પ્રશાંત દયાળ

પ્રારંભ

મેં ૧૯૮૯માં પત્રકારત્વની શરૂઆત કરી ત્યારે મારા સાથી મિત્રો અને મારા સિનિયરોને અખબારમાં છપાતી તેમની સ્પેશીયલ સ્ટોરીઓના કટિંગ કરતા જોયા હતા અને તેઓ કોઈ નવી નોકરી માટે તંત્રીને મળવા જાય ત્યારે પોતાની ફાઈલ સાથે લઇ જતા હતા. મારા અનેક મિત્રોએ મને પણ મારી સ્ટોરીનાં કટિંગ કાપી ફાઈલ બનાવવાની સલાહ આપી હતી,જે વાત ત્યારે મને ગળે ઉતરતી ન હતી અને આજે પણ હું તેમની વાત સાથે સમંત નથી. હું એવું માનતો આવ્યો કચું અને માનું છુ કે એક પત્રકાર ને પોતાની જૂની સ્ટોરી બતાવી નવી નોકરી લેવી પડતી હોય તો તે આઉટ ડેટેડ છે. જો કે આ અહમ્ કે મિથ્યાભિમાન કરતાં મારી માન્યતા છે. સંભવ છે કે કદાચ તેમાં મારી જાત ઉપરનો વિશ્વાસ પણ હશે. અહિયાં જે મિત્રો કટિંગની ફાઈલ બનાવે છે તેને ઉતારી પાડવાનો ઈરાદો નથી. હું એવું માનું છું કે જે પોતાના વર્તમાનથી ખુશ નથી તેવા લોકો સતત પોતાના ભૂતકાળમાં જતા રહે છે અને તેની વાતો કર્યા કરે છે. આ માન્યતા બધા કિસ્સામાં લાગુ પડતી નથી. સ્ટોરીના કટિંગની ફાઈલ ભૂતકાળ તરફ લઇ જતી હોવાના કારણે તેવા પ્રયાસો મેં કર્યા ન હતા.             

     મને કાયમ સારા મિત્રો મળ્યા છે તેના માટે હું ઈશ્વરનો આભાર માનું છુ, કારણ કે મારી પ્રકૃતિને કારણે મારી નોકરી બદલાની ઝડપ ખૂબ હતી. હું જ્યાં પણ નોકરી એ ગયો ત્યાં મને કોઈક અજાણી મદદ મળતી આવી છે. જયારે હું ‘સંદેશ’માં હતો ત્યારે મારી ‘યહ ભી હૈ ઝિંદગી’ અને ગુસ્તાખી માફ’ ( જે હું મારા મિત્ર ઉર્વીશ કોઠારી સાથે લખતો હતો.) તેમજ ‘ક્રાઈમ ડાયરી’ ( જે અગાઉ મારા સિનિયર ભરત લખતરીયા લખતા હતા અને જેમની ગેરહાજરીમાં તે મારા ભાગે આવી હતી.) નામની કોલમ ચાલતી હતી. મેં તે કોલમનાં કટિંગ પણ કાપ્યાં ન હતાં. પણ ત્યાર બાદ હું ‘નવગુજરાત ટાઈમ્સ’માં જોડાયો ત્યારે મને ખબર પડી કે ત્યાં નોકરી કરતા સોલંકીભાઈ મારી કોલમના નિયમિત વાંચક હતા અને તેના કટિંગ પણ કાપતા હતા.જેના કારણે તે કોલમની ફાઈલ મારી પાસે ઉપલબ્ધ છે. ત્યાર પછી ‘નવગુજરાત ટાઈમ્સ’માં ‘એક મંત્રીની બે વાત’ નામની કોલમ શરુ કરી તેના કટિંગ મારા વડીલ મિત્ર જિતુભાઈ ભટ્ટે કાપી તેની ફાઈલ મને આપી હતી, તેના કારણે તેમને મારા ખજાનામાં વધારો કર્યો હતો

     ત્યાર પછી મને વર્ષો સુધી મને કોઈ કોલમ લખવાની તક મળી નહોતી,પરંતુ ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયા બાદ મારા પત્રકારત્વની શરૂઆતના સાથી શકીલ પઠાણે એડિટર શ્રવણ ગર્ગ પાસે જઈ એક કોલમની શરૂઆત કરવી હતી, જે ‘જીવતી વારતા’ના નામે શરુ થઈ. આ દરમિયાન બન્યું એવું કે મારા એડિટર શ્રવણ ગર્ગ પૂર્તિમાં કોઈ ક્રાઈમ સ્ટોરી લખી શકે તેવા લેખક-પત્રકારની શોધમાં હતા, પણ તેમને કોઈ નામ નહીં મળતા તેમણે મને તે જવાબદારી સોંપી હતી. તેના કારણે બીજા સપ્તાહથી ‘ક્રાઈમ સ્પોટ’ના નામે બુધવારની ‘કળશ’ પૂર્તિમાં તે કોલમ શરુ થઈ હતી, જે વાંચકોને ગમી અને તેમના પત્રો પણ આવતા હતા. ‘ક્રાઈમ સ્પોટ’માં મેં જયારે ધારાસભ્ય છોટુ વસાવા અંગે લખ્યું ત્યારે તેમને કંઈક બાબતે માઠું લાગ્યું હતું, જેના કારણે તેમને મારી ભરૂચ કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. જો કે તે અંગે છોટુભાઈને ક્યારેય રૂબરૂ મળવાનું થયું નથી, માટે તેમને ક્યાં ઠેસ પહોંચી તેની ખબર નથી. આ કોલમમાં અદાવાદના ડોન લતીફ અંગે લંબાણપૂર્વક સિરિયલ લખી. તેવી જ રીતે આર.ડી.એક્સ. પ્રકરણમાં ઈજ્જુ શેખ અંગે પણ ઘણા હપ્તા લખ્યા હતા. જો કે ત્યારે મારી કોલમ સામે કોઈને વાંધો ન હતો. હું ‘દિવ્યભાસ્કર’માં ક્રાઈમ રિપોર્ટિંગની સાથે ગોધરાકાંડ અને ત્યાર પછીનાં તોફાનોની તપાસ કરી રહેલા તપાસપંચના રિપોર્ટિંગનું પણ કામ કરતો હતો, તેમજ ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો તેની અગાઉ સુરતથી વિક્રમ વકીલન તંત્રી પદેથી પ્રસિધ્ધ થતા ‘હોટલાઈન’ સાપ્તાહિકમાં હતો. જયારે ગોધરાકાંડની ઘટના બની ત્યાર પછી અમદાવાદની પ્રિન્ટ મીડિયામાંથી ગોધરા પહોંચનાર હું પહેલો પત્રકાર હતો. ત્યાર પછી અમદાવાદમાં થયેલા તોફાનોનો સાક્ષી રહ્યો હતો, તેના કારણે મને લાગ્યું કે મેં એક પત્રકાર તરીકે જે જોયું છે અને અનુભવ્યું છે તે મારે ‘ક્રાઈમ સ્પોટ’ નામની કોલમ દ્વારા લોકો સામે મુકવું જોઈએ અને મેં તે કોલમમાં ગોધરાકાંડથી લઇ એક પછી એક ઘટનાઓ લખવાની શરૂઆત કરી. ગોધરા અંગે આઠ હપ્તા લખાઈ ચૂક્યા હતા. દરમિયાન હું બીમાર પડયો. મારા ઉપર એક શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી હતી એટલે પંદર દિવસ રજા પર જવું પડે તેમ હતું. મેં રજા ઉપર જતા પહેલા ‘ક્રાઈમ સ્પોટ’ અને ‘જીવતી વારતા’ના એડવાન્સ ત્રણ હપ્તા આપી દીધા હતા. હું નહોતો ઈચ્છતો કે મારી બીમારીને કારણે હપ્તામાં ભંગાણ પડે, પરંતુ હું રજા ઉપર ઉતર્યો ત્યરબાદ પ્રથમ બુધવારે મેં ‘કળશ’ પૂર્તિ હાથમાં લીધી ત્યારે મને ખબર પડી કે મારી ‘ક્રાઈમ સ્પોટ’ કોલમ જેમાં ગોધરાકાંડની વાત આવતી હતી તે બંધ કરી દેવામાં આવી હતી.

ગોધરાકાંડ અંગે માત્ર આઠ હપ્તા છપાયા બાદ મારી કોલમ બંધ થઈ પણ તપાસપંચ સમક્ષ અસરગ્રસ્તો વતી લડી રહેલા એડવોકેટ મુકુલ સિંહા એ મારા હપ્તા વાંચી મને તપાસપંચ સામે બોલાવવો જોઈએ તેવી અરજી આપી હતી, તેમજ કૉંગ્રેસ વતી હાજર રહેલા એડવોકેટ હીરાલાલ ગુપ્તાએ મારા કટિંગો રેકોર્ડ ઉપર લેવા માટે રજુ કરતા તે હપ્તાઓ રેકર્ડ ઉપર લેવામાં આવ્યા હતાં. મને તપાસપંચ દ્વારા એક સોગંધનામું રજુ કરવા નોટિસ આપવામાં આવી હતી પણ હું તેનો ભાગીદાર બનવા માંગતો નહોતો, કેમ કે મેં આખી સિસ્ટમને બહુ નજીકથી જોઈ હોવાથી સ્વાભાવિક છે કે મારો સિસ્ટમ ઉપર ખાસ ભરોસો ના હોય. તેના કારણે મેં સોગંધનામું કર્યું નથી. આ પુસ્તકમાં એવા કોઈ રહસ્યો કે ગુપ્ત માહિતી નથી કે જે ગોધરાકાંડની ઘટના માટે કોણ જવાબદાર હતું કે ત્યાર પછીના તોફાનો કોણે કરાવ્યા તેનો ઘટફોસ્ટ કરે. આ એક એવું પુસ્તક છે કે જેમાં મેં એક પત્રકાર તરીકે જે જોયું, અનુભવ્યું અને કેટલાક તારણો પર આવ્યો તેની વાત છે. સંભવ છે કે મારી વાત કે તારણો સાથે કોઈ સંમત ના પણ હોઈ, અથવા હું માનું છું કે તે ખોટું પણ હોય; એટલે કે આ પૂરું સત્ય રજુ કરતો દસ્તાવેજ છે તેવો મારો દાવો નથી. અહિયાં ક્યાંય પણ નરેન્દ્ર મોદીની તરફેણ કે વિરોધ કરવાની વાત પણ નથી, તેવી જ રીતે મુસ્લિમોની ટીકા કરવાનો પણ ઈરાદો નથી. છતાં કોઈને ઠેસ પહોંચે તો પહેલાથી ક્ષમા માંગું છું. મેં મારા પત્રકારત્વના અનુભવમાં પહેલી વખત આટલા વ્યાપક પ્રમાણમાં તોફાનો જોયા હતા, જેમાં અનેક વખત હું ડરી ગયો હતો અને લોકોની પીડા જોઈ રડી પડયો હતો. મેં અસર-ગ્રસ્ત હિંદુ-મુસ્લિમોને નજીકથી જોયા હતા. તેમને જોઈ મને આજે પણ વિશ્વાસ થતો નથી કે માણસ આટલો ક્રૂર હોઈ શકે. તોફાનો દરમિયાન હું અનેક હિન્દુ-મુસ્લિમ નેતાઓને મળ્યો, રાજકીય નેતાઓને નજીકથી જોયા તેમજ અમદાવાદના તત્કાલીન સયુંકત પોલીશ કમિશનર શિવાનંદ ઝાને કડકાઈથી કામ કરતા જોયા. આ દરમિયાન એક ખાનગી ગોળીબારમાં ઈશ્વરની કૃપાથી હું બચી ગયો. આવી અનેક નાની વાતો જે હું થોડા વર્ષો પછી ભૂલી જવાનો છું તે આ શ્રેણીમાં છે.

નિસ્બત, ઊંઘી ગયેલી માનવતાને જગાડવાની

        ૨૦૦૨-૨૭ ફેબ્રુઆરીના રોજ સાબરમતી એક્સપ્રેસના એસ ૬ ડબ્બાનું સળગવું અને તેના થોડા જ કલાકો બાદ રાજ્ય આખાનું સળગવું. અનેક વાડામાં વહેંચાયેલો એવો આપણો સમાજ હિન્દુ-મુસ્લિમ થઈ ગયો. સતત ત્રણ મહિના સુધી રાજ્યમાં ટોળાશાહી ચાલી. કાયદો અને વ્યવસ્થા ઈન્ડિયન પીનલ કોડના ચોપડામાં બંધ હતા. ગોધરા હોનારત અને પછી થયેલા તોફાનોએ દુનિયા આખીનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રીત કર્યું. કંઈક કેટલાય પત્રકારોના કાફલા રાજ્યમાં ઉતરી આવ્યા. કેટલાય વિદ્વાનો આ તોફાનોના કારણો અને પરિબળોને તપાસવા લાગ્યા. ગુજરાતમાં તોફાનોને લઈને દેશમાં મોટાભાગના બૌદ્ધિકોએ ગુજરાતની સામાજીક, આર્થિક, રાજકીય અને મનોવૈજ્ઞાનીક પરિસ્થિતિનો તાગ મેળવતા લખાણો લખ્યા. મોટાભાગનું લખાણ આર્મચેર પ્રકારનું હતું. મોટા-જાડા થોથા, પાના ભરીને લખાયેલા પુસ્તકોના લેખકોમાંથી ભાગ્યે જ કોઈએ ગુજરાતના તોફાનગ્રસ્ત એરિયાની મુલાકાત લીધી હતી. કેટલાક કિસ્સાઓ તો મને એવા પણ યાદ છે કે લેખકોએ દસ દિવસની ટૂંકી યાત્રામાં જ ગુજરાતની પરિસ્થિતિ પર પુસ્તકો લખ્યા હોય.

અહીં આ થોડી આ પૂર્વભૂમિકા બાંધાવાનો તર્ક છે, એ તર્ક એટલે પ્રશાંત દયાળનું પુસ્તક '9166 અપ'. આ પુસ્તક નથી કોઈ વિધાતાનો દાવો કરતું, કે નથી કોઈ થિયરીઓનો. દોઢેક દાયકાથી ગુજરાતના રાજકારણને સમજતા અને શહેરને નજીકથી ઓળખતા એક ક્રાઈમ રિપોર્ટરે મહિના દરમિયાન જે જોયું જાણ્યું અને જે અનુભવ્યું તેનું એક બયાન છે. નાની પણ મહત્વની માહિતીઓ આ પુસ્તકમાં ઠાંસીઠાંસીને ભરી છે. એક રિપોર્ટરની સ્ટોરીમાં હોય છે તેટલી ઝીણવટ આ આખાય પુસ્તકમાં જોવા મળે છે જે અહીં મેરાન્યૂઝ પર શ્રેણી બદ્ધ રીતે રજુ કરવામાં આવશે. તોફાનો પર લાખો શબ્દો લખાયા, છતાં કેટલીય એવી માહિતી આ શ્રેણીમાં જાણવા મળે છે જે વાચકો માટે નવી હશે. આવી જ એક વાત એટલે ૨૭ ફેબ્રુઆરીના રોજ ગોધરા સ્ટેશને બનેલી ઘટનાઓનું પ્રશાંત દયાળે આ પુસ્તકમાં કરેલું વર્ણન, 'હું સ્ટેશને પહોંચ્યો ત્યારે આખું પ્લેટફોર્મ સૂમસામ હતું. એકાદ-બે ભિખારીઓ સિવાય ત્યાં કોઈ ન હતું. ફિલ્મના શૂટિંગ માટેના સેટ જેવું ગોધરા સ્ટેશન મને લાગ્યું.' તેઓ આગળ લખે છે કે, 'સ્ટેશનની બહાર કેટલાક મુસ્લિમ બાળકો ક્રિકેટ રમતા હતા. એ જ જગ્યાએ જ્યાં વિશ્વ આખાનું ધ્યાન હતું.' આવી તો કંઈ કેટલીય વાતો, એ સમયની લોકોની માનસિક્તા અને વાતાવરણને આ શ્રેણીમાં છતા થયા છે. તોફાનોમાં માર્યા ગયેલા લોકોની અસંખ્ય લાશો પણ આ રિપોર્ટરે જોઈ છે. બળેલા ઘર, અડધું ભાણું, છાતિએ ચાંપેલા બાળકો સાથેની માતાની લાશો. આંસુ વગરની સુકાયેલી આંખો, તોફાનનો ભોગ બનેલા ગરીબ બાળકોની વાતો. બધું એટલી વાસ્તવીક રીતે શ્રેણીમાં દર્શાવાયું છે કે, વાંચતા કેટલીકવાર ભારત-પાકિસ્તાનના ભાગલા વખતની શઆદતહસન મન્ટોની વેધક વાર્તાઓ યાદ આવી જાય. તે પછી ભલે નરોડા પાટિયામાં રહેતો બ્રેડ વાળો નઈમ શેખ કે જેણે પોતાના ઘરના છ જણને પોતાની આંખ સામે સળગતા જોયા, કે પછી દેવગઢ બારિયાની ગર્ભવતી સીમનની વાત હોય. બધું વાંચતા કેટલીયવાર અસ્વસ્થ થઈ જવાય તેવું છે.

વર્ષોથી પત્રકારત્વમાં સક્રિય પ્રશાંતનો રાજ્યના લગભગ દરેક મોટા પોલીસ અધિકારીઓ સાથે પરિચય હતો. પોલીસની કામ કરવાની પદ્ધતી અને તેમની માનસિક્તા પણ પ્રશાંતે વિસ્તારથી આલેખી છે. તેમાં પોલીસે કરેલા પ્રાઈવેટ ફાયરિંગથી લઈને સામાન્ય કોન્સ્ટેબલને સતાવતી પોતાના ઘરની ચિંતા જેવી વાતો સમાવવામાં આવી છે. પ્રશાંતે પુસ્તકમાં એક કરતાં વધારે વખત એવો ઉલ્લેખન કર્યો છે કે, પોલીસ તેમના અધિકારીઓ કરતાં જે-તે વિસ્તારના ધારાસભ્યો અને રાજકારણીઓનું વધારે સાંભળતા હતા. તત્કાલીન ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેની પણ ઘણી વાતો આ શ્રેણીમાં છણાવટથી કરી છે, જેઓ તોફાનો દરમિયાન અમદાવાદના કમિશનર હતા.

માત્ર અમાનવીય ક્રુરતા અને તોફાનના જ વર્ણનો આ શ્રેણીમાં છે તેવું માની લેવાની ભૂલ કરતાં નહીં. આ શ્રેણીમાં માનવતાનો સાદ સાંભળીને જે લોકોએ ધર્મથી ઉપર જઈને બીજી કોમના લોકોની મદદ કરી હોય તેવા પણ ઉદાહરણો આપવામાં આવ્યા છે. ચિંતન જાનીએ પોતાના મિત્ર સાજીદને એકદમ કડક એવા હિન્દુ વિસ્તાર નારણપુરામાં રાખીને પરીક્ષા અપાવી હોવાનો કિસ્સો ઘણો પ્રેરક છે. તેની સામે ઉદાર મુસ્લિમોની કફોડી સ્થિતિ પણ આ શ્રેણીમાં ટપકાવામાં આવી છે. મુસ્લિમ અધિકારીઓએ અનુભવેલો ડર એ વખતના તોફાનનો સ્કેલ આપણી સમક્ષ ત્વરિત ઊભો કરે છે, તો તેની સામે કેટલાક કોંગ્રેસી નેતાઓએ પાર્ટી લાઈનથી વિપરિત જઈને કટ્ટર હિન્દુઓને કરેલી મદદ હોય કે ભાજપના તત્કાલીન પ્રદેશ પ્રમુખ રાજેન્દ્ર રાણાએ ભાવનગરના તે વખતના ડીએસપી રાહુલ શર્માને કહીને ૪૦૦ મુસ્લિમ બાળકોને બચાવવાનો કિસ્સો હોય, બધાને બખૂબી આંગળીના ટેરવાઓમાં સમાવવામાં પ્રશાંત સફળ થયા છે. તોફાનને કાળા-ધોળામાં જોવા કરતાં પ્રશાંતે તેની અંદર એક માનવીય અભિગમ ઉમેરીને તેનું વિશ્લેષણ કરેલું દેખાય છે. તેમણે કોઈ ચશ્મા પહેરીને આ શ્રેણી નથી લખી. રોજીંદા વ્યવહારમાં ધાર્મિક એવા પ્રશાંત દયાળનો પહેલો ધર્મ છે પત્રકારત્વ અને તે આ શ્રેણીમાં તે ચુક્યા નથી તેવું સ્પષ્ટ થાય છે. શ્રેણીમાં પ્રશાંત લખે છે કે પત્રકારને પત્રકારત્વ સિવાય બીજો કોઈ ધર્મ હોય ખરો? એ વાત પ્રસિદ્ધ સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ લિખિત 'તત્ત્વમસિ' પુસ્તકના સંવાદ, 'ધર્મને કોઈ નામ થોડું હોય?'ની યાદ અપાવી જાય છે. બને ત્યાં સુધી પ્રશાંતે વાસ્તવિક પરિસ્થિતિને એક પત્રકારની અને માનવતાની નજરથી જોવાનો પ્રયત્ન કર્યો છે. સાવ એવું પણ નથી કે તેમણે આ તોફાનોની કોઈ થિયરી અંગે શ્રેણીમાં કોઈ ચર્ચા નથી કરી. તેમની સાથે બધા સંમત હોય તેવું પણ નથી, પરંતુ આ તમામ ઘટનામાં માનવીય અભિગમ તેમણે ક્યાંય છોડ્યો નથી. પ્રશાંત પાસે આજે પણ તોફાનોના કેટલાય પ્રશ્નોના જવાબો નથી. તેમનું શ્રેણી લખવા પાછળનું મૂળ કારણ એ છે કે, આપણે આટલા ક્રૂર કેમ થઈ ગયા છીએ? ભૂકંપ વખતે જે લોકોએ ખભેથી ખભા મીલાવીને કામ કર્યું તે જ લોકો આમ અચાનક 'હિન્દુ-મુસ્લિમ' કઈ રીતે થઈ ગયા? હાલ પણ સમાજોમાં ઘણા વિભાજનો કેમ થઈ ગયા છે? તેનો તાળો હાલમાં તો કોઈની પાસે નથી. પ્રશાંતે આ તાળો મેળવવા માટે છેલ્લે કેટલાક લોકો સાથે વાત પણ કરી અને તેમની મુલાકાતોને છેલ્લા પ્રકરણમાં સમાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. '૯૧૬૬ અપ' એ તોફાનોના બયાનના દસ્તાવેજ જેવું કામ છે. પ્રશાંત પાસે લખાણની કોઈ વિશિષ્ટ શૈલી કે ભાષાનો વૈભવ નથી, પરંતુ તેના શબ્દોમાં સચ્ચાઈ છે. સચ્ચાઈથી કરેલું બયાન તે ચિરકાલીન હોય છે. શ્રેણી વાંચતા-વાંચતા સૌમ્ય જોશીનું નાટક 'દોસ્ત ! ચોક્કસ અહીં નગર વસતું હતું'નું ગીત વારંવાર યાદ આવ્યા કરતું હતું.

'આ નગર ઊંઘી ગયું છે.

હા, નગર ઊંઘી ગયું છે.

આ નગર ઊંઘી ગયું છે, પણ નગરને ઊંઘમાં ય ચાલવાની ટેવ છે

હાથ ચાલે, શ્વાસ ચાલે, વાત ચાલે

ભાન છે નહીં તો ય સાલા કાન ચાલે

ને મગજમાં બંધનું એલાન ચાલે.

ઊંઘ પથ્થર, ઊંઘ ખંજર, ઊંઘ બળતા કાંકડા

ઊંઘ નામે રોજ છાપે વધતા આંકડા

ઘેનની ચકચૂર શીશી કોણ આ સૂંઘી ગયું છે

આ નગર ઊંઘી ગયું છે.'

નાટકના ગીત અને પ્રશાંતની શ્રેણીની નિસબત એક સરખી છે અને એ છે ઊંઘી ગયેલા આપણા શહેરને, રાજ્યને અને લોકોની ઊંઘેલી માનવતાને જગાડવાની. આશા રાખીએ કે પ્રશાંત તેમના પ્રયત્નોમાં સફળ થાય. – આશિષ વશી (ગાંધીનગર)

આ સમગ્ર ઘટનાક્રમને તમે શ્રેણી રુપે અહીં meranews.com પર વાંચી શકશો.