સુબ્હાન સૈયદ (મેરાન્યૂઝ.અમદાવાદ) : પાંચમા લોકડાઉનમાં ગુજરાત રાજ્યમાં મહદંશે બધી છૂટછાટ આપી દેવાઈ છે. જોકે સરકાર આ છૂટછાટ સાથે લોકોને કેટલું રાહત પેકેજ આપશે તેની કોઈ જાહેરાત કરી નથી. જે વિસ્તાર લાંબા સમય સુધી કન્ટેનમેન્ટ ઝોન રહ્યા અને ત્યાં લોકોનું આર્થિક તંત્ર ત્યાં ખોરવાઈ ગયું ત્યાં પણ કોઈ વિશેષ રાહત પેકેજ આપવાની જાહેરાત થઈ નથી.

વીજળી બિલની માફી અંગે પણ સરકારે મૌન સેવ્યું છે. ગુજરાતના શહેરોમાં જ્યાં ધંધા-રોજગાર-વેપાર ઠપ્પ હતા ત્યાં મધ્યમ-ગરીબ વર્ગની આર્થિક રીતે કમર તૂટી ચૂકી છે. રોજેરોજનું કમાઈને ખાનારાઓ માટે ત્રણ મહિના સુધી કામધંધા ન હોવા એ મરણતોલ ફટકા સમાન હતું. આ સ્થિતિમાં સરકાર વીજળી બિલ અંગે પણ કોઈ રાહત આપી નથી. દિલ્હી સરકાર અને અન્ય રાજ્યોની સરકાર જ્યારે પ્રજાના સુખાકારીનો ખ્યાલ રાખીને રાહત પેકેજ આપી રહી છે.

ત્યારે રાજ્ય સરકાર તે તરફ કોઈ જ પગલું લઈ રહી નથી. કેન્દ્ર સરકારે ભાડૂઆત પાસેથી ભાડૂ ન લેવાની અપીલ કરી હતી, વેપાર-ઉદ્યોગ ધંધાઓને કર્મચારીઓના પગાર નિયમિત કરવાની ભલામણ કરી હતી, પરંતુ પોતાના તરફથી જે કંઈ કરવાનું આવ્યું તેમાં બિલકુલ નિરુત્સાહી વલણ દાખવ્યું છે. આ સંજોગોમાં અમદાવાદના કેટલાંક વિસ્તારમાં લોકોએ ગત મહિનાના આવેલા બિલની હોળી કરીને બિલ ન ભરવા માટે સરકારનું ધ્યાન ખેંચ્યું છે. જોકે પૂરા મહામારી કાળ દરમિયાન સરકારનું જે પ્રકારનું વલણ રહ્યું છે. તે પરથી એવું લાગે છે કે આ બિલ ન ભરવા અંગેની અપીલ પણ શાસકોના કાને નહીં પહોંચે.