ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): પર્યાવરણના નિયમો વધૂને વધુ કડક બની રહ્યા હોવા છતાં, વૈશ્વિક ઓટોમોટિવ ઉધ્યોગમાં રિફાઈન્ડ સીસાની માંગમાં સતત વૃધ્ધિ જળવાશે. સીસાના ભાવ વધી રહ્યા છે, બરાબર એજ ટાંકણે જગતના કેટલાંક ભાગોમાં ઑટોમોટિવ લીડ આધારિત બેટરીના વિકલ્પો શોધાવા લાગ્યા છે. છતાં બેટરી સપ્લાય ચેઇનમાં સીસાની સપ્લાય મેળવવામાં ભારે સંઘર્ષ કરવો પડે છે. અલબત્ત, લેડ સ્ક્રેપની ઉપલબ્ધિ વધી હોવાથી મોટાભાગની સ્મેલટરો ઊંચા ઉત્પાદનદરે પ્રોડક્શન વધારી રહ્યા છે.

ગુરુવારે એલએમઈ ત્રિમાસિક લેડ વાયદો સહેજ ઘટીને ૨૧૮૧ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. આ અગાઉ ૭ મે એ વાયદો ૧૮ મહિનાની ઊંચાઈએ ૨૨૫૮ ડોલર હતો, જોકે ૧૯ ઓકટોબર ૨૦૨૦ના રોજ ભાવ બાવન સપ્તાહની નીચી સપાટીએ ૧૭૪૭ ડોલર મુકાયા હતા. લેડ (સીસું)એ પોચી, પીગળી સકતી, તેને ગમ્મે તે પ્રકારે ઢાળી શકાય તેવી ધાતુ છે. તે જિંક, ચાંદી અને કોપર ખાણોમાંથી ઉપલબ્ધ થાય છે. કૂલ ઉત્પાદનના ૮૦ ટકા સીસું, બેટરી ઉત્પાદનમાં વપરાય છે.

ફિચ સોલ્યુશન એજન્સી એપ્રિલ સુધીનો બજાર અભ્યાસ કરીને આ વર્ષના લેડના ભાવની વાર્ષિક સરેરાશ આગાહી ૧૯૫૦ ડોલરથી વધારીને ૨૦૫૦ ડોલર કરી હતી. લાંબાગાળાની આગાહીમાં તેમણે કહ્યું હતું કે આગામી વર્ષે સરેરાશ ભાવ ૨૧૧૩ ડોલર રહેશે. અલબત્ત, ઇલેક્ટ્રિકલ વહીકલ માટે લિથિયમ બેટરીનો વપરાશ વધશે, પણ તે રેર-અર્થમેટલ હોવાથી તેની અછતનો ખાડો આગામી દાયકામાં લેડ બેજ બેટરી દ્વારા પૂરો કરવાનો રહેશે.

Advertisement


 

 

 

 

 

લીથીયમની તીવ્ર અછત અને જબ્બર માંગને લીધે વર્તમાન વર્ષમાં જ ભાવ ૯૦ ટકા વધીને ૯૧,૦૦૦ ડોલરની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. ખાણ અને મેટલ આધારીત રિસર્ચ કરતી એજન્સી, વૂડ મેકેનજીએ તેના અહેવાલમાં કહ્યું હતું કે કાચી લેડની સતત અછત જવાઈ રહેતા, ભાવ હકારાત્મક દિશામાં આગળ વધતાં રહેશે. લેડના ભાવ મેમાં મજબૂત રીતે વધ્યા પણ તેને કોઈ ફંડામેન્ટલ્સ આધાર ન હતો.        

અન્ય ધાતુઓ જડપથી ઉપર ગઈ, ત્યારે લેડ સાવ રિસામણે હતી, ખેલાડીઓની નજર તેના પર પડી અને મીદાસ-ટચ મળી ગયો. અલબત્ત, લેડના ભાવ વધવાની સ્પીડ અને મજબૂત થયેલી તેજીથી ઘણાને આશ્ચર્ય થયું હતું. વૂડ મેકેનજી કહે છે કે ગતવર્ષે પણ મે મહિનામાં ભાવ અચાનક અને વેગથી વધ્યા હતા. તેઓ કહે છે કે ખાસ કરીને દક્ષિણ અમેરિકામાં કોરોના મહામારીને લીધે ખાણકામ અટકી પડ્યા, તેને લીધે પુરવઠા અછત સર્જાઇ અને ભાવને ટેકો મળી ગયો હતો. 

આંતર-સરકારો દ્વારા રચિત ઇન્ટરનેશનલ લેડ એન્ડ જિંક સ્ટડી ગ્રુપની આગાહી છે કે આ વર્ષે ચીનની લેડ માંગ પાંચ ટકા વધશે. અન્ય સામ્યવાદી દેશોની માંગ ૩ ટકા વધશે. સ્ટડી ગ્રૂપનું અનુમાન છે કે ભારત, યુરોપ, જપાન, અને સાઉથ કોરિયમાં ઉપયોગિતા વધતાં, રિફાઈન્ડ સીસાની આ વર્ષની માંગ ૧૧૭ લાખ ટન રહેશે. 

Advertisement


 

 

 

 

 

બરાબર આ જ સમયે જાગતિક સીસા ખાણના ઉત્પાદમાં ૪૭.૧ લાખ ટનનો વધારો થશે, પરિણામે રિફાઈન્ડ લેડની સપ્લાય વધીને ૧૨૦.૭ લાખ ટન રહેશે. ગ્રૂપનું માનવું છે કે આ વર્ષે ભારતમાં સીસાની માંગ ૯.૬ ટકા, જપાન ૧૦.૬ ટકા, સાઉથ કોરિયા ૧૨.૨ ટકા અને યૂરોપમાં ૭ ટકા જેટલી વધતાં સાર્વત્રિક વૈશ્વિક માંગ સરેરાશ ૪ ટકા વધવાની આગાહી છે.       

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)