મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણા બંને રાજ્યો માટે ચૂંટણીના શિડ્યૂલને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને હરિયાણા માટે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આગામી 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 24મી ઓક્ટોબરે પરિણામ જાહેર થઈ જશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં 8.94 લાખ મતદારો પોતાનો મતાધીકારનો ઉપયોગ કરશે. મહારાષ્ટ્રમાં 1.8 અને હરિયાણામાં 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રની 288 સભ્યો વાળી વિધાનસભાનો કાર્યકાળ હવે આગામી 2 નવેમ્બરે અને હરિયાણાની 90 સીટની વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે.
આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને તેમાં એ છે કે આ પ્રથમ એક એવી ચૂંટણી હશે જેમાં પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવામાં આવે. આ ચૂંટણી પ્લાસ્ટીક મુક્ત ચૂંટણી હશે. દરેક બેઠક પર રૂ. 28 લાખનો ખર્ચ થશે. 4 ઓક્ટોબર ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે. આ ચૂંટણીમાં પણ વીવીપેટ પણ ઉપયોગમાં લેવાશે.