રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુનેગારો છેતરપિંડી કરે તે સહજ છે; પરંતુ સરકાર બેરોજગાર યુવાનો/યુવતીઓ સાથે છેતરપિંડી કરે તો શું કહેવું? મારા મિત્ર ભૂષણ જીકારે વ્હોટસએપ ઉપર એક વીડિયો શેર કર્યો છે, તે જોઈને મન ગુસ્સાથી/આક્રોશથી ભરાઈ ગયું.

રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા 35000 નોન ટેકનિકલ પોસ્ટ માટે 1 માર્ચ 2019 ના રોજ ઓન લાઈન ફોર્મ ભરવાનું શરુ થાય છે. જેમાં 1,26,30,885 ફોર્મ ભરાય છે. ત્યારબાદ 12 માર્ચ 2019ના રોજ RRB-રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ ગ્રેડ-D રિક્રૂટમેન્ટ માટે ફોર્મ ઓન લાઈન ભરવાની જાહેરખબર બહાર પડે છે; તેમાં 1,03,769 વેકેન્સી હતી, જેમાં 1,15,67,242 ફોર્મ ભરાય છે. બન્ને પોસ્ટ માટે કુલ 2,41,98,133 ફોર્મ ભરાયા. ઓપન કેટેગરી માટે 500 રુપિયા ફી હતી.

એટલે તેના 12,099,066,500 રુપિયા થાય. રિઝર્વ કેટેગરી માટે 250 રુપિયા ફી હતી; એટલે તેના 6,049,533,250 રુપિયા થાય. બધા ઓપન કેટેગરી કે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો ન હોય. પરંતુ 1000 કરોડથી વધુ રુપિયા માર્ચ-એપ્રિલ, 2019 સુધીમાં સરકાર પાસે આવી ગયા હતા. સપ્ટેમ્બર, 2019માં પરીક્ષા યોજાવાની હતી, પરંતુ ફેબ્રુઆરી, 2020 સુધી આ પરીક્ષા યોજાઈ નથી ! યુવાનો ચિંતામાં છે; પરીક્ષા ક્યારે યોજાશે ? બે કરોડ કરતા વધુ બેરોજગારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે અને પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. સ્વપ્ન સાકાર થશે, એવી આશામાં યુવાનો ગૂંથાઈ ગયા છે. 1000 કરોડ વસૂલ લઈ લીધા પછી પણ આ બે કરોડ યુવાનોની સરકારને કોઈ ચિંતા નથી! CAA-Citizenship (Amendment) Act, 2019 એક દિવસમાં લોકસભામાં પસાર થઈ જતો હોય તો આ બે કરોડ યુવાનોની ચિંતા કેમ થતી નહીં હોય? NCRB-નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ દર 2 કલાકે 3 બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે!

કોચિંગ ક્લાસવાળાને મજા પડી ગઈ છે. એક પછી એક બેચ શરુ કરતા રહે છે, યુવાનો નોકરીની આશામાં બેચ જોઈન કરતા રહે છે ! 500 ની ફી ભરનારા ગાડી-બંગલાવાળા નથી; સામાન્ય ઘરના યુવાનો છે; એની ચિંતા કેમ કોઈને નથી? 1000 કરોડ નાની રકમ નથી; આટલી રકમ લઈને આવી છેતરપિંડી કરવાની? યુવાનો/યુવતીઓને, ક્યાં સુધી દેશભક્તિ/રાષ્ટ્રવાદના નશામાં રાખશો? મુસ્લિમોનો ડર/પાકિસ્તાનનો ડર બતાવીને કે ‘મંદિર વહી બનાયેંગે’/‘વંદે માતરમ્’/ ‘ભારતમાતા કી જય’/‘ગાયમાતા કી જય’/‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈં’ વગેરે સૂત્રો દ્વારા ક્યાં સુધી આ બે કરોડ યુવાનોને છેતરશો?

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે)