મેરાન્યૂઝ નેટવર્ક.ઊનાઃ 25 જૂન 1975ની મધરાતે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ 352 હેઠળ કટોકટીની જાહેરાત કરતાની સાથે જ દેશભરમાં અનિશ્વિતકાળ સુધી ભારતીય નાગરિકો પાસેથી તેમના મૂળભૂત અધિકારો છીનવી અને પ્રસાર માધ્યમો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધીના 21 માસના સમયગાળાને આઝાદ ભારતના ઇતિહાસમાં રાષ્ટ્રના સૌથી કાળા સમય તરીકે ઓળખવામાં આવે છે.

કટોકટી વેળાએ કંઈ કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ વેશપલટો કરીને નાના કસ્બાઓ અને ગામડાઓમાં ફરવા લાગેલા. ત્યારે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વેશ પલટો કરીને ઊના જેવા કસ્બામાં પોતાની જાતને કઈ રીતે છૂપાવી તેની રોચક વાત આજે 46 વર્ષના વાણા વાઈ ગયા પછી ઊના નગરપાલિકાના પૂર્વપ્રમુખ તેમજ ઊના શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વપ્રમુખ અને સિંધી સમાજના વરિષ્ઠ આગેવાન શિવનદાસ પિંતાબરદાસ આસવાણી તેમની સાથેના સંસ્મરણોને વાગોળે છે.

ગુજરાત રાજ્યમાં કટોકટી દરમિયાન કોંગ્રેસના વિરોધપક્ષોની મિશ્ર સરકાર સત્તારૂઢ હતી. રાષ્ટ્રના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો ન હતો તે પૂર્વે જનસંઘ હતું અને શિવનદાસ આસવાણી ઊના જનસંઘના પ્રમુખ તરીકે કાર્યરત હતા. તે સમયે ઊના નગરપાલિકામાં શિવનદાસ આસવાણી તેમજ તેમના ભાઇ હોતચંદ આસવાણી અને અમૃતલાલ શાહ સહિત એમ કુલ ત્રણ સદસ્યો જનસંઘના પ્રતિક ‘દિપક’ ઉપર ચૂંટાયેલા હતા.

Advertisement


 

 

 

 

 

આપાતકાલના એ દિવસોને યાદ કરી તેઓ જણાવે છે કે, વ્યક્તિગત જોખમની પરવા કર્યા વિના લોકતંત્રને પુન:સ્થાપિત કરવા રાષ્ટ્રને પોતાનું જીવન સમર્પિત કરનારા નરેન્દ્રભાઇ મોદી ઊના આવ્યા ત્યારે 25 વર્ષના નવયુવાન કાર્યકર હતા. હજુ તો તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કામ કરવાની શરૂઆત જ કરી હતી. ઊનામાં તેઓ કટોકટીની વિરૂદ્ધનું સાહિત્ય અને પત્રિકાઓનું વિતરણ કરી ઈમરજન્સી વિરૂદ્ધ લોકજુવાળ ઊભો કરી રહ્યાં હતા.

ઊનામાં જનસંઘ માટે એક જ સરનામું હતું, શિવનદાસ આસવાણીનું ઘર. નરેન્દ્રભાઇ મોદી પણ ઊનામાં શિવનદાસ આસવાણીના ઘરે લગભગ દશેક દિવસ રહ્યા હતા. તે સમય અંતર્ગત તેઓ ઊનાની ખાઈ બજારમાં આવેલી તેમની ગુરૂનાનક કટલેરીની દુકાને લોકો સાથે બેઠકો યોજતા હતા.

દશે'ક દિવસ દરમ્યાન પોતાના ખીસ્સા-ખર્ચી અને જે જનસંઘીના ઘરે રહ્યા હોય તેમને બોજ ન પડે તે માટે ખુદ્દાર સ્વભાવ ધરાવતા નરેન્દ્રભાઇ મોદીએ ચાર-પાંચ દિવસ ઊનાની બજારોમાં અગરબત્તી પણ વેંચી હતી તેમ શિવનદાસ આસવાણીએ ભાવુક હૃદયે જણાવ્યું હતું.

કટોકટી સમયે ઊનામાં વાતાવરણ આમ તો પ્રમાણમાં શાંત હતું, તેમ છતાં પણ લગભગ ચારેક લોકોની ધરપકડ થઈ હતી. જેથી નરેન્દ્રભાઇ મોદી કોઈને ખ્યાલ ન આવી જાય તે હેતુથી ઊના નજીક આવેલા સીમર સ્થિત જગજીવન આશ્રમ જતા રહ્યાં. ત્યાંથી પણ તેઓ સમયાંતરે સવારે બસમાં ઊના આવી અને કટોકટી વિરૂદ્ધ લોકજાગૃતિની ચર્ચાઓ અને સાહિત્ય વિતરણ કર્યા બાદ લોકોને મળીને સાંજે આશ્રમમાં જતા રહેતા હતા.

Advertisement


 

 

 

 

 

કટોકટીના ગાળામાં એકાદ મહિનો જેટલો સમય ઊનામાં પસાર કર્યા બાદ નરેન્દ્રભાઇ મોદીએ લોકજાગૃતિ માટે જૂનાગઢ જવાની ઇચ્છા દર્શાવતા જનસંઘની પ્રણાલી પ્રમાણે આ લોકોએ ટીફીન સાથે આપી, ટીકીટ લઈ દઈ અને ઊના-જૂનાગઢની બસમાં બપોરે ત્રણ વાગે તેમને રવાના કર્યા હતા.

આમ, વર્તમાન વડાપ્રધાનની કટોકટીના સમયમાં ઊનાના સંનિષ્ઠ કાર્યકરોએ તેમને દરેક રીતે સહયોગી બન્યા હતા. જેનું ઋણ તેઓ આજે પણ ભૂલ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ જ્યારે તેઓ શિવનદાસ આસવાણીને મળ્યા હતા ત્યારે તેમણે વિતાવેલા ઊનામાં કટોકટી સમયના જુના દિવસો યાદ કર્યા હતા. સાથે-સાથે જ્યારે આજે પણ નરેન્દ્રભાઇ મોદી સિંધી સમાજને મળે છે ત્યારે એ લોકોને કહે છે કે “મૈંને સિંધી કી રોટી બહોત ખાયી હૈ.”

(વિશેષ અહેવાલ: કમલેશ જુમાણી, ઊના)