મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરીણામો જાહેર થયા છે, જેની સાથે ઘણી પેટા ચૂંટણીઓના પણ પરીણામો જાહેર થયા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ અને કડક શબ્દોમાં દેશની મહામારી માટે તંત્રને આડેહાથ લીધું હતું. મદ્રાસ હાઈકોર્ટે તો ચૂંટણી અધિકારીઓ પર હત્યાનો ગુનો દાખલ થાય તેવી ટીપ્પણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લીધી હતી. ચૂંટણી પંચ દ્વારા જીત બાદ થનારા સરઘસો અને પાર્ટીના ઉત્સવો પર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ તમિલનાડુના ચેન્નાઈમાં ડીએમકેના હેડક્વાર્ટર સામે નેતાઓ અને કાર્યકરો જીતના ઉન્માદમાં કોરોનાની ગાઈડલાઈન્સ અને ચૂંટણી પંચની જાહેરાતને ભુલી ગયા અને લોકોના જીવ જોખમમાં મુકતા એક બીજાને લાડુ ખવડાવી મોંઢા મીઠા કરાવતા હતા. જેની તસવીરો હાલ ચારે તરફ ફરતી થઈ છે. બંગાળના રસ્તાઓ પર પણ ફટાકડાઓ ફોડી આતિશબાજી કરવા ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસ રોકવા ગઈ તો તેમને સફળતા મળી નહીં. ચૂંટણીપંચે આવા નેતાઓ કાર્યકરો સહિત તમામો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવું કહ્યું છે.


 

 

 

 

 

જીતના ઉન્માતમાં તેઓ એટલા મગ્ન થયા હતા કે પોતાના બાળકોને પણ ત્યાં સરઘસમાં લઈ જઈ તેમના પણ જીવ જોખમમાં મુક્યા હતા. માસ્ક પહેરવાનું તો લગભગ કોઈ નેતાને ભાન પડ્યું હોય તેવા આંગળીએ ગણી શકાતા હતા. અબીલ ગુલાલ ઉડાવ્યા, ફટાકડા ફોડ્યા મોંઢા મીઠા કર્યા. અહીં સુધી કે કેટલાક પોલીસ કર્મચારીઓ અધિકારીઓ આ જશ્નને રોકવા અને તેમને કોરોના ગાઈડલાઈન્સને કારણે આ બધું બંધ કરવા સમજાવવા ગયા. જોકે નેતાઓ એટલા મસ્તીખોર નિકળ્યા કે પોલીસના પગ પાસે જ ફટાકડો ફોડ્યો.

ઉત્તરપ્રદેશમાં હાથરસ ખાતે પંચાયતની ચૂંટણીના કાઉન્ટિંગ વખતે પણ હજારોની ભીડ હોલમાં ઘૂસવાના પ્રયત્નો કરતી જોવા મળી હતી. લોકો દિવાલો કુદ કુદીને ટોળે વળ્યા અને હવે ભીતિ એવી છે કે તેઓ કોરોનાના સુપરસ્પ્રેડર્સ બની શકે છે. યુપીમાં પણ પંચાયતનું કાઉન્ટીંગ ચાલું હતું જેમાં 75 જિલ્લામાં ઉમેદવારોના ભાગ્ય લખાવાયા હતા. દરમિયાન મતગણતરી કેન્દ્રમાં જ 4 મતગણતરી કરનારા કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. મતગણતરી કેન્દ્રો પર ઘણા સ્થાને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સતત ધજાગરા થતાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે જ્યારે કડક શબ્દોમાં બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે તેવું કહ્યું હતું અને તેમના પર સંભવતઃ હત્યાનો કેસ થાય તેવી વાત કરતા ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓના પગ એકીબેકી રમવા લાગ્યા હતા જે પછી મોડે મોડેથી ચૂંટણી પંચે એવી જાહેરાત કરી હતી કે ચૂંટણી બાદ જીતના સરઘસ કોઈ કરી શક્શે નહીં. તેમણે આવા સરઘસ અને જશ્ન પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે પ્રોટોકોલ અહીં લગભગ ક્યાંય ફોલો થયો હોય તેવું દ્રષ્યમાન થયું ન્હોતું.