મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ ગુજરાતને ખાસ કરી અમદાવાદ અનેક કોમી તોફાનોનું સાક્ષી રહ્યું છે, હિન્દુ અને મુસ્લિમ એકબીજાનો ગમે એટલો તીરસ્કાર કરે પણ વાસ્વીકતા એવી છે કે બંન્નેએ એકબીજા સાથે જ રહેવાનું અને મરવાનું છે. કોમી તોફાન થવાના કારણો અને ત્યાર બાદ ઘટતી ઘટનાઓ અંગે આમ માણસ સુધી સત્ય કયારેય પહોંચતું નથી અને પહોંચે છે તે પણ અધુરૂ સત્ય હોય છે. આમ છતાં સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ બહુ ઓછા લોકો કરતા હોય છે, ગુજરાતે 1969-1985-1993 અને 2002ના ભયંકર કોમી તોફાન જોયા છે. હિંસા કયારેય જવાબ હોઈ શકે નહીં અને તે  કોઈ પણ પ્રશ્નનો ઉત્તર પણ નથી.

છતાં દેશના નેતાઓ (તેમાં કોઈ  પણ પક્ષ બાકાત નથી), દરેકને પોતાના ગણિત અને પોતાના ફાયદાઓ છે. દેશમાં ઘટતી ઘટનાઓનું તે પોતાની રીતે અર્થઘટન કરે છે, પ્રજાને પોતાના સ્વાર્થની વાત પોતાની ભાષામાં સમજાવે છે. સરવાણે ફાયદો માત્ર થોડા જુથ અને નેતાઓને થાય છે. કોમી તોફાનમાં જીવ ગુમાવનાર અને તેના પરિવારજનો તો પોતાના પ્રિયજનો ગુમાવે છે, પણ હિંસાનો આશરો લેનાર પણ ગુમાવે છે જેની ખરી વેદના તો જેલની પાછળ સબડી રહેલી વ્યકિતઓને સમજાય છે, પણ જેલની પાછળ જીંદગી પસાર કરતી વ્યકિતને હિન્દુ-મુસ્લીમના દંગા વ્ચર્થ છે તેવું સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

અને દંગાઓમાં મરનાર અને જેલમાં જનારને કારણે અનેક નેતાનીઓની જીંદગી અને સરકારો બદલાઈ જાય છે. ગુજરાતમાં થયેલા દંગાઓ અંગે તપાસ પંચ નિમાય છે તેની ભલામણો સરકારોને વર્ષો પછી મળે છે અને ભલામણો કાયમ ભલામણ રહી જાય છે. જે સમાજ ઈતિહાસને જાણતો નથી અને જેમાંથી શીખતો નથી તે સમાજને કાયમ કિંમત ચુકવવી પડે છે.

હાલમાં જ ગુજરાત વિધાનસભામાં નાણાવટી પંચ નો ૨૦૦૨ના રમખાણો પરનો રિપોર્ટ સબમિટ થયો જેમાં નરેન્દ્ર મોદી સહિતના ઘણાઓને કલીનચીટ આપી દેવાઈ છે.  ગુજરાતમાં થયેલા દંગાઓ અંગે કયારે ગુજરાતી ભાષામાં વિસ્તૃત માહિતીઓ સાથે લખાયુ નથી, પરંતુ પ્રશાંત દયાળ દ્વારા પહેલી વખત ગુજરાતના 2002ના કોમી તોફાનો અંગે લખવાનો પ્રયાસ થયો છે, ખરેખર એક ક્રાઈમ રિપોર્ટર એ કઈ રીતે કોમી તોફાન જોયા તેની આ એક પ્રકારની ડાયરી છે.

અખબારમાં તમે વાંચેલા સમાચાર કરતા અનેક ગણી વિશેષ બાબતો પ્રશાંત દયાળે ગોધરાના રમખાણો અંગે લખેલા પુસ્તકમાં છે, 2005માં પ્રસિધ્ધ થયેલા આ પુસ્તકની બીજી આવૃત્તી સાર્થક પ્રકાશને પ્રસિધ્ધ કરી છે હાલમાં જેમની ઉમંર ત્રીસ કરતા નાની છે તેમને તો કદાચ 2002માં થયેલા નરસંહારની ક્લ્પના પણ નહીં આવે, આ  કોઈ આખરી સત્ય નથી છતાં પ્રશાંત દયાળ દ્વારા સત્યની નજીક પહોંચવાનો  પ્રયાસ કર્યો હતો. અમે Meranews.com ઉપર હપ્તા વાર પ્રશાંત દયાળ દ્વારા લિખિત પુસ્તક પ્રકાશીત કરીશુ, અમને આશા છે તે વાંચવુ ગમને ગમશે, સંભવ છે કે તમારો ભીન્ન મત પણ હોઈ શકે છતાં ભીન્ન મત જાણવા પણ  તમારે તમામ હપ્તાઓ વાંચવા જોઈએ, તો આપણે હવે રોજ અહિયા જ મળીશું રોજ નવી ઘટનાઓ સાથે પ્રશાંત દયાળની સાથે....