાનનો મુદ્દો બનાવી ફરીથી સુપ્રિમ કોર્ટનું શરણ લીધુ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રિલાયન્સ કમ્યુનિકેશનએ એરિક્શનને આ ડેડલાઇન 60 દિવસ વધારવાની અપીલ કરી હતી પરંતુ જાણવા મળ્યું છે કે એરિક્શને વધુ સમય આપવાથી ઇનકાર કર્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ કમ્યુનિકેશન દ્વારા બાકી રકમની ચુકવણી નહીં કરી શકવાને કારણે કંપનીને દેવાળીયા થવાની પ્રક્રિયામાં નાખી શકાય છે. જો એમ બનશે તો રિલાયન્સ કમ્યુનિકેશન અને જીયો વચ્ચે થયેલ સ્પેક્ટ્રમના વેચાણ સંબંધિત કરાર જોખમમાં પડી શકે છે જેથી લગભગ 46000 કરોડ રૂપિયાના લેણામાં ડૂબેલી રિયાલન્સને મોટો આંચકો લાગશે. જો અનિલ અંબાણીની કંપની નાદાર થાય તો રિયાલન્સ કમ્યુનિકેશન પોતાની કોઈપણ સંપત્તિ વેચી નહીં શકે. આ મુદ્દે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLAT) 3 ઓક્ટોબરે સુનાવણી કરશે. જ્યારે સુપ્રિમ કોર્ટ આ મુદ્દે 4 ઓક્ટોબરે સુનાવણી કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં એરિક્શન અને રિલાયન્સ કમ્યુનિકેશન વચ્ચે એક કરાર થયો હતો. જે અનુસાર એરિક્શનને 7 વર્ષ સુધીમાં રિલાયન્સ કમ્યુનિકેશનને સમગ્ર દેશમાં ફેલાયેલ ટેલિકોમ નેટવર્કને મેનેજ અને ઓપરેટ કરવાનું હતું. લગભગ 1 હજાર કરોડની આ ડીલની રિલાયન્સે હજુ સુધી ચુકવણી નથી કરી. જ્યાર બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને સપ્ટેમ્બરના અંત સુધીમાં 550 કરોડ રૂપિયા ચુકવવા રિયાલન્સને આદેશ કરાયો હતો પરંતુ તે ચુકવાયા નથી અને આ સમગ્ર મામલો ફરી કોર્ટમાં પહોંચ્યો છે.