ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : અમેરિકા, યુરોપ અને એશિયામાં નેચરલ ગેસના સરેરાશ ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. પરિણામે શિયાળામા કડક ઠંડી પડશે ત્યારે ઊર્જા અછતનો ભય અત્યારથીજ સર્જાયો છે. આની સીધી આસરે આખી દુનિયાના વીજળી વપરાશકારોના ખીસા હળવા થઈ જવાના છે. અમેરિકા, યુરોપ અને ચીનમાં શિયાળામાં ઘરોને ગરમ રાખવા નેચરલ ગેસ મુખ્ય ઊર્જા સ્ત્રોત હોય છે. ઠંડીનો પારો જેમજેમ નીચે ઉતરશે તેમતેમ વિશ્વભરમાં ગેસના ભાવ ઉપર જવા લાગશે. આની પાછળનું મૂળભૂત કારણ પુરવઠા સ્ટોક અછત છે.

ચીને પોતાની શિયાળુ માંગને પહોંચીવળવા લિકવીફઆઇડ નેચરલ ગેસની માંગમાં જબ્બર વધારો કર્યો છે. આને લીધે જાગતિક સપ્લાયમાં ખાંચરો પડ્યો છે, હવે યુરોપને એનર્જી ખરીદી માટેનો સ્ટોક ઓછો થવા લાગ્યો છે. ચીન આમ પણ પોતાના કારખાના ચલાવવા અને ઘરોને ગરમ રાખવા માટે કોલસાની અછતનો સામનો કરી રહ્યું છે, આથી ઊર્જા પ્રાપ્તિના સ્ત્રોતોની આખા વિશ્વમાં જબ્બર અછત સર્જાવાની છે, જે યૂરોપમાં નવી સમશ્યા ઊભી કરશે.

Advertisement


 

 

 

 

 

અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક રોયલ ડચ શેલનું કહેવું છે કે ઈદા વાવાઝોડાએ ઊભી કરેલી મુશ્કેલીઓએ કેટલીક ઓફસોર ફેસએલિટી (તેલ કૂવા)નું સ્થળાંતર કરવાની ફરજ પડતાં, આગામી વર્ષમાં પ્રવેશતાની સાથે જ ઉત્પાદન કાપનો સામનો કરવાનો આવશે. જેથી ક્રૂડ ઓઇલ રિફાઇનરીઓ માટેની આવશ્યક સપ્લાય કાપ આવી શકે છે. ઈદા વાવાઝોડાએ રોયલ ડચને સૌથી વધૂ નુક્શાન પહોંચાડ્યું છે, તે અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોમાંથી થતી ૨૮૦ લાખ બેરલની બજાર સપ્લાય પૂર્ણ કરી શક્યું ન હતું.

અમેરિકામાં નેચરલ ગેસનો સરેરાશ સ્ટોક ૭ ટકા ઘટ્યો છે, જ્યારે યુરોપમાં ૨૦ ટકાનું સ્ટોક ગાબડું પડ્યું છે. ૧૫ સપ્ટેમ્બરે અમેરિકન નેચરલ ગેસ વાયદો ૫.૬૫ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ફેબ્રુઆરી ૨૦૧૪ની ઊંચાઈએ પહોંચી ગયો હતો. ગુરુવારે ભાવ ૪.૭૮ ડોલર મુકાયો હતો. વર્તમાન ભાવ ૧ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ૮ ટકા અને ગતવર્ષના આ જ સમયગાળાથી બમણા વધ્યા છે.

નેચરલ ગેસનો સ્ટોક નીચે જવા માટેના સંખ્યાબંધ કારણો છે. એક તો ૨૦૨૦નો શિયાળો અમેરિકા અને યૂરોપમાં ખૂબ લાંબો સમય ચાલ્યો, એક તરફ ગતવર્ષે નીચા ગેસ ભાવ અને બીજી તરફ કોરોના મહામારીમાં ભાંગી પડેલી અર્થવ્યવસ્થાએ કેટલાય ગેસ ઉત્પાદકોની રીગ, ઉત્પાદન કર્યા વગર નવરી પડી હતી. ઓગસ્ટમાં ઈદા વાવાઝોડાને લીધે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સંખ્યાબંધ રીગને થોડા સમય માટે ડ્રિલિંગમાંથી હટાવી લેવી પડી હતી. રશિયા તરફથી નિકાસમાં ઘટાડો, ખાસ કરીને એશિયાન ગ્રાહકો દ્વારા નેચરલ ગેસ પ્રાપ્ત કરવા, આયાતી શિપમેન્ટ બજારમાં જબ્બર સ્પર્ધા અને જહાજી નૂર માટે વધુ ભાવ આપવાની તૈયારી જેવા અનેક કારણો ગણાવી શકાય.

Advertisement


 

 

 

 

 

યૂરોપમાં વિન્ડફાર્મ તેમજ પશ્ચિમ અમેરિકામાં હાયડ્રોપાવર ડેમમાંથી સરેરાશ કરતાં ઓછી ઇલેક્ટ્રિસિટી ઉપાર્જનને લીધે ગ્રીડ ઓપરેટરોને વધુ ગેસ વાપરવાની ફરજ પડી હતી. બેન્ચમાર્ક યુરોપિયન ગેસ ભાવ વર્ષારંભથી અત્યાર સુધીમાં ૨૫૦ ટકા ઉછળ્યાં છે.  નેચરલ ગેસના ઊંચા ભાવને પગલે આ વર્ષે યુકેના ૭ જેટલા રિટેઈલ ઇલેક્ટ્રિસિટી પુરવઠાકારને તો આ ધંધામાંથી નીકળી જવાની ફરજ પડી હતી. આ માટેનું કારણ એ હતું કે આ પુરવઠાકારોએ નિશ્ચિત ભાવે ગ્રાહકોને વીજળી પૂરી પાડવાના વાર્ષિક કરાર કર્યા હતા, સામે તેમને વીજ ઉપાર્જન માટેનો ખર્ચ ખૂબ વધુ ચૂકવવો પડતો હતો.

બજારમાં અત્યારે વિશુવૃત્તીય વાવાઝોડા ફરિવાળ્યા છે, તેથી આગળ જતાં તેજીના વાવાઝોડાનો  સામનો કરવાનો આવનાર છે. જગતના મહત્વના ગેસ ઉત્પાદક દેશો અને મોટી ગેસ કંપનીના એક્ઝિક્યુટિવો અને ટ્રેડરોની આ સપ્તાહે ગેસ-ટેક કોન્ફરન્સ દુબઈમાં મળી રહી છે તેમાં બજારને દિશાનિર્દેશ પ્રાપ્ત થશે.     

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)