મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટમીની મતગણતરી ચાલી રહી છે. પરિણામોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 11.00 વાગ્યા સુધીમાં 165 ટીએમસી, ભાજપ 124 સીટો પર આગળ હતું. ત્યાં જ આસામમાં ભાજપે બહુમતનો આંકડો અડકી લીધો છે. અહીં ભાજપ 83 સીટો પર આગળ છે. તમિલનાડુમાં પણ ડીએમકેએ બહુમત મેળવી લીધો છે. 137 સીટો પર ડીએમકે આગળ છે. કેરળની વાત કરીએ તો અહીં એલડીએફ 86 સીટોના સાથે આગળ છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડ્ડુચ્ચેરી, કેરળ સહિતના પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં યોજાયેલી આ ચૂંટણીઓ દેશભરમાં ચર્ચામાં રહી છે.

બંગાળમાં પરિણામો રસપ્રદ વળાંક લેતા જોવા મળી રહ્યા છે. અહીંના ઉમેદવાર મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના પ્રતિદ્વંધી ભારતીય જનતા પાર્ટીના સુભૈંદુ અધિકારીથી પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતની ગણતરીઓમાં પોસ્ટલ બેલેટના સાથે ધીમેધીમે ઈવીએમના મતોની ગણતરીઓ પણ શરૂ થઈ ત્યારથી હવે 12.30 સુધીમાં ચૂંટણી કમિશનની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડાઓ મુજબ અધિકારીને કુલ 34430 મત મળ્યા છે જ્યારે મમતા બેનર્જીને 30655 વોટ મળ્યા છે. અત્યાર સુધી કુલ 67782 મતોની ગણતરી થઈ ચુકી છે. અહીં નોટામાં 345 મત પડ્યા છે.

ગુજરાતના મોરવા હડફની વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારા સામે સીધો જંગ ખેલાઈ રહ્યો હતો. આ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવાને મામલે અગાઉ પણ નેતાઓ પર લોકોએ ફિટકાર વરસાવી હતી કારણ કે એક તરફ ગુજરાતમાં ધડાધડ કોરોના કેસ વધે છે અને લોકો એક પછીએ મૃત્યુને ભેટે છે ત્યારે ચૂંટણી પ્રચાર કરવો કેટલો યોગ્ય તે સવાલ લોકોએ ઉઠાવ્યા હતા. આજે આ બેઠકના પરિણામોને પગલે મતગણતરી થઈ રહી છે હાલ  12.30 સુધીમાં નિમિષા સુથાર સુરેશ કટારા કરતાં 8680 મતથી આગળ વધી રહ્યા છે. હજુ બેઠકના મતોની ગણતરીઓ ચાલુ છે. ઝારખંડમાં ભાજપના ગંગા નારાયણ સિંગ ઝારખંડ મુક્તી મોર્ચાના હાફીઝૂલ હસનથી 1682 વોટ પાછળ ચાલે છે.

ઉપરાંત પેટાચૂંટણીઓમાં કર્ણાટકની એક એક સીટ પર ભાજપ અને કોંગ્રેસ બંને આગળ છે. મિઝોરમમાં જોરમ પીપુલ્સ મૂવમેન્ટ પાર્ટી આગળ ચાલી રહી છે. રાજસ્થાનમાં પણ બે સીટો પર કોંગ્રેસ અને એક પર ભાજપ આગળ ચાલી રહી છે. તેલંગાણામાં ટીઆરએસ આગળ છે.