પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હૈદરાબાદમાં દુષ્કર્મ કરનાર ચારે આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, જ્યારે આ ઘટનાની જાણકારી સામાન્ય માણસ સુધી પહોંચી ત્યારે બધા જ તેને ન્યાયી ઠેરવી રહ્યા છે પોલીસે બરાબર કર્યું તેવું બધા જ માને છે. આપણે ત્યાં જે વ્યવસ્થા છે તે પ્રમાણે પોલીસે કાયદાનો અમલ કરાવવાનો છે અને કાયદો તોડનારને અદાલતમાં રજુ કરી તેને સજા મળે તેવી કાર્યવાહી કરવાની છે, અદાલતે આરોપીને કડકમાં કડક સજા અને તે પણ સમયસર સજા આપી ગુનેગારોમાં ડર અને  સામાન્યજનો કાયદામાં વિશ્વાસ યથાવત રહે તેવી કાર્યવાહી કરવાની હોય છે પણ તેવું થતું નથી ત્યારે ન્યાયનો અર્થ સરતો નથી, સામાન્ય માણસનો કાયદા ઉપરથો ભરોસો ઉઠી જાય તો સમજાય પણ કાયદાના રખેવાળ પોલીસને જ્યારે લાગે કે કોર્ટ લાચાર છે અને કાયદો પાંગળો છે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરી જાતે જ ન્યાય કરવા લાગે છે, પ્રજા ભલે આ પગલાને આવકારતી હોય છે પણ તે એટલી જ જોખમી બાબત પણ છે.

ગુજરાત સહિત દેશભરની પોલીસ એન્કાઉન્ટર્સ કરે છે, પણ બધા જાણે છે કે 99.99 ટકા પોલીસ એન્કાઉન્ટર્સ ખોટા હોય છે, ગુજરાત પણ આવા બે પ્રકારના સમયમાંથી પસાર થયુ પહેલા તબ્બકામાં અમદાવાદમાં લતીફ ગેંગનો આતંક હતો, અબ્દુલ લતીફ સહિત આલમઝેબ, રાજુ રીસાલદાર, મહેન્દ્રસિંહ રાઠોડ, સુભ્રમણ્યમ ઘેટીયો, અબુ કાલીયા વગેરે અનેક નામચીનોને પોલીસે ઠાર માર્યા હતા. આ તમામ એન્કાઉટરો નકલી જ હતા, પણ ત્યારે પણ પ્રજાએ કહ્યું બરાબર થયું, ગુજરાતના આ એવા ગેંગસ્ટર્સ હતા જેમણે સામાન્ય લોકોનું જીવવુ ખરામ કરી નાખ્યું હતું, પોલીસ તેમને કોર્ટમાં રજુ કરતી, કોર્ટ પુરાવા માગતી અને ફરિયાદી અને સાક્ષીને પોલીસ અને કોર્ટ કરતા ગુંડાની બીક લાગતી જેના કારણે કોર્ટમાં સાક્ષીઓ ફરી જતા અને ગુંડાઓ છુટી જતા હતા.

આવી તમામ ઘટનાઓ વચ્ચે સૌથી વધુ નિરાશા પોલીસને મળતી હતી. આ ગુંડાઓને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ પોતાનો જીવ દાવ ઉપર લાગડતી, રાત દિવસના ઉજાગરા કરતી અને મહિનાઓની મહેનત પછી વર્ષો પછી કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતો ત્યારે કોર્ટ પુરાવા નથી, તેવા આધારે ગુંડાઓને છોડી મુકતી હતી. સતત જ્યારે આવી સ્થિતિઓનું નિર્માણ થતુ રહે છે ત્યારે ખુદ પોલીસ જ માનવા લાગે છે કે ન્યાય બોદો થઈ ગયો છે, જે સામાન્ય માણસને દેખાય છે તે આંખે પાટે બાંધેલી ન્યાયની દેવીને દેખાતુ નથી, પોલીસ જ્યારે નિરાશ થાય ત્યારે કાયદાની પરવા કર્યા વગર જાતે ન્યાયાધીશ બની પોતાની બંદુક વડે ન્યાય તોળવા બેસી જાય છે, સામાન્ય માણસના મતે આ યોગ્ય હોય છે પણ યોગ્ય અને અયોગ્યતા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે જે ક્યારે પાર થઈ જાય છે તેની ખબર પડતી નથી.

પ્રજા અને માધ્યામો જ્યારે પોલીસને નકલી એન્કાઉન્ટરને બહાદુરીમાં ખપાવવા લાગે છે ત્યારે પોલીસ અધિકારીઓ તેનો ગેરફાયદો પણ ઉપાડે છે. પછી પોલીસ ક્યારે પૈસા માટે તો કયારેક નેતાઓને ખુશ કરવા તો કયારેક અંગત હિસાબ પુરા કરવા નકલી એન્કાઉન્ટર્સ શરૂ કરે છે, લતીફ અને રીસાલદારના નકલી એન્કાઉન્ટર હતા, પણ આ એન્કાઉન્ટર્સ જનમાનસમાં ઉભા થયેલા સરકાર સામેના ગુસ્સાને ઠારવા માટે થયા હતા, આવુ હૈદરાબાદના કેસમાં પણ થયું છે, જો કે તેમાં પોલીસનો મલીન ઈરાદો નથી, પણ ત્યાર બાદ આપણે ગુજરાતમાં જોયું કે 2005 પછી થયેલા પોલીસ એન્કાઉન્ટર્સમાં પોલીસે મુસ્લિમો ગુંડાઓને મારી આતંકી જાહેર કર્યા હતા, આ એન્કાઉન્ટર્સમાં પોલીસનો સ્વાર્થ અને રાજકીય મલીન ઈરાદો હતો.

આવુ હમણાં ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યું છે ઉત્તર પ્રદેશ પોલીસ પણ અસંખ્ય એન્કાઉન્ટર્સ કરી રહી છે. ભુતકાળમાં મુંબઈ પોલીસમાં જે બહાદુર પોલીસ અધિકારીઓ અને એન્કાઉન્ટર એકસપર્ટ પોલીસ અધિકારીઓ ગણાય છે. તેઓ રીતસર વિરોધી ગેંગ પાસે હરિફ ગેંગના ગુંડાને મારવાની સોપારી લેતા હતા અને બીજા દિવસે તે ઘટના એન્કાઉન્ટરમાં ખપાવી દેવામાં આવતી હતી. આ બાબત અત્યંત જોખમી છે કાયદાના રખેવાળ પોલીસનો જ કાયદામાં ભરોસો રહે નહીં તો દેશની કોર્ટે પોતાના વિશે વિચાર કરવાની જરૂર છે.