ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બરફ ઓગળી રહ્યો છે, બેંકો દ્વારા ક્રિપટોકરન્સી સંદર્ભના નકારાત્મક અને અક્કડ વલણના અભિગમનો. એક સમય એવો હતો જ્યારે ક્રિપટોકરન્સી વિરુધ્ધમાં આખી દુનિયાની બેંકો મોઢું ચઢાવતી હતી. કેટલાંક સિનિયર બેંક અને ક્રેડિટ યુનિયનોના ઉચ્ચ અધિકારીઓ ક્રિપટોકરન્સીમાં રોકાણ સેવા ઓફર કરવા સામે નાકનું ટેરવું ઊંચું રાખતા હતા. આવા બેંક અધિકારીઓનો એક સર્વે અમેરિકા સ્થિત કોર્નસ્ટોન બેન્કિંગ એડવાઇઝરી કન્સલ્ટન્સીએ કર્યો હતો. ૧૦ બેન્કોએ આ સર્વેમાં કોઈ રસ દાખવ્યો ના હતો, માત્ર બે ટકા બેન્કોએ એવો જવાબ આપ્યો હતો કે અમે ક્રિપટોકરન્સીમાં ખુબજ રસ ધરાવીએ છીએ.

ભારત સહિતની જગતની સંખ્યાબંધ બેંકો એવું માને છે કે ક્રિપટોકરન્સી એ અમારા માટે બહારથી આવી પાડનાર પડકાર, કરતાં અમારી વધુ ચિંતાઓ કેવાયસી (નો યોર કસ્ટમર) અને એએમએલ (એન્ટિ મની લોન્ડરિંગ)ના વ્યાપની છે. જો અમારા આ વાંધાને સર્વાંગી રીતે અવગણવામાં આવશે તો, અમારે ક્રિપટોકરન્સી માટેના કમ્પ્લાયન્સની અવગણના કરવાની આવશે, જે અમે ફયાટ (કાગળિયું નાણું) કરન્સી માટે લઈએ છીએ. જો આમ થશે તો ક્રિપટોની સલામતી કાગળિયા નાણાં કરતાં પણ સાવ ઓછી થઈ જશે.

એક ભારતીય બેંકરે કહ્યું હતું કે ક્રિપટોવિશ્વમાં જોખમ અને ભાવની ઉથલપાથલ અમર્યાદિત છે, અમે આ જ કારણોસર ક્રિપટોકરન્સીને અમારા દરવાજે ઊભી નથી રાખતા. વર્લ્ડ બેંક કહે છે કે અલસાલ્વાડોરના વિદેશ વસતા નાગરિકો તેમના દેશમાં જે કઈ નાણાં (ક્રોસ બોર્ડર રેમિટન્સ) મોકલે છે તે ક્રિપટો કરન્સી હોય છે અને તે દેશની જીડીપીનો લગભગ ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. ૭ સપ્ટેમ્બર ૨૦૨૧થી અલસાલ્વાડોર સત્તાવાર રીતે બિટકોઇન અને અન્ય ક્રિપટોકારન્સીને કાયદેસરના ચલણની માન્યતા આપી દેશે.

Advertisement


 

 

 

 

 

અહી એ નોંધવું રહ્યું કે ભારત સહિતના અનેક રોકાણકારો ક્રિપટોકરન્સીને અપનાવતા થઈ ગયા છે. ૬૦ ટકા ક્રિપટો રોકાણકારોને બેંક મારફત સત્તાવાર વ્યવહાર કરવા દેવામાં આવે તો તેઓ બેંક દ્વારા જ ક્રિપટોકરન્સીમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે. ક્રિપટોમાં બહુ બધા લોકોને રસ પડી ગયો છે ત્યારે ક્રિપટો સામે બેન્કોનો વિરોધ બહુ લાંબુ નહીં ખેંચ. આવી ધારણાને આધારે જ ક્રિપટો ઉધ્યોગની પ્રિય બેંક ગોલ્ડમેન સાસએ હાલમાં જ ક્રિપટો ટ્રેડિંગ ડેસ્ક ફરીથી શરૂ કર્યું છે. 

વિશ્વની અસંખ્ય બેંકો જ્યારે ક્રિપટો વ્યવહાર શરૂ કરવા માટે આનાકાની કરે છે ત્યારે, ખાસ કરીને ગોલ્ડમેન સાસ અને અન્ય કેટલીક બેન્કોએ જે સાહસિક કદમ ઉઠાવવા આતુર છે, તેના લીધે ક્રિપ્ટો રોકાણકારોને હવે વિશ્વાસ બેઠો છે કે આજ નહીં તો કાલે ક્રિપટો કારન્સીને જાગતિક મંજૂરી મળી જશે. અને ક્રિપટોબજારનો ઝડપી વિકાસ સંભવિત બનશે, જે નાણાકીય બજારમાં નવી તકો ઊભી કરશે.

અલસાલ્વાડોરે જે દાખલો બેસાડયો છે, અલબત્ત, તે બેંકો અને અન્યોને ના ગમે કે ગમે પણ ક્રિપટોનું અસ્તિત્વ હવે આ જગતે સ્વીકારવુંજ રહ્યું. આને લીધે યુકે, યુરોપિયન યુનિયન, અમેરિકા જેવા પશ્ચિમના દેશોની બેન્કોમાં એક સ્પષ્ટ સંદેશો ગયો છે કે હવે તમારે તમારું અક્કડ વલણ છોડવું જ પડશે. અલબત્ત, આ એક વિચારભેદનો જ મુદ્દો છે. બેંકો ક્રિપટો બજાર હિસ્સાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, નહીં કે ફયાત કરન્સી પર.

Advertisement


 

 

 

 

 

અલસાલ્વાડોરના નાગરિકો અને અન્યો સરળતાથી, ઝડપથી, ઓછા ખર્ચે અને અસરકારતાથી નાણાં ટ્રાન્સફર થતાં હોવાનો અનુભવ કરી રહ્યા છે. કરન્સી સંદર્ભના કેટલાક મુદ્દાને નવેસરથી ધ્યાન પર લેવાની હવે જરૂર છે, કેવાયસી અને એએમએલ જેવા મુદ્દા જરૂરી છે, પણ આ મુદ્દા અડચણરૂપ તો ના જ બનવા જોઈએ. ફયાટ કરન્સીની જેમ જ અહી પણ અમલ કરવો અઘરો નથી. બસ જરૂર છે ક્રિપટોકરન્સી બાબતનો નકારાત્મક અભિગમ બદલવાની, ક્રિપટોમાં બધુંજ કઈ નકારાત્મક કે બધુંજ કઈ સારું નથી. બસ જરૂર છે તેની ફાયદાકારક ઉપયોગિતા અને તેની પ્રત્યે હકારાત્મક અભિગમની.
               
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)